પર્યુષણ પર્વનો પ્રારંભ - સમસ્ત જૈન સમાજમાં ભક્તિમય, આરાધનામય વાતાવરણ
કર્મ-મર્મને ભેદવાની તાકાત ધરાવતા જૈનોના માંગલિક મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો ગુરુવારથી પ્રારંભ થયો છે. પર્યુષણના આઠેય દિવસ તમામ જૈન દેરાસરો, ઉપાશ્રયોમાં શ્રી જિનેશ્ર્વર ભક્તિ તથા આરાધના સહિત પૂજા વગેરે ભણાવશે. તમામ જિનાલયોમાં રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. ધજા-પતાકા અને કમાનોથી જિનાલયોને શુશોભિત કરવામાં આવશે. સમસ્ત જૈન સમાજમાં ભક્તિમય અને આરાધનામય વાતાવરણ સર્જાશે.
જૈન દેરાસરોમાં પર્યુષણના આઠેય દિવસ પ્રભુજીને ભવ્યાતિભવ્ય અંગરચનાઓ કરવામાં આવશે. જૈનોનો નાનામાં નાનો બાળક પણ પર્યુષણના આઠેય દિવસથી જિનેશ્ર્વર પ્રભુની પૂજા કરીને આનંદવિભોર બને છે. મહિલાઓ આઠેય દિવસ નવાં નવાં વસ્ત્રો ધારણ કરીને શ્રી જિનેશ્ર્વર પ્રભુની ભક્તિ કરશે. તેમજ પોતાના ઘરે મંગલમય અવસરના વધામણા કરશે. જૈનોના પર્યુષણ પર્વની તપ આરાધના વડે ઉજવણી કરાશે. ગુરુભગવંતો ધાર્મિક પ્રવચનો ફરમાવશે અને શ્રાવક, શ્રાવિકાઓના આત્માને ઢંઢોળશે. ઉપાશ્રયોમાં સામયિક સહિતના આયોજન થશે. સર્વત્ર ધાર્મિક વાતાવરણ સર્જાશે. જૈનસમાજ પર્યુષણને આવકારવા સજ્જ બની ગયો છે.
જૈનોના મહાન પર્વ પર્યુષણનો ગુરુવારથી મંગલ પ્રારંભ થશે. જૈન દેરાસરોમાં દેવદર્શન, સ્નાત્રપૂજા, ચૈત્યવંદન તેમજ આચાર્ય ભગવંતો અને મુની મહારાજાઓના વ્યાખ્યાનો યોજાશે અને સવારથી જ જૈનમ જયતિ શાસનમ્ના દિવ્ય સ્મરણ સાથે મંગલ પર્વમાં ધર્મ આરાધનાઓ જૈનોના ચતુર્વિધ સંઘમાં થશે તેમજ જૈન ઉપાશ્રય અને ધર્મશાળાઓમાં ગુરુ ભગવંતોના સાંનિધ્યમાં મંગલ પ્રારંભ, સમૂહજાપ અને ગુરુવંદના સાથે થશે.
આવેલા જૈન દેરાસરોની અદ્ભુત સજાવટો થઈ રહી છે અને સવારથી જ તીર્થંકર ભગવંતોની દિવ્ય પ્રતિમાઓના દર્શન અને પૂજા માટે સતત ધસારો થાય છે. અહિંસાના આરાધક જૈનો દ્વારા પર્યુષણના આઠ દિવસ જીવદયા માટે યથાશક્તિ દાન આપી અબોલ જીવોને અભયદાન અપાય છે. પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર વાંચન અને મહાવીર સ્વામીના ચ્યવન કલ્યાણનું જન્મ વાંચન થશે અને ધર્મ ધ્યાન તથા તપ ત્યાગની હેલી ચડશે. પર્યુષણ પર્વ દરમિયાન સામયિક, સમૂહ પ્રતિકમણ, ગુરુવંદના, દેવવંદના સહિત વિવિધ ધર્મ અનુષ્ઠાનોની આરાધનાનો મંગલ પ્રારંભ થશે અને સમગ્ર વાતાવરણમાં અહિંસા અને પ્રેમની દિવ્ય લહેર પ્રસરશે.