રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: રવિવાર, 24 ઑક્ટોબર 2021 (08:55 IST)

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

હિન્દુ ધર્મમાં વ્રત તહેવારનુ ખૂબ મહત્વ છે. ભારતીય સ્ત્રીઓ વ્રતને લઈને ખૂબ સજાગ હોય છે. એ વ્રત જો પોતાના પતિ અને બાળકો માટે હોય તો ગમે તેટલી મુસીબત આવી જાય એ આ વ્રત જરૂર કરે છે. આમ તો ભારતમા રાજ્ય અને ધર્મ પ્રમાણે અનેક વ્રત અને તહેવાર છે. આજે અમે વાત કરીશુ દિવાળી પહેલા આવતા વ્રત તહેવારની અને એ છે કરવા ચોથ 
 
પતિનાં દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત પરણેલી સ્ત્રીઓ કરે છે. કરવા શબ્દનો અર્થ ‘કરવા’ એટલે માટીનું વાસણ અને ‘ચોથ’ એટલે ચતુર્થી છે. આ તહેવારમાં માટીનાં વાસણનો મહિમા ખૂબ છે. બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસની રાહ જુએે છે. શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પૂજન કરે છે. પોતાનાં જીવનસાથીની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.
 
સરગી શુ છે ? જાણો સરગીનુ મહત્વ 
 
કરવા ચોથની સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સરગી ખાવાની હોય છે. સરગી એ ઘરમાં જે સાસુ અથવા મા સમાન વડીલ હોય તે વહુ અથવા દીકરીને આપે છે. સવારે વહેલા સ્ત્રી દ્વારા  નિત્યકાર્યથી પરવારી પાણીથી ભરેલો લોટો અથવા ઘઉંથી ભરેલો લોટો લાલ સ્થાપન ઉપર મૂકવામાં આવે છે. પૂજનમાં દીવાલ અથવા કાગળ ઉપર ચંદ્રમા અને તેની નીચે શિવ અને કાર્તિકેયની પ્રતિમા બનાવવામાં આવે છે. તેનાં ઉપર કંકુ, ચોખા, અબીલ, ગુલાલ ફૂલ, અત્તર દ્વારા પૂજા કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ ‘નિર્જળા વ્રત’ રાખે છે. આખા દિવસની કઠિન તપસ્યા પછી આ વ્રત ત્યારે પૂર્ણ થાય છે  જ્યારે ચંદ્ર આકાશમાં ઊગે છે. અને પત્ની ચંદ્ર સાથે પોતાના પતિનો ચેહરો જોઈને તેના હાથેથી પાણી પી ને વ્રતને પૂર્ણ કરે છે. 
 
નિર્જળા વ્રતનું મહત્વ
 
રાત્રે ચંદ્રમાનાં દર્શન બાદ ચંદ્રની પૂજા કરી કંકુ, ચોખા, દીવો કરી જળ અર્પણ કર્યા બાદ વિવાહિત સ્ત્રીઓ પતિના હાથે પાણી ગ્રહણ કરે છે. ત્યાર બાદ આ વ્રત સંપૂર્ણ થાય છે. ત્યાર બાદ સ્ત્રીઓ ભોજન ગ્રહણ કરે છે. જ્યારે પણ કોઈ વિવાહિત સ્ત્રી આ વ્રત કરે છે ત્યારે તેને આજીવન આ વ્રત કરવું પડે છે. પરંતુ આ વ્રતનાં પાલન માટે દરેક ઉંમરમાં નિર્જળા રહેવું જ એ જરૂરી નથી. પોતાની શારીરિક અવસ્થા અનુસાર એકવાર જો ‘ઉજવણું’ કરી નાખે તો ત્યારબાદ તે ફળ, પાણી અને કોઈપણ એક વસ્તુ ગ્રહણ કરીને વ્રત કરી શકે છે.
 
જ્યારે પણ આ વ્રત કરવામાં આવે છે. ત્યારે આ વ્રત સંપૂર્ણ કરતાં પહેલાં કથા સાંભળવામાં આવે છે. આ વ્રતનાં જડ તો મહાભારત કાળથી જ રોપાયેલ છે. અર્જુન નીલગિરિ પર્વત ઉપર સાધના કરવા ગયા ત્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણનાં કહેવાથી આ વ્રત અર્જુનની સલામતી માટે કર્યું હતું. આ ઉપરાંત બીજી પણ કથા છે. 
 
