મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: બુધવાર, 13 મે 2015 (15:07 IST)

ભવિષ્ય જાણવાની કોને ઇચ્છા ન હોય, ટેરો કાર્ડ જણાવે છે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય

પ્રાચીન કાળથી માનવીને ન જાણેલું જાણવાની ઉત્કંઠાએ વિકાસને માર્ગે અગ્રેસર કર્યો છે. ભાગ્યેજ એવી કોઇ વ્યક્તિ તમને મળે જેને પોતાનું ભવિષ્ય જાણવાની ઉત્કંઠા કે જિજ્ઞાસા ન હોય. આ મારો પોતાનો અનુભવ છે કે જેવી લોકોને ખબર પડે કે મને હાથ જોતાં આવડે છે કે તરત જ બે-ત્રણ હાથ મારી સામે પ્રસ્તુત થઇ જ જતા હોય. એમાંનો કોઇ હાથ સિત્તેર વર્ષના દાદાજીનો ય હોય, સત્તર વર્ષના યુવકનો ય હોય અને બહુ અતડા રહેતા ચાલીસ વર્ષનાં ભાભીનો ય હોય. કહેવાનો અર્થ એ કે પોતાનું ભવિષ્ય જાણવાની ઇચ્છા દરેક આયુવર્ગના લોકોને હોય છે.

ટૅરો કાર્ડ એ પ્રાચીન કળા છે

હાથ જોઇને, ચહેરો જોઈને અને કુંડળી જોઇને ભવિષ્ય જાણવાની કળામાં આપણા પૂર્વજો નિષ્ણાત હતા. આવી જ એક પ્રાચીન કળા છે ટૅરો કાર્ડ દ્વારા ન જાણેલું જાણવાની કળા. ટૅરોમાં ૭૮ કાર્ડ હોય છે, જેમાં ૧૪ કાર્ડના ચાર સેટ અને ૨૨ કાર્ડ ટ્રમ્પના હોય છે. જેમણે ટૅરો કાર્ડ જોયા હશે એમને યાદ હશે કે એમાં દરેક કાર્ડ પર જુદાં જુદાં ચિત્ર દોરેલાં હોય છે.

આ કાર્ડ જોઇને ભવિષ્ય કહી આપવાની કળા કયારથી શરૂ થઇ એ તો કોઇને ખબર નથી, પરંતુ આ કળા ૧૪મી કે ૧૫મી સદીમાં વિકસિત થઇ હોવાનું માનવામાં આવે છે. કાર્ડના ચિત્ર જોઇને એવું અનુમાન લગાવી શકાય કે આ કાર્ડ પર ઇજિપ્તિયન, પર્સિયન, હરબ્યુ અને ખ્રિસ્તી ધાર્મિક આસ્થાનો પ્રભાવ હોવાનું જણાય છે.

શું ટોરાહ પરથી ટૅરો બન્યું?

ટૅરો શબ્દ કદાચ ટોરાહ પરથી બન્યો હોઇ શકે. જ્યુ ધર્મમાં ટોરાહનો અર્થ પવિત્ર લખાણ કે પાઠ એવો થાય છે.

ટૅરો કાર્ડ દ્વારા તમારી સમસ્યાનું સમાધાન તમે જે કાર્ડ ઉપાડો એના પર રહેલાં ચિત્રના અર્થને આધારે કરવામાં આવે છે. એ કાર્ડમાં તમારી સમસ્યા માટે આગળ શું કરવું જોઇએ એ વિશેની આગાહી હોય છે. આ માટે ટૅરો નિષ્ણાત અથવા ટૅરો રીડર ટેબલ પર કાર્ડને પાથરીને તમને કોઇપણ એક કાર્ડ ઉંચકવાનું કહે છે.

ધારો કે તમે ડેથ કાર્ડ ઉચક્યું તો? ડરવાની જરૂર નથી કારણ ટૅરો રીડરના જણાવ્યા અનુસાર ડેથ કાર્ડ ઉચકવાનો અર્થ એ નથી કે તમારું મૃત્યુ નજીક છે, પણ એનો અર્થ કોઇ વસ્તુ, બાબત કે તબક્કાનો અંત થતો હોય છે. એનો એક અર્થ એ કે ત્યારબાદ કોઇ નવી શરૂઆત થવાની તૈયારી હોવાનું પણ સૂચવે છે.

જો તમે એ કે અન્ય કોઇ એવું જ કાર્ડ ઉચકો તો એમાં ગભરાવાની જરૂર નથી. આ કાર્ડ ફક્ત એટલું સૂચવે છે કે ’ઓલ ઇઝ નોટ વેલ’ અને જીવનના આવા તબક્કામાંથી પસાર થવાનો શ્રેષ્ઠ રસ્તો સકારાત્મક રહીને પસાર કરવાનો છે.

અંતર્જ્ઞાન પર આધારિત કળા

આ કળા અંતર્જ્ઞાન પર આધારિત છે. ટૅરો રીડર કાર્ડ વાંચતી વખતે પોતાની અંત:સ્ફૂર્ણાનો ઉપયોગ કરે છે. એ વખતે કાર્ડ વાંચીને એના મનમાં જે વિચારોના સ્પંદન ઊભા થાય એ પ્રમાણે એ તમને કાર્ડનો અર્થ કહેતા હોય છે.

શું કાર્ડમાં ખરેખર પાવર હોય છે?

