સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ફિલ્મ સમીક્ષા - કહાની

P.R
ફિલ્મ - કહાની
કાસ્ટ - વિદ્યા બાલન, પરમબ્રત ચટ્ટોપાધ્યાય, નવાઝુદ્દીન સિદ્દીકી
ડાયરેક્ટર - સુજોય ઘો
રેટિંગ - 4 સ્ટાર

વિદ્યા બાગ્ચી(વિદ્યા બાલન) એક ગર્ભવતી મહિલા છે જે પોતાના પતિને શોધવા માટે લંડનથી કોલકતા આવે છે. તેની પાસે પોતાના પતિની કેટલીક યાદો સિવાય એવા કોઇ નક્કર પુરાવા નથી જેના આધારે તે પતિને શોધી શકે. બહુ શોધખોળ બાદ તેને તેના પતિ વિષે કેટલીક જાણકારીઓ મળે છે. પણ તેને મળતી આ માહિતીઓ અનુસાર તેનો પતિ આ દુનિયામાં છે જ નહી. તેને વિશ્વાસ નથી આવતો કે આવું કઇ રીતે શક્ય બને! વિદ્યા આ વાત માનવા તૈયાર નથી કારણ કે તેના પતિની સૌથી મોટી નિશાની તેના પેટમાં ઉછરી રહેલા બાળકના રૂપમાં તેની પાસે છે!

'ધ ડર્ટી પિક્ચર' ફિલ્મ પછી જો તમે વિદ્યા બાલનના વધુ એક દમદાર અભિનયને નિહાળવા ઇચ્છતા હોય તો 'કહાની' તમને નિરાશ નહીં કરે. આ ફિલ્મ જોયા પછી એ કહેવામાં સહેજપણ અતિશયોક્તિ નથી કે દિવસે ને દિવસે વિદ્યાની પ્રતિભા નીખરતી જાય છે. જી હા, ફિલ્મની 'હીરો' વિદ્યા બાલન છે. અને ફિલ્મમાં જો કોઇ વિદ્યાના આ બિરુદમાં ભાગ પડાવવા માટે કાબેલ છે તો તે છે 'કોલકતા સિટી'. શહેરની સુંદરતા, મલિનતા સહિત અનેક પાસાઓને સિનેમેટોગ્રાફરે બહુ સુંદરતાથી કેમેરે કંડાર્યા છે.

સુજોય ઘોષનું ડાયરેક્શન શાનદાર છે. તેમણે માનવીય સંવેદનાઓથી ભરેલી 'કહાની'ને એક થ્રિલરના રૂપમાં પ્રસ્તુત કરી છે. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રિપ્ટ બહુ દમદાર છે. ફિલ્મનું ડાયરેક્શન અને તેની સ્ટોરી દર્શકોને એક ડ્રામેટિક એન્ડ સુધી જકડી રાખે છે. કોલકતાના મૂડમાં ફિલ્મને બહુ સુંદરતાથી ઉપસાવવામાં આવી છે.

વિદ્યા બાલન એકલી જ એક અજાણ્યા શહેરમાં સાત મહિનાના ગર્ભ સાથે પતિની શોધમાં નીકળી પડે છે... આ પાત્રને તેણે બહુ સારો ન્યાય આપ્યો છે. ધીમા પગલાં, ચહેરા પર ચિંતાની કરચલીઓ પણ આંખોમાં વિશ્વાસની ચમક સાથે એક સાવ અજાણ્યા શહેરમાં પતિને શોધી રહેલી વિદ્યાનો અભિનય ખરેખર દિલને સ્પર્શી જાય છે.

તો રાણાના પાત્રમાં પરમબ્રત ચટ્ટોપાધ્યાય ફિલ્મમાં નોંધનીય છે. તેમનું કામ પણ પ્રશંસનીય છે. વિદ્યા સાથેનો તેમને આમનો-સામનો બહુ રસપ્રદ છે. ઇન્ટેલિજન્સ ઓફિસર
એ. ખાનનું પાત્ર ભજવી રહેલા નવાઝુદ્દીન સિદ્દીકી પણ એક અસંવેદનશીલ એજન્ટના રૂપમાં દર્શકોને આકર્ષિત કરે છે.

ફિલ્મનું સંગીત ફિલ્મની લાગણીઓ અને નાટકીય ઘટનાઓને બંધબેસતું છે. અમિતાભ બચ્ચન દ્વારા ગવાયેલું ટાગોરનું 'એકલા ચલો રે...' અત્યંત પ્રભાવશાળી છે.

એક નવી જ કથાવસ્તુ, વિદ્યાનો હૃદયસ્પર્શી અભિનય, સુજોય ઘોષનું પરફેક્ટ ડાયરેક્શન, થ્રિલર મૂવી વગેરેની એકસાથે મજા માણવી હોય તો પહોંચી જાઓ તમારા નજીકના સિનેમાહાઉસમાં આ ફિલ્મ નિહાળવા, સહેજપણ નિરાશ નહીં થાઓ!