ફિલ્મ સમીક્ષા - મેન ઈન બ્લેક 3
સ્ટાર : વિલ સ્મિથ, ટોમી લિ જોન્સ, જોશ બ્રોલિન, એમ્મા થોમ્પસન, જેમૈન ક્લેમેન્ટડાયરેક્શન : બેરી સોનેનફેલ્ડપ્રકાર : સાયન્સ-ફિક્શનરેટિંગ : 4 સ્ટાર્સ એજન્ટ જેએ એલિયન ગુનેગારને પોતાના પાર્ટનર એજન્ટ કેને મારતા અટકાવવાનો છે...નિયત સમની અંદર. પણ કેવી રીતે? ચાલો ભૂતકાળની વાતો ફરી યાદ કરીએ. સૌથી પહેલા 1997 અને પછી છેલ્લે 2002માં દેખાનારા મેન ઈન બ્લેકને ત્રીજી વાર પડદાં પર આવતા આવતા એક દાયકો થઈ ગયો છે. 'મેન ઈન બ્લેક'ની પહેલી બે ફિલ્મોએ આપણને ઘણી સારી રમૂજી ક્ષણો, અદ્દભુત સ્પેશિયલ ઈફેક્ટ્સ, પ્રેરણારૂપ પરફોર્મન્સ અને ધાંસૂ એક્શન સ્ટંટ દેખાડ્યા છે. હવે 2012માં આવેલી આ ફિલ્મની ત્રીજી સિક્વલ પણ કંઈ જ ઓછી ઉતરે તેમ નથી. એજન્ટ જે (વિલ સ્મિથ) હજી પણ પોતાની વન-લાઈનર્સ દ્વારા હસાવી હસાવીને થકવી દે છે. તેના શબ્દોમાં કહીએ તો: મારા માટે પુરુષો 'કે' છે અને સ્ત્રીઓ 'ઓ' છે. તે કપલને 'ઓકે' તરીકે ઓળખે છે. એજન્ટ કે (ટોમી લિ જોન્સ) પહેલાની જેમ જ ગંભીર અને ભાગ્યે જ બોલનારા અવતારમાં છે. અને પહેલાની જેમ છે એલિયન્સ હજી પણ અંતરિક્ષના અન્ય ખતરનાક જીવોથી બચવા માટે ન્યૂ યોર્કમાં જ છુપાય છે. આ વખતે તેમાં એકનો વધારો થયો છે, બોરિસ-અંતરિક્ષ પ્રાણી (જેમૈન ક્લેમેન્ટ), જે છેલ્લા 40 વર્ષથી એજન્ટ કે સાથે બદલો લેવા માટે તક શોધી રહ્યો છે. એજન્ટ જે પોતાના મિત્ર અને પાર્ટનરનો જીવ બચાવવા માટે ભૂતકાળની સફરે નીકળી પડે છે. ફિલ્મમાં જ્યારે આ ભૂતકાળની સફર શરૂ થાય છે ત્યારે તમને જાણે કે ખરેખર 1960ના સમયનું યુએસએ જોવા મળે છે. જેમાં એપોલો 11નું લોન્ચ અને ચંદ્ર પર માનવીની પહેલી સફળના સાક્ષી બની શકો છો. તે પછીની સેટિંગ, હેડલાઈન મેકર્સ અને બિગ બ્રધરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ જોવાનું ન ચૂકતાં. જો તમને લાગતું હોય કે સ્મિથ-જોન્સની જોડીને કારણે જ 'મેન ઈન બ્લેક'ની ફિલ્મો સફળ થઈ હતી તો આ વખતે તમારો વહેમ દૂર થઈ જશે. ચોક્કસ આ બન્નેની જોડી કમાલ છે પણ વિલ સ્મિથ (એજન્ટ જે)- જોશ બ્રોલિન (યુવાન એજન્ટ કે)ની જોડી પણ ધ્યાન ખેંચનારી છે. જોશ બ્રોલિને એજન્ટ કેનું પાત્ર એટલી સરસ રીતે નિભાવ્યું છે કે એક ક્ષણ માટે પણ તમને લાગશે નહીં કે 1960નો એજન્ટ કે અને 2012નો એજન્ટ કે અલગ અલગ છે. વિલ સ્મિથની તો શું વાત કરવી...મેન ઈન બ્લેકના બ્લેક સૂટમાં પરફેક્ટ સૂટ થાય છે વિલ...હંમેશની જેમ. સ્પેશિયલ ઈફેક્ટસની વાત કરીએ તો સ્મિથની એક મોટી માછલી સાથેની લડાઈ ખરેખર પૈસા વસૂલ છે. ભૂતકાળની સફર પર જવા માટે જ્યારે વિલ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પરથી કૂદકો મારે છે ત્યારે દર્શકોના શ્વાસ ચોક્કસ અધ્ધર થઈ જાય છે. આ સિવાય અમુક નવા કૂલ ગેજેટ્સ જેમ કે- સ્ટેટ ઓફ આર્ટ MIB વર્કપ્લેસ અને વ્હિલ હુવર-બાઈક વગેરે ધ્યાન ખેંચનારા છે. 3
ડી ઈફેક્ટ્સ ફિલ્મના પ્લોટમાં ખાસ વધારે અસર નથી ઉપજાવી શકતી તેમ છતાં એકવાર તમને ખાતરી થઈ જાય કે તમે અંતરિક્ષની 'હાઈ ટેક-કોમેડી-વિચિત્ર-અદ્દભુત' દુનિયાની વાર્તા જોઈ રહ્યા છો ત્યારે 3ડી ઈફેક્ટ્સની કોને પડી હોય છે!