શુક્રવાર, 2 ડિસેમ્બર 2022
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ તીર્થ સ્થળ
Written By પરૂન શર્મા|
Last Modified રવિવાર, 3 જૂન 2007 (10:25 IST)

પાલિતાણા

જય શૈત્રુંજય...

એક એવો પર્વત કે જેના બન્ને શીખરો પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેના દર્શન ભવ્ય અને અલૌકિક અનુભુતી કરાવતા હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોને ઇચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનું શેત્રુંજય પર્વતની ટોચ પરનું પાલિતાણાનું જૈન તીર્થ સ્થળ.

પર્વતની તળેટીમાં આવેલી એક નાનકડી દેરીથી લઇને મંદિરોની શરુઆત થાય છે. છેક ટોચ પર પહોંચવા માટે 3745 પગથિયાં ચઢવા પડે અને લગભગ દર પાંચ-સાત પગથિયે એક મંદિરતો આવી જ જાય. પૌરણિક વાતો પ્રમાણે શૈત્રુંજય પર્વત પર જ નેમિનાથ ભગવાન સિવાયનાં તમામ તિર્થંકરો નિર્વાણ પામ્યા હતા.

આ પવિત્ર યાત્રામાં સ્વચ્છતાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે સમગ્ર યત્રા દરમ્યાન કોઇ પણ પ્રકારની ખાદ્ય-સામગ્રી સાથે રાખવામાં આવતી નથી. ચઢાણ દરમ્યાન દરેક સ્થળે શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણીના નળ મૂકવામાં આવેલા છે.

શેત્રુંજય પર્વતની યાત્રાથી મોક્ષની પ્રાપ્તી થાય છે એમ માનવામાં આવે છે. જો યાત્રાળુઓ પગપાળા ન ચઢી શકે તેમ હોય તો તેમના માટે પાલખીની સુવિધા પણ ઉપલબ્ધ છે. દેરાસરો અને મંદિરો ખૂબ કલાત્મક રીતે બનાવવામાં આવ્યા છે. દરેક દેરાસરોમાં તીર્થકરોની મૂર્તિઓને રત્નજડીત આંખોથી શણગારવામાં આવી છે. અહીંયા આવેલા ઘણા મંદિરો વર્ષો જુના અને

નવિનીકરણ પામેલા છે. તીર્થકરોની સાથે સાથે અહીંયા હિન્દુ દેવ દેવીઓના પણ મંદિરો આવેલા છે. આ ઉપરાંત એક દેરી મુસ્લિમ સંત અંગાર પીરની પણ આવેલી છે, જ્યાં સંતાન ઇચ્છતી વ્યક્તિઓ માનતા માને છે. વર્ષ દરમ્યાન ચાર્તુમાસમાં અનેક સંઘો અહીંયા યાત્રા માટે આવે છે.

આ ઉપરાંત દેશ-વિદેશથી અનેક વ્યક્તિઓ અને સંઘોની અવર-જવર પણ ચાલુ જ રહે છે. શૈત્રુંજયની યાત્રાએ આવનારા યાત્રીઓને અનેક દાનવીરો વિવિધ પ્રભાવનાઓ પણ આપે છે. યાત્રિકો પવિત્ર યાત્રાની છબીને જીવન પર્યંત હૃદયમાં ધારણ કરીને પોતાને કૃતાર્થી માને છે.

પાલિતાણા પહોંચવા માટે હવાઇ માર્ગે સૌથી નજીકનું હવાઇ મથક ભાવનગર છે. બસ માર્ગે અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી પાલિતાણા આવી શકાય છે. રેલવે માર્ગે પણ પાલિતાણા પહોંચી શકાય છે.