1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2026 (10:04 IST)

નેત્રમ રેન્કિંગમાં જૂનાગઢ, ગાંધીનગર અને ગાંધીધામનો દબદબો: DGP K.L.N. રાવે એવોર્ડ આપી પોલીસની પીઠ ઠોંકી

gujarat police vishwas project
gujarat police vishwas project

 
Gujarat Police Netram Ranking: ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજી અપનાવીને સ્માર્ટ પોલીસિંગ તરફ ઝડપથી આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિઝન મુજબ અમલી બનેલા 'પ્રોજેક્ટ વિશ્વાસ' (Video Integration and State Wide Advanced Security) હેઠળ રાજ્યના 34 જિલ્લાઓમાં આધુનિક 'નેત્રમ' કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ નેત્રમ કેન્દ્રો સીસીટીવી ફૂટેજ દ્વારા ટ્રાફિક નિયમન અને ગુના શોધવાની કામગીરીમાં ક્રાંતિકારી બદલાવ લાવ્યા છે. શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ત્રિમાસિક રેન્કિંગના આધારે એવોર્ડ આપવામાં આવે છે.
 

વર્ષ 2025 ના છેલ્લા ક્વાર્ટરના વિજેતાઓ

 
વર્ષ 2025 ના છેલ્લા ક્વાર્ટરના રેન્કિંગમાં જૂનાગઢ નેત્રમ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ યાદીમાં ગાંધીધામ અને ગાંધીનગર નેત્રમે પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં ગાંધીધામ પ્રથમ, જૂનાગઢ બીજા અને ખેડા ત્રીજા ક્રમે હતું. સતત શ્રેષ્ઠ પ્રદર્શન બદલ DGP ડૉ. કે.એલ.એન. રાવે અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી અને વ્યક્તિગત રીતે એવોર્ડ એનાયત કર્યા હતા.
 

'રોડ સેફ્ટી' અને 'સંશોધન' શ્રેણીમાં રેન્કિંગ

 
નેત્રમનું રેન્કિંગ મુખ્યત્વે બે શ્રેણીઓ પર આધારિત હોય છે. પ્રથમ શ્રેણી 'સંશોધન' છે, જેમાં સીસીટીવી ફૂટેજની મદદથી ઉકેલાયેલા ગુનાઓની સંખ્યા ધ્યાનમાં લેવાય છે. બીજી શ્રેણી 'રોડ સેફ્ટી' છે, જેમાં ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે કેમેરાનો કેટલો અસરકારક ઉપયોગ થયો તેની ગણતરી થાય છે. રોડ સેફ્ટી શ્રેણીમાં ગાંધીનગર નેત્રમ પ્રથમ ક્રમે આવ્યું છે, જ્યારે ભરૂચ બીજા અને ખેડા ત્રીજા ક્રમે રહ્યું છે.
 

નેત્રમ પ્રોજેક્ટનું નેતૃત્વ અને આગામી વિસ્તાર

 
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું નેતૃત્વ 1996 બેચના IPS અધિકારી અને હાલના વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર કરી રહ્યા છે. હાલમાં રાજ્યમાં 34 નેત્રમ કાર્યરત છે અને ગાંધીનગરના માસ્ટર કંટ્રોલ રૂમ 'ત્રિનેત્ર' સાથે જોડાયેલા છે. આગામી સમયમાં વડોદરા અને સુરત શહેરને પણ નવા અને આધુનિક નેત્રમ સેન્ટર મળવાની શક્યતા છે, જેનું ઉદ્ઘાટન આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા થઈ શકે છે.