માય નેમ ઈઝ ખાન : ફિલ્મ સમીક્ષા
નિર્માતા - હીરુ યશ જૌહર, ગૌરી ખાન.નિર્દેશક - કરણ જૌહર વાર્તા-સ્ક્રીનપ્લે - શિબાની બાઠિજા ગીત - નિરંજન આયંગર સંગીત - શંકર-અહેસાન-લોય કલાકાર - શાહરૂખ ખાન, કાજોલ, જિમી, શેરગિલ, ઝરીના વહાબ યુ/એ *બે કલાક 40 મિનિટ રેટિંગ : 3.5/5 મોટાભાગના લોકો ઘર્મના આધાર પર પોતાનો વિચાર બતાવે છે કે ફલાણો માણસ સારો છે કે ખરાબ. 9/11ના પછી આ પ્રકારના લોકોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. અમેરિકા અને યૂરોપમાં એશિયાઈ લોકોના પ્રત્યે અન્ય દેશોના લોકોમાં નફરત વધી છે. 'ટ્વિન ટાવર્સ' પર હુમલો કરનારા મુસ્લિમ હતા, તેથી બધા મુસલમાનોને શંકાની નજરે જોવા લાગ્યા. જ્યારે કે મુસલમાન વ્યક્તિનુ સારુ હોવુ કે ખરાબ હોવુ એ કોઈ ઘર્મ સાથે સંબંધ નથી ધરાવતુ. '
માય નેમ ઈઝ ખાન'માં વરસો જૂની સીધી અને સાદી વાત કરવામાં આવી છે. 'દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે સારા અને ખરાબ' આ લાઈનની આસપાસ નિર્દેશક કરણ જૌહર અને લેખિકા શિબાની બાઠિજાએ વાર્તાના તાર વણ્યા છે. ઉપરોક્ત વાતોને જો સીધી રીતે કહેવામાં આવતી તો શક્ય છે કે 'માય નેમ ઈઝ ખાન' ફિલ્મ એક ડોક્યુમેંટ્રી ફિલ્મ બની જતી અને વધુ લોકો સુધી સંદેશ ન પહોંચી શકતો. તેથી મનોરંજનને પ્રાથમિકતા આપતા લવસ્ટોરીને મૂકવામાં આવી છે અને બેકડ્રોપમાં 9/11ની ઘટનાથી લોકોના જીવન અને નજરિયા પર શુ પ્રભાવ પડ્યો તે બતાવવામાં આવ્યુ છે. વાર્તા છે રિઝવાન ખાન(શાહરૂખ ખાન)ની. તે એસ્પર્ગર નામની બીમારીથી પીડિત છે. આવો માણસ આમ તો ઘણો હોશિયાર રહે છે, પરંતુ કેટલીક વાતોથી ગભરાય છે. તેથી સામાન્ય લોકોથી થોડો જુદો દેખાય છે. રિઝવાન પીળો રંગ જોઈને બેચેન થઈ જાય છે. અજાણ્યા લોકોની સાથે અને ભીડથી તેને ગભરામણ થાય છે. ઘોંઘાટ અને તેજ અવાજ તેને સહન નથી થતો. પરંતુ તે પુસ્તકો ખૂબ વાંચે છે. તેની યાદગીરી ખૂબ જ તેજ છે. તે દરેક કામ ટાઈમ-ટેબલ મુજબ કરે છે. રિઝવાન પર તેની મા(ઝરીના વહાબ)ની વાતોનો ખૂબ પ્રભાવ છે. જેણે તેને બાળપણથી જ માણસાઈના પાઠ શીખવ્યા છે. માતાના અવસાન પછી રિઝવાન પોતાના નાના ભાઈ જાકિર (જિમી શેરગિલ)ની પાસે અમેરિકા જતો રહે છે. પોતાના ભાઈની કંપનીના પ્રોડક્ટસ તે બજારમાં જઈને વેચે છે. તેની મુલાકાત મંદિરા (કાજોલ) સાથે થાય છે. મંદિરા પોતાના પતિથી જુદી થઈ ગઈ છે અને તેનો એક પુત્ર છે. રિઝવાન અને મંદિરા એકબીજાને પ્રેમ કરવા માંડે છે. જાકિર નથી ઈચ્છતો કે રિઝવાન હિંદૂ છોકરી સાથે લગ્ન કરે, પરંતુ રિઝવાન તેની વાત નથી માનતો. લગ્ન પછી રિઝવાન અને મંદિરા ખુશીથી જીંદગી વીતાવે છે, પરંતુ 9/11ની ઘટના પછી તેમની જીંદગીમાં તોફાન સર્જાય છે. એક એવી ઘટના બને છે કે રિઝવાનને મંદિરા પોતાને જીંદગીમાંથી બહાર ફેંકી દે છે. મંદિરાને ફરીથી મેળવવા માટે રિઝવાન અમેરિકાની યાત્રા પર નીકળે છે અને કેવી રીતે તે તેને પરત મેળવે છે એ આ ફિલ્મનો સાર છે. વાર્તામાં રોમાંસ અને ઈમોશનનો સારો સ્કોપ છે જેનો કરણ જૌહરે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. તેમણે ઘણા નાના-નાના દ્રશ્યો રચ્યા છે જે સીધા દિલને સ્પર્શી જાય છે. કાજલ અને શાહરૂખનો રોમાંસવાળો ભાગ શ્રેષ્ઠ છે. આમાં કરણને મહેનત નહી કરવી પડી હોય કારણ કે શાહરૂખ-કાજોલની ગજબની કેમેસ્ટ્રી છે. 