સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. યુધ્ધની તૈયારી
Written By હરેશ સુથાર|

યુધ્ધ ખતરનાક હશે !

ભારતની સહિષ્ણુતાનો પાકિસ્તાન દરરોજ ફાયદો ઉઠાવે છે. છાશવારે ભાંગફોડ પ્રવૃત્તિઓ કરાવી પાકિસ્તાન પોતાની પ્રોક્સી વોર ચલાવી મુંછમાં મલકાઇ રહ્યું છે. ભૂતકાળની તમામ વાતોનો આજે બદલો લેવાનો સમય આવી ગયો છે.

પાકિસ્તાનના દાંત ખાટા કરી આપણે તેને બતાવી દેવું જોઇએ કે ભારત આ કરી શકે છે. આમાં કંઇ નવાઇ નથી અત્યાર સુધી ખેલાયેલા ત્રણ યુધ્ધમાં પાકિસ્તાને ધોબી પછડાટ ખાધી છે. છતાં તેની બુધ્ધિ ઠેકાણે આવતી નથી. પાકિસ્તાનની શાન કેમ ઠેકાણે આવતી નથી આ વાત જરા શાંતિથી વિચારવા જેવી છે. ભારતને મદદ કરી રહેલા અમેરિકા સહિતના દેશો શુ સાચે જ આપણને મદદ કરી રહ્યા છે? આ સવાલ પેચીદો છે. કારણકે આટલી બધી વાર માર ખાવા છતાં અને અંદરથી એકદમ ખોખલું થઇ ગયું હોવા છતાં પાકિસ્તાન કોના જોરે કુદી રહ્યું છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધનનો વિષય છે.

આજના વિકટ સમયમાં પાકિસ્તાન યુધ્ધ માટે તૈયાર થઇ રહ્યું એ વધુ શંકાસ્પદ લાગી રહ્યું છે એમાં એની મેલી મુરાદ ગંધાઇ રહી છે. મરતો જીવતાને પણ લેતો જાય એવી બૂ આવી રહી છે. આગામી વર્ષોને લઇને પાકિસ્તાન પાસે દ્રષ્ટિ નથી. મોંઘવારી, ફુગાવા સહિતની સમસ્યાઓને લઇને પાકિસ્તાન કોહવાઇ રહ્યું છે. એવા સમયે આપણને તે યુધ્ધ માટે ઉશ્કેરી રહ્યુ છે. આ મુદ્દે સુરક્ષા સલાહકારો, સેના અધ્યક્ષો તથા રાજનીતિજ્ઞોએ શાંત દિમાગથી વિચારણા કરવા જેવી છે.

આજનો સમય જોતાં દરેક વ્યક્તિના મનમાં યુધ્ધ એજ કલ્યાણ વિચાર આવે એ સ્વાભાવિક છે પરંતુ આ બાબતે વિચારવું આવનાર પેઢી માટે ફાયદાકારક બની રહેશે. કારણ કે આજની સ્થિતિએ બંને દેશો પાસે પરમાણું સહિતના હથિયારો છે. સાથોસાથ પાકિસ્તાનથી ભારતનું અંતર ઘણું ઓછું છે અને બંને દેશો પાસે ટેકનોલોજી વધું છે. આ જોતાં બંને બાજુથી છોડવામાં આવતી મિસાઇલોને લક્ષ્ય સાધતાં ગણત્રીની મિનિટો લાગે તેમ છે. આમાંની કેટલીક મિસાઇલોમાં જો પરમાણું બોમ્બ હશે તો આવનાર પેઢી આપણને માફ નહીં કરે. વિશ્વ યુધ્ધ વખતે જાપાન ઉપર ફેંકાયેલ પરમાણું બોમ્બની ભયાનકતા વર્ષો બાદ આજે પણ ત્યાંના લોકો ભોગવી રહ્યા છે. આ જોતાં ઠંડા દિમાગે નિર્ણય લેવો શુ વ્યાજબી નથી ?

અમેરિકા શંકાસ્પદ !
અમેરિકાની આર્થિક સધ્ધરતા તેના હથિયાર ઉદ્યોગને આભારી છે. જો વિશ્વમાં શાંતિ સ્થપાઇ જાય તો અમેરિકાને ખાવાના ફાંફાં થઇ શકે તેમ છે. બહાર દેખાતું અને વાસ્તવિક અમેરિકા બંને ચહેરા વચ્ચે ખાસ્સો ભેદ છે. યુધ્ધ શાંતિની વાતો કરતું બહારનું અમેરિકા પોતાનું અસ્તિત્વ ટાકાવી રાખવા કે મહત્વ વધારાવા માટે બંને દેશોને જુદી જુદી વાતો કરી તેલ રેડતું નહી હોય એની ગેરંટી શુ ?