મંગળવાર, 4 ઑક્ટોબર 2022
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By દેવાંગ મેવાડા|

હેમુ ગઢવી

ગુજરાતી કલા સંસ્કૃતિ ક્ષેત્રે હેમુ ગઢવી એક ખાસ સ્થાન ધરાવે છે. 4 સપ્ટેમ્બર 1929ના રોજ સાયલાના ઢાંકળિયા ખાતે તેમનો જન્મ થયો હતો. એક સફળ ગાયક, નાટ્યકાર, અભિનેતા એવા હેમુ ગઢવી 1955માં આકાશવાણીમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા. ત્યાં તેમણે સતત દશ વર્ષ સુધી લોકસંગીતના પ્રચારપ્રસારનુ ભગીરથ કાર્ય કર્યું.

1962-63માં કોલંબિયા કંપનીએ તેમની 78 સ્પીકની રેકર્ડ "સોની હલામણ મે ઉજળી" રીલીઝ કરી. ગુજરાતી લોકસંગીતનું નાક, લોકસંગીતનો પાણતિયો, રખોપિયો, અષાઢી ગાયક, ગહેકતો મોરલો જેવા જુદા જુદા ઉપનામે જાણીતા થયેલા હેમુ ગઢવીએ ખરા અર્થમાં ગુજરાતી કલા સંસ્કૃતિની સેવા કરવામાં જરાય કચાશ ન છોડી.

એચ.એમ.વી.એ રજૂ કરેલી હેમુ ગઢવીની મણિયારા રે, શિવાજીનું હાલરડું, મોરબીની વાણિયણ વગેરે ગીતોની રેકર્ડ આજે પણ લોકપ્રિય અને યાદગાર છે. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આજે જે મુકામે પહોંચ્યું છે તેમાં હેમુભાઈએ યશસ્વી યોગદાન આપ્યું હતું.

સૌરાષ્ટ્રની લોકકલાની વાત નીકળે ત્યારે આપણા લોકગાયકો યાદ ન આવે તેવું તો બને જ નહીં. તેમાંય કસુંબલના કંઠ સમા હેમુભાઈ ગઢવીનો જોટો જડવો મુશ્કેલ છે. તેમણે માત્ર લોકગીતો જ નહી રંગભૂમિ ક્ષેત્રે પણ સારૂં એવું યોગદાન આપ્યું હતું. તેમણે પૃથ્વીરાજ ચૌહાણ અને રાજા હરીશચંદ્ર જેવા જાણીતા નાટકોમાં અભિનય કર્યો હતો.

20 ઓગસ્ટ 1965ના રોજ પડધરી ખાતે રાસડાઓનું રેકોર્ડીંગ કરતી વખતે જ અકસ્‍માતમાં તેમનું અવસાન થયું. મૃત્યુ વખતે તેમની ઉંમર હતી માત્ર 36 વર્ષ. જો કે તેઓ તેમની ઉંમરના પ્રમાણમાં ઘણા મોટા કહી શકાય એવા માન સન્માન પામ્યા હતા. તેમાં રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર, ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયક તરીકે ગૌરવ પુરસ્કાર વગેરે ઉલ્લેખનીય કહી શકાય. રાજકોટમાં તેમના સન્‍માનમાં હેમું ગઢવી નાટ્ય હોલ બનાવવામાં આવ્યો છે.