'બાજીગર'ને રીલિઝ થયે વર્ષો વીતી ગયા પરંતુ આ ગોલ્ડન કપલમાં આજે પણ તાજગી જોવા મળે છે. સમુદ્ર કિનારે ઉભા રહીને શહેરની તરફ જોતા રિઝવાન સફળ થવાની વાત કરે છે. આ દ્રશ્ય શાહરૂખની જીંદગીમાંથી લેવામાં આવ્યુ છે. ફિલ્મોમાં આવતા પહેલા મુંબઈમાં સમુદ્ર કિનારે ઉભા રહીને તેમણે આ શહેર પર છવાય જવાનુ સપનુ જોયુ હતુ. મધ્યાંતરનો પ્રથમ ભાગ શાનદાર છે. ફિલ્મની પહેલી ફ્રેમથી જ દર્શકો રિઝવાન અને મંદિરાના પરિવારનો એક ભાગ બની જાય છે અને તેમના દર્દ અને તકલીફોને અનુભવે છે. ફિલ્મના બીજા ભાગમાં કેટલાક બિનજરૂરી દ્રશ્યો છે અને ક્યાક-ક્યાંક ફિલ્મ અતિનાટકીયતાનો ભોગ બની છે, પરંતુ આ ઉણપો ફિલ્મની ખૂબીઓની આગળ ખૂબ જ ઓછી છે. ફિલ્મના મુખ્ય પાત્રને એસ્પર્જર સિંડ્રોમથી ગ્રસ્ત કેમ બતાવવામાં આવ્યો ? તેના બે કારણ છે. પ્રથમ તો એ કે ફિલ્મ થોડી જુદી દેખાય, શાહરૂખને કંઈક કરી બતાવવાની તક મળે. અને બીજુ કારણ એ કે માણસાઈ, ધર્મ, સારા-ખરાબને આ માણસ એ સારા દેખાતા લોકો કરતા વધુ સારી રીતે સમજે છે. જેને લોકોને સમજવામાં મુશ્કેલી પડે છે. શાહરૂખના આલોચક કહે છે કે તેઓ દરેક પાત્રને શાહરૂખ બનાવી દે છે, પરંતુ અહી તેઓ રિઝવાનમાં એવા ઓતપ્રોત થઈ ગયા કે શાહરૂખ આપણને યાદ જ નથી આવતા. રિઝવાનની બોડી લેંગ્વેઝ, ચાલવા અને બોલવાનો અંદાજ, તેની ઉણપો, તેની ખૂબીઓને તેમને એટલી બારીકાઈથી પકડ્યા છે કે એવુ લાગવા માંડે છે કે આના કરતા વધુ સારી રીતે આ પાત્રને કોઈ નથી ભજવી શકતુ. ખાસ કરીને જ્યારે રિઝવાન શરમાઈને હસે છે ત્યારે એ દ્રશ્યોમાં શાહરૂખનો અભિનય જોવા લાયક છે. તેમણે સ્ક્રિપ્ટથી પણ વધુ સારો અભિનય કર્યો છે. જે લોકો વાર્તા સાથે સહમત નથી તેમને પણ શાહરૂખનો અભિનય બાંધીને રાખે છે. કાજોલમાં ચંચળતા આજે પણ એવી જ છે. મંદિરાના રૂપમાં તેની એક્ટિંગ જોવા લાયક છે. ઘણા દ્રશ્યોમાં તેની આંખો સંવાદથી પણ વધુ સારી રીતે પોતાની વાત કહે છે. નાની-નાની ભૂમિકાઓમાં ઘણા કલાકાર છે અને દરેકે પોતાનુ પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યુ છે રવિ કે ચંદ્રનની સિનેમેટોગ્રાફી આંતરરાષ્ટ્રીય સ્તરની છે. ફિલ્મનુ સંપાદન શ્રેષ્ઠ છે. શંકર અહેસાન લોયે ફિલ્મના મૂડ મુજબ સંગીત આપ્યુ છે. '
માય નેમ ઈઝ ખાન'માં ઘણા મેસેજીસ છે, જેમા મુખ્ય એ છે કે ઘર્મનો ચશ્મો પહેરીને વ્યક્તિનુ અવલોકન ન કરવામાં આવે. શાહરૂખ-કાજોલનો અભિનય, કરણનુ શ્રેષ્ઠ નિર્દેશન અને મનોરંજનની સાથે સંદેશ બતાવતી આ ફિલ્મ જોવા લાયક છે.