રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફિલ્મ સમીક્ષા : હિરોઈન

P.R
સ્ટાર કાસ્ટ: કરિના કપૂર, અર્જુન રામપાલ, રણદિપ હુડા, રણવિર શોરે, દિવ્યા દત્તા
ડાયરેક્શન: મધુર ભંડારક
રેટિંગ: 3 સ્ટાર્સ

માહી અરોરા પાસે બોલિવૂડની ક્વિન પાસે હોય તે બધી જ વસ્તુઓ છે- નામ, પૈસો અને સમૃદ્ધિ. દુર્ભાગ્યવશ, તે માનિસક રીતે ત્રસ્ત છે અને વાંરવાર મરી જવાની ઈચ્છા ધરાવે છે. શું માહી પોતાની આ માનસિક બિમારીનો ભોગ બનશે કે પછી જીવનની ઉજળી બાજુને અપનાવી શકશે?

ઘણા નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા ફિલ્મમેકર મધુર ભંડારકર પોતાની ફિલ્મોમાં દર વખતે એ જ વસ્તુ બતાડે છે, જેને તેઓ સારી રીતે જાણે છે, બોલિવૂડ. એક ખોટા માર્ગે દોરાતી નાયિકા, દગાબાજ પ્રેમી, માનસિક તણાવ, ચાલબાજ મિત્રો, હોમોસેક્સ્યુઆલિટી, એક સુપરસ્ટારની પ્રગતિ અને પછી પડતી...આ છે મધુર ભંડારકરની લગભગ દરેક ફિલ્મની મુખ્ય સામગ્રી અને 'હિરોઈન' પણ તેનાથી અલગ નથી.

'હિરોઈન' ફિલ્મની હિરોઈન માહી અરોરા (કરિના કપૂર), એક સુપરસ્ટાર છે, જેની સાથે કામ કરવા માટે બોલિવૂડના દરેક ફિલ્મમેકર તલપાપડ છે. કમનસીબે, તે બાયપોલર સિન્ડ્રોમથી પિડાય છે અને તેને પોતાની જાતને મારી નાંખવાની ઈચ્છા થતી રહે છે. માહી પાસે સુપર સ્ટારડમ સહિત બધુ જ છે પણ માહીને તે બધા કરતા પોતાના બોયફ્રેન્ડ અને સુપરસ્ટાર આર્યન ખન્ના (અર્જુન રામપાલ) સાથે લગ્ન કરવામાં વધારે રસ છે. આર્યન પોતાની પત્નીથી છૂટાછેડા લઈ રહ્યો છે અને આ કારણે માહીને લગ્ન કરવા માટે કોઈ વચન નથી આપતો. આ કારણે માહી પોતાની પડતી તરફ પ્રેરાય છે.

માહી જે લોકોની સૌથી નજીક છે તે લોકો જ તેની સાથે દગો કરે છે. આખરે માહી સાઈક્યાટ્રિક ટ્રિટમેન્ટ લે છે અને પોતાના જીવન અને કારકીર્દિને ફરીથી પાટે ચઢાવવાનો નિર્ણય લે છે. પોતાની ઈમેજને તે ફરીથી સુધારી લે છે અને સાથે નવા પ્રેમી (રણદિપ હુડા)ને પણ મળે છે. અમુક સારા એન્ડોર્સમેન્ટ અને ફિલ્મો પણ સાઈન કરે છે. આ દરમિયાન માહીને અહેસાસ થાય છે કે ટોપ પર રહેવા માટે તેણે પોતાના મૂલ્યો અને નૈતિક નિયમોનો ભોગ આપવો પડશે અને એવા લોકોને પાછળ છોડવા પડશે જેઓ કદાચ તેને સૌથી વધુ પ્રેમ/કદર કરે છે.

P.R
ફિલ્મનો બેઝ તો મધુર ભંડારકરની અન્ય ફિલ્મો જેવો જ છે. નકારાત્મક શેડ્સ ધરાવતી મુખ્ય નાયિકા પોતાના જીવનની ચઢતી અને પડતીમાંથી પસાર થાય છે, સફળતાને માણે છે અને નિષ્ફળતા સામે હારી જાય છે અને આખરે એક સારી વ્યક્તિ તરીકે પોતાની જાતને બેઠી કરે છે. ભંડારકરે આ ફિલ્મમાં જે દેખાડ્યું છે તે કંઈ નવુ નથી, તેને માત્ર આકર્ષક અને ગ્લેમરસ રીતે દેખાડવામાં આવ્યું છે.

