1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Bhupendra Patel on PM Modi

દાહોદમાં 'ભૂપેન્દ્ર દાદા'નો દમદાર અવતાર: કડકડાટ હિન્દી બોલીને વિરોધીઓના નેરેટિવને કર્યો ધ્વસ્ત!

bhupendra patel
સામાન્ય રીતે પોતાની સરળ અને શાંત કાર્યશૈલી માટે જાણીતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક નવો અને પ્રભાવશાળી અંદાજ દાહોદમાં જોવા મળ્યો છે. તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ પણ તેમની સાદગીના વખાણ કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 72 કલાકના દાહોદ પ્રવાસે પહોંચેલા મુખ્યમંત્રીએ ગુજરાતીને બદલે કડકડાટ હિન્દીમાં સંબોધન કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય નાના લક્ષ્યો રાખતા નથી, તેઓ હંમેશા મોટા વિઝન સાથે કામ કરે છે. મુખ્યમંત્રી હિન્દી બોલી શકતા નથી તેવી વિરોધીઓની લાંબા સમયથી ચાલતી વાતો અને નેરેટિવનો તેમણે પોતાના આ દમદાર ભાષણથી છેદ ઉડાવી દીધો છે.

આદિવાસી વિસ્તારોમાં મુખ્યમંત્રીનો ત્રણ દિવસીય પ્રવાસ 

 
પોતાના પ્રવાસ અંગે ANI સાથે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "હું હાલ આદિવાસી વિસ્તારોના ત્રણ દિવસના પ્રવાસે છું. આ દરમિયાન મેં સ્થાનિક લોકો, બાળકો અને બહેનોના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી છે. આજે સવારે મેં સરહદી અને ડુંગરાળ વિસ્તારના ગામડાઓની પણ મુલાકાત લીધી, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોના ચહેરા પરનો ઉત્સાહ અને ખુશી જોઈને ખૂબ સંતોષ થયો છે, કારણ કે સરકારની પાયાની સુવિધાઓ અને યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે."
 

'ભૂપેન્દ્ર દાદા'ની ખાસ ઓળખ અને રાજકીય સફર

 
•શપથ અને કાર્યકાળ: તેમણે 13 સપ્ટેમ્બર, 2021ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને ડિસેમ્બર 2022ની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ફરીથી રાજ્યની કમાન સંભાળી.
•લોકપ્રિય છબી: લો-પ્રોફાઇલ રહીને કામ કરવાની પદ્ધતિ અને જનતા માટે સરળતાથી ઉપલબ્ધ રહેવાના ગુણને કારણે ગુજરાતના લોકો તેમને પ્રેમથી "ભૂપેન્દ્ર દાદા" કહીને બોલાવે છે.
•અજાતશત્રુ નેતા: કોઈપણ પ્રકારના અહંકાર વગર સૌને સાથે લઈને ચાલવાની તેમની નીતિને કારણે પક્ષ અને વહીવટી તંત્રમાં તેઓ એક 'અજાતશત્રુ' (જેમનો કોઈ દુશ્મન નથી) નેતા તરીકે ઓળખાય છે.
•પૂર્વભૂમિકા અને સેવા: રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ વ્યવસાયે બિલ્ડર અને એન્જિનિયર હતા. તેઓ મેમનગર ખાતે RSSની પંડિત દીનદયાળ લાઇબ્રેરીના સક્રિય સભ્ય રહ્યા છે, તેમજ પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓ 'સરદાર ધામ' અને 'વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન'ના ટ્રસ્ટી પણ છે.
 

પીએમ મોદીના વિઝનના કર્યા વખાણ, હિન્દી ભાષા પર પકડ બતાવી 

દાહોદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની જોરદાર પ્રશંસા કરી હતી. તેમણે વર્લ્ડ બેંકના તાજેતરના રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશના 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જે સાબિત કરે છે કે સરકારી યોજનાઓનો લાભ દેશના અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2021માં મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ સૌથી લાંબો સમય આ પદ પર રહેનારા પાટીદાર નેતા બન્યા છે. દાદા ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખતા અને સ્વભાવે અત્યંત વિનમ્ર એવા ભૂપેન્દ્ર પટેલનો આ આત્મવિશ્વાસભર્યો હિન્દી અંદાજ એવા લોકો માટે જડબાતોડ જવાબ છે, જેઓ એવી ધારણા બાંધીને બેઠા હતા કે મુખ્યમંત્રીને હિન્દી ભાષામાં ફાવટ નથી.
આગળનો લેખ
શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૮૩,૦૦૦ પોઇન્ટને પાર; ઓટો શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી