શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By કલ્યાણી દેશમુખ|

ટોપીવાળો ફેરિયો

કોઈ એક ગામમાં એક ફેરિયો રહેતો હતો. તે રંગબેરંગી ટોપીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ટોપીઓ વેચવા તેણે કદી કદી અલગ અલગ ગામમાં ફરવું પડતું હતું.

એક દિવસ તે હંમેશાની જેમ ટોપી વેચવા દૂરના ગામમાં જઈ રહ્યો હતો. જતાં જતાં તે રસ્તામાં થાકી ગયો. તેણે વિચાર કર્યો કે ' ક્યાંક ઝાડ દેખાય તો તેના છાયામાં થોડો આરામ કરી લઉં.' થોડે દૂર તેણે એક ઝાડ દેખાયું. તેણે ટોપીઓવાળી પોતાની પેટી બાજુ પર મુકી, અને ઝાડ નીચે આડો પડ્યો થોડીવારમાં જ તેની આંખ લાગી ગઈ, અને તે ઘસઘસાટ ઉંઘી ગયો.

બપોર પૂરી થવા આવી હતી, ત્યાં જ ફેરિયાની આંખ ઉઘડી, તે ફટાફટ ઉભો થયો અને જેવી પોતાની પેટી લેવા ગયો તો આ શુ...! પેટીમાંથી ટોપીઓ ગાયબ હતી ! તે ગભરાઈ ગયો. તેણે આમતેમ નજર કરી પણ કોઈ પણ નજર નહોતું આવી રહ્યું. તો છેવટે ટોપીઓ કોણ લઈ ગયું હશે ? અચાનક તેની નજર ઝાડ પર પડી. જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો. પંદરથી વીસ વાંદરાનું ઝુંડ તેની ટોપીઓ પહેરીને ઝાડ પર કૂદાકૂદ કરી રહ્યું હતું. આટલાં બધાં વાંદરા ! તેણે પત્થર ઉઠાવીને માર્યો તો વાંદરાઓએ ઝાડ પરની નાની નાની બોરડી તોડીને મારવા લાગ્યાં. તેણે માથું ખંજવાળ્યું તો બધા વાંદરા પણ માથું ખંજવાળવા માંડ્યાં. તેણે બગાસું ખાધું તો બધા વાંદરાં બગાસું ખાવા માંડ્યાં. હવે ફેરિયો સમજી ગયો કે વાંદરા નકલચી છે. તેણે એક યુક્તિ સુઝી. તેણે પોતાની પેટી ઉઘાડી, તેને ઝાડ નીચે મુકી અને પછી તેમાં પોતે પહેરેલી ટોપી તેમા નાખી. આ જોઈને બધાં વાંદરાઓએ પણ પોતાની ટોપી ફટાફટ પેટીમાં નાખી. ફેરિયાએ તરતજ પેટી બંધ કરી અને તરતજ ત્યાંથી ચાલતો થયો.

શીખ - આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે નકલમાં પણ અક્કલ હોવી જોઈએ.