શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

જૈન તીર્થસ્થળ : ભારતીય સ્થાપત્યનો બેજોડ નમૂનો છે દેલવાડા

P.R
રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત દેલવાડાના જૈન મંદિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય કળાનો બેજોડ નમૂનો છે. ગુજરાતમાં રહેતા લોકો અહીં બહુ સરળતાથી પહોંચી શકે છે. જ્યારે દિલ્હીથી અહીં પહોંચવું પણ સરળ છે.

બહારથી જોતાં તમને વિશ્વાસ નહીં બેસે કે તમે આર્કિટેક્ચરને લઇને આખા વિશ્વમાં જાણીતા દેલવાડાના જૈન મંદિરની બહાર ઊભા છો. વાસ્તવમાં આ મંદિરોના ઓછી ઊંચાઈવાળા શિખરોને અત્યંત સાદગીથી બનાવવામાં આવ્યા છે જેથી હુમલાખોરો સરળતાથી આ લોકેશનનો અંદાજો ન લગાવી શકે. જોકે મંદિરમાં એન્ટ્રી લીધા બાદ તમારી આંખો ખુલ્લી ને ખુલ્લી રહી જશે અને તમને લાગશે જ નહીં કે આ મંદિરોનું નકશીકામ મનુષ્યોની કમાલ છે.

અદ્ભૂત કળા...

મંદિરમાં ચારે તરફ કળાના અત્યંત સુંદરતાથી કોતરેલા નમૂના દેખાય છે અને અહીંનો દરેક ભાગ પોતાની રીતે એક અજાયબી છે. દરેક પર તમારી નજર ટકેલી રહેશે. આવામાં આરસપહાણના પથ્થર પર કોતરવામાં આવેલું ખૂલતું અને બંધ થતું સૂરજમુખીનું ફૂલ તો આ મંદિરના ઉત્તમ નમૂનાનું એક ટ્રેલર છે. આખરે કંઇ એમ જ આ અંદાજે હજાર વર્ષ જૂના મંદિરને ભારતીય કળાનો બેજોડ નમૂનો થોડી માનવામાં આવે છે.

અહીં આવેલા પાંચ મંદિરોમાંથી પહેલું વિમલ વસહી 11મી સદીમાં ગુજરાતના રાજાના મંત્રી વિમલ શાહે બનાવડાવ્યું હતું, જે જૈન ધર્મના પહેલી તીર્થંકર ઋષભદેવને સમર્પિત છે. જ્યારે બીજા મંદિર લુણવસહિને 13મી સદીમાં ગુજરાતના રાજાના બે મંત્રી ભાઇઓ વસ્તુપાલ અને તેજપાલે બનાવડાવ્યું હતું.

P.R
કહેવામાં આવે છે કે બંને ભાઈ પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા. રાત થતાં તેમણે મહિલાઓના ઘરેણાની સુરક્ષા માટે ખાડો ખોદી દાટવાનું શરૂ કર્યું તો તેમને જમીનમાં ઢગલાબંધ સોનું છુપાયેલું મળ્યું. તેમણે તેમાં વધુ પૈસા ઉમેરી મંદિર બનાવડાવ્યું.

ત્રીજું પીતલહર મંદિર રાજસ્થાના ભામાશાહે બનાવડાવ્યું હતું. આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેમાં લાગેલી 4 હજાર કિલોની પંચધાતુની ભગવાન ઋષભદેવની પ્રતિમા છે. કહેવામાં આવે છે કે આ પ્રતિમામાં સેંકડો કિલો સોનું પણ વપરાયું છે.

દેલવાડા સ્થિત ચોથું મંદિર ભગવાન પાર્શ્વનાથનું છે. જૈન મંદિરના પ્રવેશદ્વારના ડાબા હાથ પર એક ત્રણ માળનું ચિંતામણી પાર્શ્વનાથનું ચૌમુખ મંદિર છે.

કહેવામાં આવે છે કે આ ત્રણ માળવાળા મંદિરના નિર્માણમાં આ કામ કરનારા મજૂરોએ પણ આર્થિક મદદ કરી હતી, જેમને મજૂરી રૂપે આરસપહાણ પર કામ કર્યા બાદ નીકળેલા ચૂરાની સમકક્ષ વજનનું સોનું મળતું હતું. પાંચમું મંદિર મહાવીર ભગવાનનું છે. નાનું હોવા છતાં આ મંદિર કલાકારીના મામલામાં અનોખું છે.

ક્યારે જવું - રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન એવા માઉન્ટ આબુમાં તમે શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુમાં જઇ શકો છો. અલબત ઉનાળામાં જવાનું ટાળો તો સારું. જોકે, ગરમીમાં બાકીના રાજસ્થાન કરતા આ સ્થાન ઠંડુ રહેતું હોવાથી આ ઋતુમાં પણ જશો તો વાંધો નહીં આવે. શિયાળામાં અહીં સારી ઠંડી પડતી હોવાથી ઠંડીની ઋતુમાં મહાલવાની મજા પડશે.

ક્યાં રોકાશો? - માઉન્ટ આબુમાં દરેક પ્રકારના બજેટ અને સ્ટાન્ડર્ડની હોટેલ ઉપલબ્ધ છે.