આ સવાલનો જવાબ આપવો થોડોક અઘરો છે. અમુક ટૅરો રીડર ગમે તે કાર્ડના ડેકમાંથી તમે ખેંચેલા કાર્ડને આધારે એનો અર્થ તમને જણાવશે. જ્યારે અમુક ટૅરો કાર્ડ રીડર પોતાના ખાસ કાર્ડ દ્વારા જ તમને રીડિંગ કરી આપશે. એનું કારણ એ કે તેઓ એવું માનતા હોય છે કે એમની પાસેના કાર્ડ દ્વારા એમનામાં ટૅરો રીડિંગ માટે એક ખાસ પ્રકારની શક્તિ આવે છે.

મેજર આર્સાના સ્વતંત્ર કાર્ડ છે. દરેક કાર્ડનો અલાયદો અર્થ થતો હોય છે. જેમાં શયતાન, શક્તિ, પરેજી, મધ્યમસરની ચાલ, ફાંસીએ લટકતો માનવી, મૂર્ખ અને મૃત્યુ ઉપરાંતનો સમાવેશ થાય છે. માઇનર આર્સાનામાં ચાર ગ્રુપ હોય છે. દરેક ગ્રુપમાં ૧-૧૦ કાર્ડ હોય છે. ઘોડો, રાજા, રાણી જેવા ચહેરા એમાં હોય છે. સેલ્ટિક ક્રોસમાં દસ કાર્ડ હોય છે અને એમાં ભૂતકાળ અને ભવિષ્યમાં પડનારા પ્રભાવો, જાતીય ઇચ્છાઓ અને અસંગત પ્રભાવો વિશે જાણી શકાય છે.

કાર્ડ પાથરવાની રીત

ટૅરો કાર્ડમાં જુદી જુદી રીતે કાર્ડ પાથરવાની રીતનો ઉપયોગ થાય છે. અમુક કાર્ડ રીડર એમ માનતા હોય છે કે કાર્ડના ડેકમાંથી કોઇપણ કાર્ડ ખેંચવો પર્યાપ્ત છે, તો કોઇ રીડર એને અમુક રીતે પાથરીને પછી તમને કહેશે કે હવે તમે કાર્ડ ખેંચો, કોઇ રીડર વળી કાર્ડને નાટયાત્મક રીતે પાથરીને તમને કહેશે કે હવે તમે કાર્ડ ખેંચો. સેલ્ટિક ક્રોસ પદ્ધતિ, ટ્રી ઑફ લાઇફ પદ્ધતિ, રોમન પદ્ધતિ, પેન્ટાગ્રામ પદ્ધતિ કે પછી સાવ સાદી ત્રણ, પાંચ કે સાત કાર્ડ પાથરવાની પદ્ધતિમાંથી તમારો રીડર કોઇપણ પદ્ધતિથી કાર્ડ પાથરીને તમને કાર્ડ ખેંચવાનું કહી શકે છે.

સાંકેતિક અર્થ

ટૅરોના ૭૮ કાર્ડમાંથી ૨૨ કાર્ડ મેજર આર્સાના તરીકે ઓળખાય છે, એમાં સાંકેતિક અર્થ છુપાયેલા હોય છે. આ અર્થ અર્થજગત, ચૈતસિક મન અને ક્ષેત્રમાં બદલાવનો સંકેત આપે છે. બાકીના ૫૬ કાર્ડને માઇનર આર્સાના કહેવાય છે. આ કાર્ડને સ્વોર્ડસ, પેન્ટાકલ્સ, વાન્ડસ અને કપ્સ એમ ચાર ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા હોય છે. દરેક ગ્રુપ કોઇ એક થીમ પર કેન્દ્રિત હોય છે. સ્વોર્ડના કાર્ડ વિવાદ અને નૈતિક સમસ્યાઓ દર્શાવે છે. કપ્સના કાર્ડ લાગણી અને સંબંધો દર્શાવે છે. કોઇન્સના કાર્ડ સુરક્ષા અને નાણાંની જોગવાઇ દર્શાવે છે. વાન્ડસના કાર્ડ નોકરી, મહત્ત્વકાંક્ષા અને પ્રવૃત્તિ દર્શાવે છે.

ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય

સામાન્ય રીતે ટૅરો કાર્ડ ખેંચવા અગાઉ કાર્ડ રીડર તમને તમારી સમસ્યા કે તમે જે જાણવા માગો છો એ વિશે મનમાં વિચારવાનું કહેશે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની વાત જાણવા માટે તમારે ત્રણ કાર્ડ ખેંચવાના હોય છે. પહેલું કાર્ડ ભૂતકાળ, બીજું વર્તમાન અને ત્રીજું ભવિષ્ય દર્શાવે છે. ટૅરો કાર્ડની આગાહીઓ કેટલી ખરી પડે છે અથવા તો શું એ ખરેખર સાચી આગાહી હોય છે જેવા સવાલોના જવાબ હું નહીં આપી શકું કારણ કે આ તો એવા લાડું છે જે ખાય એ જ કહી શકે કે એનો સ્વાદ કેવો હતો. વ્યક્તિ વ્યક્તિએ એ બાબતમાં મતભેદ હોઇ શકે.

છેવટે ફરી એકવાર તમને યાદ દેવડાવવાનું કે તમને આ આર્ટિકલ ગમે તો અમને જરૂર જણાવજો અને જો ન ગમે તો તો ચોક્કસ જણાવજો. તમને કયા વિષય પર આર્ટ્રિકલો વાંચવા ગમે છે એ પણ અમને જણાવશો તો અમે તમને ગમતા વિષય પર રસપ્રદ માહિતી તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું.