ફિલ્મ સમીક્ષા - વિકી ડોનર
નિર્માતા : સુનીલ એ લુલ્લા, જોન અબ્રાહમ, રોની લાહિરી નિર્દેશક : શુજીત સરકારકલાકાર : આયુષ્યમાન ખુરાના, યામી ગુપ્તા, અન્નુ કપૂર, ડોલી આહલુવાલિયા, કમલેશ ગિલ, જોન અબ્રાહમ (મેહમાન કલાકાર) સ્પર્મ ડોનેશન જેવા વિષય પર ફિલ્મ બનાવવી દોરડા પર ચાલવા જેવુ છે. સંતુલન બનાવી રાખવુ ખૂબ જ જરૂરી છે. વિષય થોડો મસાલેદાર બનાવવામાં આવે તો ફિલ્મ ફૂહડ લાગે. વિષયને ગંભીર રાખવામાં આવે તો ફિલ્મ ડોક્યૂમેંટરી બની જાય. પણ વિક્કી ડોનરના નિર્દેશન શુજીત સરકારે આ વિષયને થોડી એવી રીતે રજૂ કરી છે કે લગભગ આખી ફિલ્મમાં મનોરંજન થતુ રહે છે, સાથે જ તેઓ એ વાત કહેવામાં પણ સફળ રહ્યા કે સ્પર્મ ડોનેટ કરવામાં આવે તો એવા ઘણા લોકોને સંતાન સુખ મળી શકે છે જે લોકો આ સુખથી વંચિત છે. બેકાર વિકીને ફર્ટિલિટી એક્સપર્ટ ડોક્ટર પોતાના સ્પર્મ ડોનેટ કરીને પૈસા કમાવાની સલાહ આપે છે. વિકી આ કામ માટે તૈયાર થઈ જાય છે પણ તેના કારણે તેના જીવનમાં ઊભી થાય છે મુસીબતો. વિકી (આયુષ્યમાન ખુરાના) 53 સ્વસ્થ બાળકોનો બાયોલોજીકલ પિતા છે. તે બેકાર છે, સિંગલ છે અને કમાવા માટે પોતાના સ્પર્મ ડોનેટ કરે છે. તે સેક્સ વિશે માને છે કે 'જેટલુ મળે એટલું ઓછું' પણ આ કારણે તમે તેને સેક્સ-મેનિયાક ન ગણાવશો. તે ભલે પૈસા કમાવા માટે આ કામ કરતો હોય પણ આખરે તે નિસંતાન માતા-પિતાઓને ખુશીઓ આપે છે. જરૂર કરતા વધારે ઊંચા અવાજે બોલવા માટે ટેવાયેલી વિકીની પંજાબી મા (ડોલી આહલુવાલિયા) સતત પોતાના બેકાર દીકરાને કંઈકને કંઈક સંભળાવતી રહે છે. બીજી બાજુ તેની બીજી (કમલેશ ગિલ) તેને પંપાળતી રહે છે. આ દરમિયાન ફર્ટિલિટી એક્સપર્ટ ડો. ચઢ્ઢા (અન્નુ કપૂર) પોતાના પૈસાદાર ગ્રાહકો માટે એક સ્પર્મ ડોનરની શોધમાં હોય છે. તેને લાગે છે વિકી તેમના માટે પરફેક્ટ ડોનર છે. હા, પણ વિકી કોઈને પોતાના કામ વિશે જણાવી નથી શકતો. એક 'પંજાબી મર્દ' માટે આ બહુ જ શર્મજનક કામ ગણાય માટે. એટલે સુધી કે તેની પ્રેમિકામાંથી પત્ની બનતી અશિમા રોય (યામી ગુપ્તા)ને પણ આ વાત નથી જણાવતો. આ હકીકત છુપાવવાને કારણે વિકીના જીવનમાં સર્જાય છે મુસીબતોનો દોર. આયુષ્યમાન ખુરાના રોક સોલિડ છે. ખાસ તેના માટે જ બનેલા આ રોલમાં તે બહુ જ સહજ અને પ્રભાવશાળી લાગે છે. તે ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડ ન ધરાવતો હોય પણ બોલિવૂડમાં ટકી રહેવા માટે આવ્યો છે. નવોદિત અભિનેત્રી યામી ગુપ્તા ફિલ્મમાં સુંદરતા ઉમેરે છે. તેને જોવાની મજા પડે છે અને તેણે વ્યક્ત કરેલી લાગણીઓ પ્રયત્નરહિત છે. ફિલ્મને જોરદાર સપોર્ટ આપ્યો હોય તો તે છે સપોર્ટિંગ કાસ્ટ. અન્નુ કપૂર, તેમના દમદાર પરફોર્મન્સથી દર્શકો અને પ્રોડ્યુસરોને દેખાડે છે કે તેમના પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય છે. તે માત્ર અને માત્ર સ્પર્મની ભાષા બોલે છે અને સમજે છે. પુરુષોને તે 'જટિલ સ્પર્મ' અથવા 'કન્ફ્યૂઝ્ડ સ્પર્મ' ગણાવે છે. તે સતત સલાહ આપતા રહે છે કે સ્પર્મની સંખ્યા કેવી રીતે વધારવી. ડોલી આહલુવાલિયાએ એક પ્રભાવી માતા-સાસુ અને સેવા કરતી વહૂના પાત્રમાં અદ્દભુત કામ કર્યું છે. ડોલીની સાસુ કમલેશ ગિલનો અભિનય યાદગાર છે. દરેક દ્રશ્યમાં સાસુને શોભે તેવા કટાક્ષભર્યા સંવાદો, તેમના રમૂજી અને સ્માર્ટ વન લાઈનર્સ અને તેમણે કરેલો શરાબી સીન તેમની અભિનય ક્ષમતાનો પરચો આપે છે. ડાયરેક્ટર શુજીત સરકાર બોલ્ડ અને અત્યાર સુધી સમાજમાં વધુ ન ચર્ચાયેલા અનોખા વિષય સાથે ફરીથી આવી ગયા છે. તેમનો આ નવતર પ્રયોગ સારો ચાલશે. લોકોની માનસિકતા તોડવા માટે તેમણે કોમેડીને કુશળતાપૂર્વક વાપરી છે, જેથી ક્ષોભજનક પરિસ્થિતિ કે પ્રતિકૂળ ક્ષણો પેદા ન થાય. ફિલ્મ તમને મનોરંજન આપે છે પણ સામાજિક સેવા કે સેક્સ્યુઅલ નૈતિકતા વિશે કોઈ ભાષણ નથી આપવામાં આવ્યું. એટલે સુધી કે સંગીત પણ ફિલ્મની વાર્તા સાથે સુંદર રીતે વણવામાં આવ્યું છે, તેનો કોઈ અતિરેક નથી લાગતો. ફિલ્મની લેખક જૂહી ચતુર્વેદી બધા જ પોઈન્ટ મેળવે છે. બહુ જ કુશળતા અને ઝીણવટભરી રીતે લખાયેલી વાર્તા, ખરેખર હસાવે તેવી રમૂજ સાથે ફિલ્મના મુખ્ય વિષયને સુંદર રીતે રજૂ કર્યો છે. જો કે, અમુક દ્રશ્યોમાં પંજાબી ભાષા બહુ જ વધી જાય છે અને ફિલ્મની છેલ્લી 20 મિનીટનું એડિટિંગ સચોટ કરી શકાયું હોત. આવી ફિલ્મ બનાવવા માટે ખરેખર જીગરની જરૂર પડે અને જ્હોન અબ્રાહમ પાસે એ જીગર છે! અનોખા વિષય પર બનેલી આ ફિલ્મ જોવાલાયક છે.