મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2013 (17:53 IST)

ગુજરાતી રંગભૂમિ પર અજાતશત્રુ, સિદ્ધાર્થ રાંદેરિયા

છેલ્લાં ૩૫ વરસથી સતત કાર્યરત રહેલા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ રંગભૂમિ પર ૨૦,૦૦૦થી વધુ શો કર્યા છે અને લેખક- નિર્માતા- કલાકાર- દિગ્દર્શકની રૂપે ૨૦થી વધુ હિટ નાટકોના શો ભજવી એક વિક્રમ સરજ્યો છે.

P.R


લગો રહો ગુજ્જુભાઈ’ (૭૦૦ પ્રયોગ), ‘ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા’ (૪૫૦ પ્રયોગ) અને હાલમાં હાઉસફુલના પાટિયા ઝુલાવતું ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ (૨૧૦ પ્લસ પ્રયોગ) એમ ગુજ્જુભાઈની સિરીઝને વ્યવસ્થિત પોતાની કુનેહથી અથાક અભિનયના જોરે સિદ્ધાર્થ આગળ વધારી રહ્યો છે. ગુજ્જુભાઈની ત્રણ નાટકોની માત્ર અમેરિકાની ટૂરના જ ૧૧૦થી વધુ પ્રયોગો છે અને ‘લગે રહો ગુજ્જુભાઈ’ નાટકના માત્ર અમદાવાદમાં જ ૩૦૦થી વધુ પ્રયોગો થઈ ચૂક્યા છે. તે ઉપરાંત ‘ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા’ના ૨૦૦થી વધુ અને ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ના ૧૨૫થી વધુ શો ગુજરાતમાં કરી અવિરત આગેકૂચ જારી છે. ત્રણેય ગુજ્જુભાઈના લેખક પ્રવીણ સોલંકી છે જે ૧૯૯૫થી સિદ્ધાર્થનાં નાટકો લખે છે.

લગભગ ૨૫ વરસ પહેલાં લેખક તરીકે ‘છલાંગ’અને દિગ્દર્શક તરીકે ‘સવિતા દામોદર પરાંજપે’ દ્વારા પોતાની વિવિધ કાર્યદક્ષતાનો પરિચય પ્રેક્ષકોને કરાવનાર અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાના જીવનની એ મહત્ત્વની ઘટનાઓના સાક્ષી રહેવા માટે આ કોલમના લખનાર સૂત્રધાર આજે ખૂબ હર્ષની લાગણી અનુભવે છે, કારણ કે આજે સિદ્ધાર્થે પોતાની જાતને લેખક- કલાકાર- દિગ્દર્શક અને હવે નિર્માતા તરીકે પણ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ત્રણ દાયકાની એ સખત અને સતત મહેનતનું પરિણામ છે.

એક નિર્વિવાદ અને સત્ય બાબત એ છે કે ગુજરાતી રંગભૂમિની ડાયરીમાં લખાયેલ ૪૫૦થી વધુ કલાકાર- કસબીઓએ સર્વાનુમતે સમકાલીન રંગભૂમિના એકમાત્ર શહેનશાહ તરીકે સિદ્ધાર્થને સ્વીકાર્યો છે. ‘કોમેડી’નો સાચ્ચો અર્થ અને મર્મ જાણીને તે જીવનમાં આગળ વધે છે.

