ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

રમત માટે યાદગાર...વર્ષ 2008

વર્ષ ર008નું વર્ષ રમતપ્રેમીઓ માટે ઘણીરીતે યાદગાર બની રહ્યું. ચીનમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં ભારતના અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ અપાવી દેશને ગૌરવ અપાવ્યું. તો અમેરિકાના માઇકલ ફ્લેપ્સે આઠ ગોલ્ડ મેડલ મેળવી એક અનોખો વિક્રમ બનાવ્યો હતો. આ વર્ષ દરમિયાન ઓલિમ્પિક્સ ઉપરાંત ક્રિકેટ, આઇપીએલ, યુરો કપ સહિતની રમતોમાં વિવિધ પાસાઓ જોવા મળ્યા. તો આવો એક નજર નાંખીએ આ રોમાંચક પળો પર....

ભારતીય ગોલ્ડન શૂટર....
ઓલિમ્પિક્સમા મેડલ મેળવવો એ ભારત માટે એક સ્વપ્ન જ રહેતું હતું. જોકે આ વખતે ભારતના અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ સર્જ્યો હતો. 108 વર્ષોના ઇતિહાસમાં ભારતે પ્રથમ વખત વ્યક્તિગત ક્ષેણીમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત દેશના અન્ય બે સપૂતોએ પોતાનું કૌવત બતાવી વધુ બે મેડલ અપાવ્યા હતા. સુશીલ કુમારે રેશલીંગમાં અને વિજેન્દ્ર કુમારે બોકસીંગમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યા હતા.

સચિન...રનોનો શહેનશા
17મી ઓક્ટોબર ક્રિકેટ ઇતિહાસમાં યાદગાર રહેશે. આ દિવસ ભારત તથા સચિન તેડુંલકર માટે સુવર્ણ અક્ષરે નોંધાશે. માસ્ટર બ્લાસ્ટર સચિને આ દિવસે ઓસ્ટ્રેલિયા સામે રમતાં ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો લારાનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો. આ વિક્રમની સાથે જ સચિન રનોનો શહેનશાહ બન્યો છે. રનની બાબતે સચિને કેટલાય રેકોર્ડ પોતાને નામ કર્યા છે. આ વર્ષ દરમિયાન તેણે એક હજાર રન કર્યા હતા.

સાયના અપ, સોનિયા ડાઉ
ભારતને બેડમિન્ટનમાં ઉભરતી પ્રતિભા સાયના નેહવાલના રૂપમાં પ્રાપ્ત થઇ છે. સાયનાએ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ સહિત પાંચ આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની પોતાનો પરચો બતાવ્યો હતો. આ પ્રદર્શન બદલ તેનું રેન્કીંગ ટોપ ટેનમાં થયું હતું. તો બીજી તરફ સોનિયા મિર્ઝાનું પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું હતું. આ વર્ષ દરમિયાન તેના કંગાળ ફોર્મને કારણે રેન્કીંગમાં તે 101મા સ્થાને આવી ગઇ હતી.

બાદશાહ-એ-ચેસ...

ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદે વર્લ્ડ ચેમ્પિયન બનીને દેશના ગૌરવમાં વધારો કર્યો હતો. આનંદે ક્રેમિકને હરાવી ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવા તરફ કદમ વાળ્યા હતાં. જોકે આનંદ માટે વર્ષની શરૂઆત નબળી રહી હતી. જેના કારણે આનંદે ટોચનું સ્થાન ગુમાવવું પડ્યુ હતું. પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આનંદે પાછી પાની ન કરતા જોરદાર પ્રદર્શન દ્વારા એક વાર ફરી સાબિત કરી દીધુ હતુ કે તે ચેસજગતના બાદશાહ છે.

ધોનીએ મચાવી ધૂમ...

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ચાર વર્ષ પહેલા એવી કલ્પના નહી કરી હોય કે તેઓ ભારતીય ટીમનું સુકાની પદ સંભાળશે. ધોનીના પગલા ક્રિકેટ જગતમાં પડતાની સાથે તેમણે એક પછી એક સિદ્ધીઓ ભારતને અપાવવાનું શરૂ કરી દીધું. વિકેટ કિપીંગની સાથે સાથે ધોની શાનદાર બેટ્સમેન તરીકે પણ ઉભરીને બહાર આવ્યા.ધોનીના શાનદાર પ્રદર્શનના કારણે આઈસીસી રેંકિગમાં તેમનું સ્થાન ટોચનું રહ્યુ છે. ધોનીમાં ટીમને મજબૂત કરવાની સમજ અને યોગ્ય સુકાનની કાર્યકુશળતાના કારણે તેમણે છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ટીમનું સૂકાન પદ સંભાળે છે.


નિવૃત્તિ જ નિવૃત્તિ...

ભારતીય ક્રિકેટ જગતના બે નામદાર ખેલાડીઓએ 2008ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતને અલવિદા કરી દીધી હતી. જેમાં પૂર્વ કુશળ કપ્તાન સૌરવ ગાંગૂલી અને ઝડપી બોલર અનિલ કુમ્બલેનો સમાવેશ થાય છે. ભારતીય ટીમને દુનિયાની નજરમાં લાવવાની સફરના આ બંને ખેલાડીઓ સાક્ષી રહ્યા છે. આ બંને ખેલાડીઓએ તાજેતરમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણી બાદ સન્યાસ જાહેર કર્યો હતો.

આની સાથે સાથે એડમ ગિલક્રિસ્ટ અને સ્ટિફન ફ્લેમિંગે પણ પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો. જ્યારે ટેનિસમાં જસ્ટિન હેનિને અને ગોલ્ફમાં એનિકા સોરેનસ્ટામે રમતજગત માંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. આ રીતે 2008નું વર્ષ રમતજગતના કેટલાય તારલાઓને તેમની સાથે લઈ ગયુ છે.


ભારતની મંજીલ નંબર-1...

ઈંગ્લેંડની બે ટેસ્ટ મેચવાળી ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવવાની સાથે જ ભારત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયંશિપ રેંકિંગમાં દક્ષિણ આફ્રિકાને પછાડીને બીજા ક્રમે પહોચી ગયુ છે.દક્ષિણ આફ્રિકા જો ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચોની શ્રેણીમાં 1.0 કે 2.0થી હરાવી લે છે તો તે ફરી બીજા ક્રમે આવી જશે.અને જો શ્રેણી 3.0થી જીતી લેશે તો તે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ક્રમથી હટાવી શકે છે.

બીજી બાજુ ઓસ્ટ્રેલિયા છેલ્લી બન્ને મેચ જીતી લે છે તો દક્ષિણ આફ્રિકાની બીજા ક્રમે આવવાની આશા પર પાણી ફેરવાઈ જશે. વીરેન્દ્ર સહેવાગે પણ એ વાતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ભારત જરૂર નંબર વનની મંજીલ પ્રાપ્ત કરીને જ જંપશે.