શનિવાર, 16 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. રક્ષાબંધન 07
Written By પારૂલ ચૌધરી|

ભાઇ બહેનનો પ્રેમ ખાટો-મીઠો

W.DW.D

ભાઇ બહેનનો અતુટ પ્રેમ જોઇને ઘણી વખત એવું લાગે છે કે આટલો મધુર અને ખાટો-મીઠો સંબંધ ભગવાને દુનિયામાં ફક્ત ભાઇ બહેન માટે જ બનાવ્યો છે. નજાણે દિવસમાં કેટલીયે વખત અને નાની-નાની બાબતમાં લડી પડતાં ભાઇ બહેન વચ્ચે હકીકતમાં ખુબ જ પ્રેમ હોય છે. તે દિવસમાં ગમે તેટલી વખત લડતાં હોય છતાં પણ જો થોડા દિવસો માટે પણ એકબીજાથી વિખુટા પડે તો તેઓને ગમતું નથી.

ભગવાને કદાચ આ એક જ સંબંધ એવો બનાવ્યો છે કે જે સ્વીટ પણ છે અને નમકીન પણ. કદાચ આખી દુનિયામાં જઇને પણ જો આપણે સ્વીટ અને નમકીન એમ બંન્ને મિક્સ નમકીન કે મીઠાઇ શોધીએ તો તે ફક્ત અને ફક્ત ભાઇ બહેનના પ્રેમના સંબંધની જ મીઠાઇ મળશે. અને ઘણી બધી મીઠાઇ ખાઇને તમને સંતોષ મળશે પણ આ મીઠાઇ એવી મીઠાઇ છે કે જેનાથી સંતોષ તો નથી થતો પણ તમે જેટલી ખાવ તેટલી વધું ખાવાનું મન થાય છે. એટલે કે તમને ક્યારેય પણ એકબીજાથી વિખુટા પડવાનું નથી ગમતું. તમે ગમે તેટલી વખત લડો કે પછી ગમે તેટલા દિવસ સુધી ના બોલો છતાં પણ હંમેશા એકબીજાની સાથે જ રહેવાનું પસંદ કરો છો.

W.DW.D
જો ભાઇ બહેન વચ્ચે ઉંમરનો સંબંધ ઓછો હોય તો તેઓને વધારે સારૂ બને છે. કેમકે તેઓ એકબીજાના મિત્રો બનીને રહે છે. અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ એકબીજાને સાથ આપે છે. કોઇ પણ સમ્સ્યા હોય તો તેનો સાથે બેસીને ઉકેલ લાવે છે. ઘણી વખતે તો મા-બાપને પણ કઇ ખબર નથી હોતી અને તેઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવી દે છે.

કેટલી આશ્ર્ચર્યની વાત છે કે જે ભાઇ આખી દુનિયાની સામે પોતાની બહાદૂરી બતાવતો હોય છે તે જ ભાઇ પોતાની બહેનની આંખમાં એક આંસુનું ટીંપુ પણ જોઇ નથી શકતો. જો ભાઇ ઉંમરમાં બહેન કરતાં મોટો હોય તો જીવનના દરેક તડકામાં તેનો છાયડો બનીને તેનો સાથ આપે છે. અને જીવનની દરેક સીડીના એક-એક પગથિયાઓને સમજાવવા માટે તેની મદદ કરે છે.
હા દરેક ભાઇ બહેન વચ્ચે દરરોજનો સામાન્ય ઝગડો તો ચાલતો જ રહે છે. અને ખાસ કરીને ભાઇઓને બહેનોને ચીડાવવાની મજા જ કઇક જુદી આવતી હોય છે તેથી તો આખો દિવસ મા-બાપને એવી જ બુમો સાંભળવા મળે છે કે મમ્મી ભાઇને કહેને તે મને ચીડાવે છે, મારી ચોકલેટ ખાઇ ગયો, મારા વાળ ખેંચે છે, મને સુવા નથી દેતો, મને હોમવર્ક કરવા નથી દેતો, મારી આ વસ્તુ લઈ લીધી. આ બધો તો જાણે કે રોજનો જ ક્રમ બની ગયો હોય તેવું લાગે છે. અને માતા-પિતા પણ ફક્ત ઉપરથી જ ગુસ્સો કરે છે કેમકે તેઓને પણ ભાઇ-બહેનનો આવો પ્રેમ પસંદ હોય છે. તેઓને પણ તે પસંદ નથી હોતુ કે તેઓના બાળકો એકબીજાથી દૂર થાય.

ઘણી વખત એવું પણ બને છે કે મજાક મજાકમાં અને લડાઇમાં થોડીક વધારે લડાઈ થઈ જાય છે અને ઘણાય દિવસો સુધી એકબીજા સાથે બોલવાનું નથી થતું છતાં પણ સમય એવી વસ્તુ છે કે તે બધી જ વાતોને ભુલાવી દે છે. અને તેઓ ફરી પાછા જેમ પહેલા કરતાં હોય છે તેવી રીતે જ એકબીજા સાથે મજાક મસ્તી કરે છે. જો ભાઇ બહેને સાથે ગાળેલ મીઠી પળોને યાદ કરીએ અને તેને લખવા બેસીએ તો તેનો પાર જ ન આવે. આજે વર્ષો પછી પણ જેઓને આવી પળોની યાદ આવે છે તેઓના આંખમાંથી ખુશીના આંસુ સરી પડે છે અને એક વખત તેઓનું હ્રદય કહી ઉઠે છે કે કદાચ તે દિવસો પાછા આવી જાય અને ખાસ કરીને આજે રક્ષાબંધનના પર્વ પર તો કદાચ કોઇ પણ વ્યક્તિ એવી નહી હોય કે જેને પોતાના ભાઇ બહેનની યાદ ન આવે. તે ગમે તેટલા સાત સમંદર દૂર હશે તો પણ એક સમયે તેમની આંખ તો ચોક્કસ ભરાઇ આવશે. કે કદાચ મારો ભાઈ કે મારી બહેન આજે મારી સાથે હોત.