દૂરદર્શનનો એ સુવર્ણકાળ...કે જે હવે ક્યારેય પાછો નહીં આવે

mahabharat
Last Modified સોમવાર, 11 મે 2015 (15:17 IST)
એક સમય હતો જ્યારે મનોરંજનનાં નામે માત્ર એક ચેનલ હતી: પણ તેમાં આવે, માહિતીપ્રદ કાર્યક્રમો પણ તેમાં જ પ્રસારિત થાય અને સિરિયલ્સ તથા વિવિધ શો પણ તેના પર જ આવતા હોય. આવા સંજોગોમાં પણ વિવિધ પ્રકારનાં ટેસ્ટ ધરાવતા સર્વે લોકોને પોતાનું મનગમતું મળી જતું હતું. શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ જોવો હોય તેના માટે વિકલ્પો હતા, સાહિત્યની ક્લાસિક કૃતિઓ જોવી હોય તો પણ જોવા મળી રહેશે, માયથોલોજી-ધાર્મિક સિરિયલો જોવી હોય કે પછી એવોર્ડ વિનિંગ ઑફ્ફ-બીટ ફિલ્મો જોવી હોય... દૂરદર્શનની એક જ અમ્બ્રેલા હેઠળ આ બધું મળી રહેતું.

દૂરદર્શનના દર્શકો માટે રવિવાર તો કોઈ ઉજાણીથી કમ નહોતો. એ દિવસે સવારે બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ ટેલિવિઝન સેટની સામે ગોઠવાઈ જાય. આખું અઠવાડિયું બધા રવિવારની રાહ જોતા હોય અને રવિવાર આવે કે ઘરમાં ઉજાણીનો માહોલ સર્જાય. જેના ઘરમાં ટીવી સેટ ન હોય તે અડોશપડોશમાં પોતાની જગ્યા શોધી લેતા. ઘરમાં ટેલિવિઝન સેટ્સ હોય તેવા પરિવારો જ ઓછા હતા. મહોલ્લામાં જેના ઘરે ટીવી હોય તેનું સ્ટેટસ ઊંચું ગણાતું. એ વિસ્તારમાં તેનો રોલો પડતો. એ જમાનો હતો ટેલિવિઝનના દબદબાનો અને દૂરદર્શનના આગવા સ્ટેટસનો.

આજે પરિસ્થિતિ અલગ છે. ચોતરફ અસંખ્ય ચેનલ્સ છે. વિજ્ઞાનની ચેનલ અગલ છે. પર્યાવરણની નોખી છે. ઈતિહાસ, વન્યસૃષ્ટિ, મનોરંજન, ફેશન, મૂવિઝ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, જનરલ એન્ટરટેઈનમેન્ટ... નોખી નોખી સેંકડો ચેનલ છે. જોનારા ક્ધફ્યુઝ થઈ જાય એટલા વિકલ્પો છે. સ્થિતિ એવી છે કે વોટર વોટર એવરીવેર અને પીવા માટે એક બુંદ પાણી પણ નથી. નોસ્ટાલ્જિયાની એક મજા હોય છે અને દૂરદર્શન યુગનો એ નોસ્ટાલ્જિક પીરિયડ યાદ આવ્યા વગર રહે નહીં. કેવી-કેવી સિરીઝ અને કેવા-કેવા કાર્યક્રમો આવતા હતા દૂરદર્શન પર! યાદ કરતા જ આંખ સામેથી જાણે પટ્ટી પસાર થવા લાગે કેવા-કેવા કાર્યક્રમો હતા!

બાળકો માટે ‘હી મેન એન્ડ ધ માસ્ટર ઑફ યુનિવર્સ’ કે ‘સ્પાઈડરમેન’ આવતું અને બાળકો તેની પાછળ ઘેલાં હતાં. આજે તો ખાસ કાર્ટૂન્સની અગણિત ચેનલો છે, પરંતુ એ વખતે અઠવાડિયાનાં બે-ત્રણ કાર્ટૂન શો જોવાની જે મજા હતી એ આજે કદાચ નથી! રવિવારે સવારે બી.આર.ચોપરાની ક્લાસિક સિરિયલ ‘મહાભારત’ આવતી અને જાણે આખા દેશમાં કરફ્યુ છવાઈ જતો. ભિષ્મ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, દ્રૌપદી, જેવાં પાત્રો-જે અગાઉની પેઢીએ માત્ર પુસ્તકોમાં જ વાંચ્યાં હતાં. આ બધા પાત્રો દર રવિવારે સવારે ટેલિવિઝનના પર્દે હાજર થઈ જતાં હતાં અને તેમણે લોકોનાં હૃદયમાં સ્થાન પણ બનાવી લીધું હતું.

મુકેશ ખન્નાએ તેના ભિષ્મના રોલ માટે એવી અપ્રતિમ લોકપ્રિયતા મેળવી કે અગાઉ તેના વિશે કોઈ વિચારી પણ શકતું નહોતું. બી.આર. ચોપરાની આ સિરિયલ વ્યુઅરશિપના એવરેસ્ટ પર પહોંચી. એ સમયે ટીઆરપીનાં ચોક્કસ આંકડાઓ મેળવવાનું શક્ય નહોતું, પરંતુ આજે પણ કોઈ ‘મહાભારત’ની વ્યુઅરશિપના આંકડા સુધી પહોંચે કે કેમ એ સવાલ છે. આજે ટેલિવિઝન સેટ્સની, કેબલ કનેકશનની અને ડાયરેક્ટ ટુ હોમની સંખ્યા અગાઉના પ્રમાણમાં આસમાને પહોંચી છે. આવા સંજોગોમાં પણ ‘મહાભારત’ની વ્યૂઅરશિપના વિક્રમો તોડી શકાય કે કેમ એ સવાલ છે.