લોકકથા 
 
– દંતકથા અનુસાર, ઇન્દ્રપ્રસ્થપુરના એક નગરમાં વેદશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેમને સાત પુત્રો અને વીરવતી નામની પુત્રી હતી. એકમાત્ર દીકરી હોવાને કારણે તે બધાની લાડકી હતી. જ્યારે વીરવતી લગ્ન માટે યોગ્ય બની ત્યારે તેના પિતાએ તેના લગ્ન એક બ્રાહ્મણ યુવક સાથે કરાવ્યા
 
– વીરવતી લગ્ન પછી પહેલીવાર પોતાના પિયર આવી હતી, ત્યારે કરવા ચોથનું વ્રત હતું. વીરવતી તેના માતા-પિતા અને ભાઈઓના ઘરે હતી. તેણીએ તેના પતિના લાંબા આયુષ્ય માટે પ્રથમ વખત ઉપવાસ રાખ્યો હતો. પરંતુ તે ભૂખ અને તરસ સહન કરી શકી નહીં અને બેહોશ થઈને જમીન પર પડી ગઈ.
 
– બહેનની કષ્ટ તેના સાત ભાઈઓ જોઈ ન શક્યા. આવી સ્થિતિમાં ભાઈઓએ ચાળણીમાં દીવો મૂકીને, તેણે તેમને એક ઝાડની આડમા મુકીને બતાવ્યો અને જ્યારે બેહોશ થઈ ગયેલી વીરવતી જાગી ત્યારે ભાઈઓએ  તેને કહ્યું કે ચંદ્રોદય થઈ ગયો છે. અગાશી પર જાઓ અને ચંદ્ર જુઓ. વીરવતીએ ચંદ્રને જોઈને પૂજા પાઠ કરી અને ભોજન કરવા બેસી ગઈ
 
– પહેલુ કોળીયુ મોઢામાં લેતા જ મોઢામાં વાળ આવ્યા, બીજા કોળિયામાં  છીંક અને ત્રીજો કોળિયો મોઢામાં મુકે એ પહેલા જ તેને સાસરિયાઓ તરફથી આમંત્રણ મળ્યું. તેના સાસરિયાઓનું આમંત્રણ મળ્યા બાદ વીરાવતી તરત જ તેના સાસરિયાના ઘર તરફ દોડી ગઈ અને ત્યાં તેણે તેના પતિને મૃત હાલતમાં જોયો.. પતિની હાલત જોઈને તે નિરાશ થઈને રડવા લાગી. તેની હાલત જોઈને ઈન્દ્રની પત્ની દેવી ઈન્દ્રાણી તેને સાંત્વના આપવા આવી અને તેને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો. કરવા ચોથના ઉપવાસની સાથે, આખા વર્ષ દરમિયાન આવતી ચોથ માટે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવી. વીરાવતીએ પણ એવું જ કર્યું અને ઉપવાસ કરીને તેના પતિને ફરી જીવન મળ્યું.
 
આમ, શ્રદ્ધા ભક્તિથી જે ગણેશજીનું પૂજન કરે છે અને આ વ્રત કરે છે તે બધી જ સાંસારિક મુશ્કેલીમાંથી મુકત થઈ પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન પસાર કરે છે. ગણેશનું માથું ચંદ્રલોકમાં હોવાથી આ દિવસે ચંદ્રદર્શન અને અર્ધ્યનું ખૂબ મહત્ત્વ છે.
 
વ્રતમાં આ ચીજોનું છે ખાસ મહત્વ
 
જયારે કોઈ વિવાહિત સ્ત્રીને થાળીને ‘બયા’ પણ કહે છે. જેમાં સિંદૂર, કંકુ, જળ, સૂકોમેવો, માટીનાં કે કોઈપણ ધાતુનાં દીવાં હોય છે. આ દીવામાં લોટના બનાવેલા દીવા શણગારીને મુકાય છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ થાળીમાં ૩૪ વસ્તુ હોય છે. જેનો ઉપયોગ વ્રતની શરૂઆતથી લઈને વ્રત સંપૂર્ણ થવા સુધી કરવામાં આવે છે. જેમાં ચંદન, મધ, અગરબત્તી, ફૂલ, કાચું દૂધ, સાકર, શુદ્ધ ઘી (ગાયનું), દહીં, મીઠાઈ, ગંગાજળ, કંકુ, ચોખા, સિંદૂર, મહેંદી, મહાવર (મૂડો), કાંસકો, ચાંલ્લો (બિંદી), ચુંદડી, બંગડી, પગની માછલી (બિછુઆ), માટીનું વાસણ (કુંજો, લોટો), દીવો, રૂ, કપૂર, ઘઉં, બુરુખાંડ, હળદર, પાણીનો લોટો, ગોટી બનાવવા માટે માટી, બાજોઠ, ચારણી, આઠ પૂરીઓની અઠાવરી, હલવો, દક્ષિણા માટે પૈસા, કથાનું પુસ્તક જરૂરી છે.