ગરમીના દિવસોમાં એક શિષ્ય પોતાના ગુરૂ પાસેથી અઠવાડિયાની રજા લઈને પોતાના ગામમાં જઈ રહ્યો હતો. તે સમયે ગામમાં પગપાળા જ જવુ પડતુ હતુ. જતી વખતે રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો. તેથી તેણે કૂવામાંથી પાણી કાઢ્યુ અને પોતાની તરસ છિપાવી. શિષ્યને અદ્ભૂત તૃપ્તિ મળી, કારણકે કૂવાનુ પાણી ખૂબ જ મીઠુ અને ઠંડુ હતુ. શિષ્યએ વિચાર્યુ - હું અહીંનુ પાણી ગુરૂજી માટે પણ લઈ જઉં. તેણે પોતાની પાસે રહેલુ એક પાત્ર ભર્યુ અને આશ્રમ તરફ ચાલી નીકળ્યો.
આશ્રમમાં પહોંચીને તેમણે ગુરૂને બધી વાત કરી. ગુરૂજીએ શિષ્યનુ પાત્ર લઈને પાણી પીધુ અને સંતુષ્ટિ અનુભવી. તેમણે શિષ્યને કહ્યુ - ખરેખર, પાણી તો ગંગાજળ જેવુ છે. શિષ્યને ઘણી ખુશી થઈ. ગુરૂજીની આપ્રકારની પ્રશંસા સાંભળીને શિષ્ય આજ્ઞા લઈને પોતાના ગામ જતો રહ્યો. થોડી જ વારમાં આશ્રમમાં રહેનારા એક બીજા શિષ્ય ગુરૂજીની પાસે પહોંચ્યો અને તેણે પણ પાણી પીવાની ઈચ્છા બતાવી. ગુરૂજીએ પાત્ર એ શિષ્યને આપ્યુ. શિષ્યએ જેવો એક ઘૂંટડો પીધો કે તેણે તરત જ તેના કોગળા કરી નાખ્યા. શિષ્ય બોલ્યો - ગુરૂજી પાણીમાં તો કડવાશ છે. અને આ પાણી ઠંડુ પણ નથી. તમે તો નાહક પેલા શિષ્યની આટલી પ્રશંસા કરી.
ગુરૂજીએ જવાબ આપ્યો - બેટા મીઠાશ અને શીતળતા એ પાણીમાં નથી તો શુ થયુ. તેને લાવનારાના મનમાં તો છે ને. જ્યારે તે શિષ્યએ પાણી પીધુ તો તેના મનમાં મારે માટે પ્રેમ જાગ્યો. આ વાત જ મહત્વપૂર્ણ છે. મને પણ આ પાત્રનુ જળ તારી જેમ સારુ ન લાગ્યુ. પણ આવુ કહીને તેનુ મન દુ:ખી કરવા નહોતો માંગતો. બની શકે કે જ્યારે જળ પાત્રમાં ભરવામાં આવ્યુ હોય ત્યારે મીઠુ અને ઠંડુ હોય અને પાત્ર સાફ ન હોવાને કારણે અહીં આવતા સુધીમાં પાણીનો સ્વાદ તેવો ન રહ્યો હોય, પણ તેનાથી લાવનારનું મનનો પ્રેમ તો નથી ઓછો થઈ જતો ને ?
દોસ્તો, બીજાનુ મન દુ:ખી કરનારી વાતો ટાળી શકાય છે અને દરેક ખરાબીમાં કાંઈક સારુ શોધી શકાય છે