‘મહાભારત’ એક માઈલસ્ટોન સિરિઝ હતી. ‘મૈૈં સમય હું...’ રથનું પરતું પૈંડું અને હરિશ ભિમાણીના ઘેઘૂર અવાજમાં આ સંવાદ સંભળાતો ત્યાં જ ઘણાના રૂંવાડા ઊભા થઈ જતા. તેનું કાસ્ટિંગ, મ્યુઝિક, નિર્દેશન... બધું જ આલા દરજ્જાનું હતું. વર્ષો સુધી ‘મહાભારત’એ એટલે જ દેશના વિવિધ દર્શકવર્ગ પર પોતાની પક્કડ જમાવી રાખી. દેશના સાવ તળિયાનાં દર્શકથી લઈને એલિટ ક્લાસના દર્શક વર્ગ સુધી બી.આર. ચોપરાની આ સિરીયલે ઝંડા લહેરાવી દીધાં. ‘મહાભારત’નો જાદુ એવો છવાયો હતો કે તેના ટેલિકાસ્ટ ટાઈમ દરમિયાન દેશભરમાં સન્નાટો છવાઈ જતો હતો. જાણે કરફ્યુ જ જોઈ લો. સામાન્ય રીતે ક્રિકેટની વન-ડે મેચોને પણ ન મળતી હોય એવી વ્યૂઅરશિપ ‘મહાભારત’ને મળતી હતી.

દૂરદર્શન પર આવી સિરિયલોની આખી ભરમાર હતી. ટેલિવિઝનના ઈતિહાસના કેટલાક શ્રેષ્ઠતમ્ પ્રયોગો ત્યારે થયા. ઉદાહરણ તરીકે ‘ચાણક્ય’ જ લઈ જુઓ. ચંદ્રપ્રકાશ ત્રિવેદીની આ સિરીયલએ સફળતાનાં ઝંડા લહેરાવી દીધા હતા. સામાન્ય વર્ગથી શરૂ કરીને તેણે સમાજના બુદ્ધિજીવી વર્ગને પોતાનાં ભણી આકર્ષ્યો. અગાઉની પેઢી માત્ર ચાણક્યના સુવાક્યો જાણતી હતી, આ સિરીયલ થકી સૌ પ્રથમ વખત દેશની પ્રજાને ચાણક્યના જીવનકવનનો પરિચય થયો. ચાણક્ય તરીકે ચંદ્રપ્રકાશ ત્રિવેદીનો અભિનય એવો લાજવાબ હતો કે આજ સુધી લોકો તેને ભૂલ્યા નથી. તેની ડીવીડીની આજે પણ ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ડીમાન્ડ છે. આજે પણ અનેક ચાહકો હોંશેહોંશે ‘ચાણક્ય’ નીહાળે છે. આટલાં વર્ષો પછી પણ તેનું મૂલ્ય ઓછું થતું નથી.

આજે ડી.ડી. ભારતી ચેનલ પર આવા અવનવા કાર્યક્રમો આવે છે પણ એક યુગ એ હતો જ્યારે દેશની એકમાત્ર એન્ટરટેઈનમેન્ટ ચેનલ ગણાતી દૂરદર્શન પર આવા કાર્યક્રમોની ભરમાર રહેતી. ટીઆરપીની આંધળી દોટ એ સમયે નહોતી અને સાસુ-વહુની સિરીયલોનો હજુ જન્મ પણ થયો નહોતો. ઉત્તમ સાહિત્યિક કૃતિઓને કચકડે કંડારવાનો ટ્રેન્ડ ચાલુ હતો. આવી જ એક સિરીઝ હતી શ્યામ બેનેગલની ‘ભારત એક ખોજ’ અથવા તો ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’. જવાહરલાલ નહેરુએ પોતાની પુત્રી ઈન્દિરા ગાંધીને લખેલા પત્રો દ્વારા ભારતના ઈતિહાસનું જે દસ્તાવેજીકરણ કર્યું તેને પર્દા પર ઉતારવું સહેલું નહોતું. પણ શ્યામ બેનેગલે આ બીડું ઝડપ્યું. છેક પૌરાણિક કાળથી શરૂ કરીને રાજાશાહી સુધીના સમયખંડને તાદૃશ્ય કરતી આ કૃતિને શ્યામ બેનેગલે પર્દા પર આબાદ ઉતારી. આજે પણ તેની ઓરિજિનલ ડીવીડીની જબરી ડિમાન્ડ છે. સોના જેવા ભાવે વેચાતા તેનાં ડીવીડી સેટ્સ મેળવવા માટે આજે પણ જબરી માગ રહે છે.

દૂરદર્શનનો એ સુવર્ણયુગ હતો. ‘ચાણક્ય‘, ‘મહાભારત’ કે ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’ પ્રકારની દસ્તાવેજી સિરીઝ જ નહીં, એન્ટરટેઈનમેન્ટ સિરીઝ પણ અત્યંત ગુણવત્તાસભર બનતી હતી. એકએકથી ચડિયાતા પ્રયોગો થતા હતાં. સેંકડો એપિસોડ્સમાં પથરાયેલી સિરીયલ હોય કે પછી ૧૩ કે ર૬ હપ્તામાં પ્રસરેલી સિરીઝ હોય... મોટા ભાગની સિરીઝ તેનો રસ જાળવવામાં સફળ રહેતી હતી.આ પણ વાંચો :