આ ફિલ્મને સરળતાથી નકારી શકાય છે પણ કરિનાનો અદ્દભુત અભિનય તેમ નહીં થવા દે. એક બાયપોલર, ધૂની, ઈનસિક્યોર, ઝનૂની અને વિસરાતી જતી સ્ટારના રોલમાં કરિનાએ સુપર્બ પરફોર્મન્સ આપ્યું છે. તે સુંદર અને ગ્લેમરસ લાગે છે. એટલે સુધી કે, ફિલ્મના અમુક હિસ્સાઓ તો જાણે કરિનાના જીવનમાંથી લેવાયા હોય તેમ લાગે છે (હા, ફિલ્મમાં એમએમએસ સ્કેન્ડલ પણ સાંકળવામાં આવ્યો છે). ઘણી 100 કરોડ ફિલ્મોમાં કરિનાને ગ્લેમર ડોલ તરીકે વાપરવામાં આવી છે પણ આખરે કરિનાને એક દમદાર રોલ મળ્યો છે અને તેણે પોતાની 100 ટકા તાકાત આપીને આ રોલ નિભાવ્યો છે. ફિલ્મના અમુક દ્રશ્યો, જે આમ તો બિનજરૂરી હતાં, પણ તેને કરવા માટે હિમ્મત જોઈએ તેવા હતાં. અને કરિના જેવી કોમર્શિયલ અભિનેત્રી આવા દ્રશ્યો કરવા માટે તૈયાર થાય તે નવાઈ ભરેલી વાત લાગશે. ઉપરાંત, તેણે આ દ્રશ્યો બહુ જ સહજતાથી કર્યા છે.

એક કન્ફ્યુઝ્ડ, બેપરવા પ્લેબોયના રોલમાં અર્જુન રામપાલે રોલને વાસ્તવિકતાથી નિભાવ્યો છે. 'જીસ્મ 2'માં ડાર્ક રોલમાં દેખાયા બાદ રણદિપ હુડાને ચાર્મિંગ ક્રિકેટરના રોલમાં જોઈને સારું લાગે છે. જો કે, તેનો પૂરો ઉપયોગ નથી કરાયો. તેમ છતાં, મધુરે ફિલ્મમાં અન્ય ઘણા પ્રતિભાશાળી કલાકારોને કાસ્ટ કર્યાં છે જેમ કે, સહાના ગોસ્વામી, રણવિર શોરે અને સંજય સૂરી. ભલે તેઓ માત્ર કેમિયોમાં જ દેખાયા હતાં પણ વાર્તાને યોગ્ય રીતે સપોર્ટ કરે છે.

પહેલા હિસ્સામાં દર્શકોને કદાચ ફિલ્મનો પ્લોટ સમજવામાં થોડી વાર લાગશે. થોડુ વધારે સચોટ એડિટિંગ તે ખામીને ટાળી શક્યુ હોત. વાર્તામાં કોઈ જ નવીનતા નથી.

કરિનાનાં પરફોર્મન્સ સિવાય નિરજંન આયંગરે લખેલા અમુક સંવાદો માણવાલાયક છે. ઉદાહરણ તરીકે: આપ મીડિયાવાલો કો તો સ્ક્રિપ્ટ લિખના ચાહિયે. હિરોઈનને ગાડી ખરીદ લી તો બિઝનેસમેનને ગિફ્ટ કરદી, ડાયમંડ ખરીદા તો એન્ગેજમેન્ટ હો ગઈ, હોસ્પિટલ ગઈ ચેક અપ કે લિયે તો અબોર્શન હો ગયા, એલએ ગઈ તો પ્લાસ્ટિક સર્જરી કરવા લી ઔર દુબઈ ગઈ તો ઉસકા રેટ કાર્ડ બન જાતા હૈ.

P.R
ફિલ્મનું સંગીત નિરાશાજનક છે. એટલે સુધી કે આઈટમ સોન્ગ 'હલકટ જવાની' પણ જોઈએ તેટલો ઉત્સાહ પેદા નથી કરી શકતું.

ચોક્કસ જ, ફિલ્મને ડૂબતા બચાવે છે તો તે છે કરિનાનો દમદાર અભિનય. આ ફિલ્મ મધુર ભંડારકરની ફિલ્મ કરતા કરિના કપૂરની ફિલ્મ વધારે લાગે છે.

ટૂંકમાં 'હિરોઈન' કરિના કપૂરની 'ધ ડર્ટી પિક્ચર' છે. તેણે ભરપૂર અંગપ્રદર્શન કરવાની સાથે સાથે ઈન્ટિમેટ બેડરૂમ સીન્સ પણ આપ્યા છે.