1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Vadodara Railway Station Inaugurates Digital Lounge

વડોદરા રેલવે સ્ટેશન પર હાઈટેક સુવિધા: ગુજરાતનું પ્રથમ 'ડિજિટલ લોન્જ' શરૂ, મુસાફરોને મળશે એરપોર્ટ જેવો અનુભવ

Vadodara Railway Station Inaugurates Digital Lounge
Vadodara Railway Station Inaugurates Digital Lounge
 
વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધુ એક છોગું ઉમેરાયું છે. આજે 28  માર્ચના રોજ વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે રાજ્યના પ્રથમ અને દેશના બીજા 'ડિજિટલ લોન્જ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય કેયુર રોકડિયા અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે વડોદરા સ્ટેશન પર ઉતરતા મુસાફરોને એરપોર્ટ જેવી જ આધુનિક અને આરામદાયક સુવિધાઓ રેલવે સ્ટેશનના પરિસરમાં જ મળી રહેશે.
 

નજીવા દરે પ્રીમિયમ સુવિધાઓ
 

આ ડિજિટલ લોન્જમાં મુસાફરો માટે અત્યંત આરામદાયક વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર રૂ. 200 પ્રતિ કલાકના ચાર્જમાં મુસાફરો એસી લોન્જમાં ફ્રી વાઇફાઇ, ચા-કોફી, સોફા અને ટીવી જેવી સુવિધાઓનો આનંદ માણી શકશે. આ ઉપરાંત, રાત્રિ રોકાણ કે આરામ કરવા ઈચ્છતા મુસાફરો માટે રૂ. 700માં બે કલાક માટે આરામદાયક બેડ, વેલકમ ડ્રિંક અને પાણીની બોટલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Vadodara Railway Station Inaugurates Digital Lounge
Vadodara Railway Station Inaugurates Digital Lounge

બિઝનેસ મીટિંગ માટે કોન્ફરન્સ હોલ
 

વડોદરા એક ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ હબ હોવાથી, અહીં બિઝનેસ અર્થે આવતા મુસાફરો માટે ખાસ કોન્ફરન્સ હોલની સુવિધા પણ રાખવામાં આવી છે. રૂ. 1680ના ચાર્જમાં ત્રણ કલાક માટે મિટિંગ હોલ બુક કરી શકાશે, જેમાં 6  વ્યક્તિઓ આરામથી બેસીને વાઇફાઇ અને ટીવી પ્રેઝન્ટેશન સાથે પોતાની વ્યવસાયિક મિટિંગ પૂર્ણ કરી શકશે. વંદે ભારત જેવી ટ્રેનોમાં આવતા બિઝનેસ ટ્રાવેલર્સ માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.
 

ડિજિટલ લોકર અને શાવરની સગવડ
 

મુસાફરોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં ડિજિટલ લોકર સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે. જો કોઈ મુસાફરે સ્ટેશન પર પોતાનો કિંમતી સામાન મૂકીને શહેરમાં કોઈ કામ માટે જવું હોય, તો તેઓ ₹100 પ્રતિ કલાકના દરે લોકરનો ઉપયોગ કરી શકે છે. આ સાથે જ લોન્જમાં હાઈજીનિક શાવર અને વોશરૂમની સુવિધા પણ આપવામાં આવી છે, જેથી મુસાફરો ફ્રેશ થઈને પોતાની આગળની મુસાફરી કે કામકાજ માટે જઈ શકે.
 

 વિકસિત વડોદરા તરફ એક મહત્વનું કદમ
 

સાંસદ ડૉ. હેમાંગ જોષીએ આ સુવિધાને 'વિકસિત વડોદરાથી વિકસિત ભારત'ના સ્વપ્ન તરફનું એક મહત્વનું પગલું ગણાવ્યું છે. રેલવેના ડીઆરએમ રાજુ ભડકેએ જણાવ્યું કે વડોદરા સ્ટેશનનું મહત્વ જોતા આ પ્રકારના લોન્જની જરૂરિયાત લાંબા સમયથી હતી. સમગ્ર ભારતમાં દિલ્હી પછી વડોદરા આવું બીજું સ્ટેશન બન્યું છે જ્યાં આ સ્તરની ડિજિટલ સુવિધા ઉપલબ્ધ થઈ છે, જે શહેરના શૈક્ષણિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે.
ये भी पढ़ें
RCB vs SRH: આઈપીએલના ઇતિહાસમાં પહેલી વાર આરસીબીએ આ સિદ્ધિ હાંસલ કરી, હૈદરાબાદ સામેની જીત બની ગઈ ખાસ