સિદ્ધાર્થ રાંદેરિયા કલાકાર તરીકે દરેક નાટકને એક પ્રયોગ કે એક નવા અનુભવ તરીકે લે છે જેના પરિણામરૂપે પ્રેક્ષકો આજે ‘છિન્ન’, ‘ચીલઝડપ’, ‘મહામાનવ’ કે ‘તું જ મારી મોસમ’ અને ‘અમારી દુનિયા, તમારી દુનિયા’ના તેના અભિનયને વીસરી શકે તેમ નથી. કાંતિ મડિયા, સુરેશ રાજડા, શૈલેશ દવે (રમત શૂન ચોકડીની), સરિતા જોષી (ગુપચુપ ગુપચુપ, મંજુ મંજુ), ચંદ્રકાંત કુલકર્ણી (મંત્રમુગ્ધ), અરવિંદ જોષી (એક લાલની રાણી) જેવા દિગ્ગજ દિગ્દર્શકોના હાથ નીચે પોતાને અભિનેતા તરીકે કામ કર્યાનો સિદ્ધાર્થ ગર્વ અનુભવે છે, ખૂબ જ્ઞાન અને અનુભવ તેની જિંદગીની પ્રગતિમાં ઉપયોગી થયાની લાગણી વ્યક્ત કરે છે. આને કહેવાય સાચ્ચી ખેલદિલી!

સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી રંગભૂમિ પર અજાતશત્રુ તરીકે જાણીતો છે. એ ભલો અને એનું કામ ભલું! એક કલાકાર તરીકે નિખાલસતાથી કહે છે કોમેડી નાટકમાં એકશન કરતાં રીએકશન વધુ મહત્ત્વનાં હોય છે. સરિતા જોષી, અરવિંદ જોષી, પરેશ રાવલ, કાંતિ મડિયા, શૈલેશ દવે, હોમી વાડિયા, જતીન કાણકિયા, ટિકુ તલસાણિયા, સચિન ખેડેકર (ભાઈ ૧૯૯૫) જેવા જાણીતા કલાકારોથી માંડીને આજની યુવા પેઢીના કલાકારો સાથે કાર્યરત સિદ્ધાર્થ રાંદેરિયાને મન રંગમંચ અભિનય માટેનું મોકળું મેદાન છે જે એકાગ્રતાથી અને વ્યવસ્થિત કવાયત અર્થાત્ તાલીમ/ રિહર્સલ સાથે નાટક કરવા તૈયાર હોય તેમને પોતાના બેનરમાં આવવાનું જાહેર આમંત્રણ આપે છે. કોઈ પણ ભેદભાવ કે પક્ષપાત વગર.

દેશ-વિદેશમાં અસંખ્ય એવૉર્ડ જીતનાર સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજરાતી રંગભૂમિની સુવાસ મુંબઈ, અમદાવાદ- ગુજરાત, અમેરિકા ઉપરાંત યુકે, ઓસ્ટ્રેલિયા, ઈસ્ટ આફ્રિકા, ન્યુ ઝીલેન્ડ, યુએઈ, સિંગાપોર, મલેશિયા જેવા વિવિધ દેશોમાં ફેલાવી છે.

સિદ્ધાર્થ એકમાત્ર કલાકાર- દિગ્દર્શક છે જેણે વરસમાં ૩૦૦થી વધુ પ્રયોગો ભજવ્યા હોય અને સતત ૨૦ સુપર હિટ નાટકોનો રસથાળ રજૂ કર્યો હોય. સચિન ખેડેકર, શર્મન જોષી, દિલીપ જોષી, જતીન કાણકિયા, ટિકુ તલસાણિયા જેવા સક્ષમ કલાકારો સાથે હિટ નાટકોના લેખક- દિગ્દર્શક- કલાકાર રહ્યાનું સિદ્ધાર્થનું ગૌરવ છે.

પંચાવન પ્લસની ઉંમરના સિદ્ધાર્થની આજની તારીખમાં એક્ટર તરીકેની કાબેલિયત અને એનર્જી આજના કોઈ પણ નવયુવાન કોમેડી કલાકારને શરમાવે તેવી પુરવાર થયેલી છે અને એના પરિણામરૂપે સિદ્ધાર્થ અભિનીત નાટકો મુંબઈમાં ૪થી ૫ વખત જોયાં હોય અને અમદાવાદમાં ૧૦થી વધુ વખત જોયાં હોય તેવા તમને અસંખ્ય પ્રેક્ષકો-ચાહકો મળી રહેશે.