સોમવાર, 18 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By દેવાંગ મેવાડા|

દક્ષિણ ગુજરાતમાં દરિયાની જમીન પર ચડાઈ

PRP.R
સમુદ્રકાંઠે પાણીના ઉછળતાં મોજા જોવા અનેરો આનંદ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વિચરણ કરતી વખતે આપણે ત્યાં રહેતા લોકોને સૌભાગ્યશાળી માનીએ છીએ, કારણ કે, સમુદ્રકાંઠે ઘર હોવુ દરેક માલેતુજાર વ્યક્તિનુ સ્વપ્ન હોય છે. પરંતુ, દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતી કંઈ અલગ છે. અહીં દરિયા કિનારે રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ અનુભુતિ એક કે બે નહીં પરંતુ લગભગ 50થી વધુ ગામડાઓમાં જોવા મળી છે. તેમના માટે શાંતિની સુખદ અનુભુતિ કરાવતો દરિયો અશાંતિનુ પ્રતિક બની ગયો છે, કારણ એ છે કે, દરિયાના પાણી જમીનને કાપી રહ્યા છે. દરિયાની સપાટી વધી રહી છે જેના કારણે જમીનનુ ધોવાણ થઈ રહ્યુ છે. કેટલાક ગામોની પરિસ્થીતી એવી છે કે, ત્યાંના ગ્રામજનોને અનેક વાર સ્થળાંતર કરવાની નોબત આવી ચુકી છે.

PRP.R
પરંતુ કુદરતિ પ્રકોપ સામે તેઓ લાચાર છે. ઈસરો દ્વારા પાછલા વર્ષોમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વિસ્તૃત માહિતી એકત્રીત કરવાનો તથા સમુદ્રના પાણીની સપાટીમાં થતાં ફેરફારો માપી તેનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ એક ખાસ રિપોર્ટ રજુ કરવાનુ કામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના પ્રાધ્યાપકોને સોંપવામાં આવ્યુ છે. નિષ્ણાત પ્રાધ્યપકોની ટુકડીના ત્રણ-ત્રણ વર્ષના સતત નિરીક્ષણ અને અભ્યાસ બાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિષે કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. જેમાં જાણવા મળ્યુ છે કે, ભરૂચથી માંડીને વલસાડ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રના પાણી ઝડપથી ઘુસી રહ્યા છે. આ અંગે પ્રાધ્યાપક નિખીલ દેસાઈએ જણાવ્યુ હતુ કે, આ વિસ્તારોમાં સમુદ્રના પાણીથી જમીનનુ ધોવાણ થઈ રહ્યુ છે અને તેની ઝડપ એટલી છે કે, આવનારા વર્ષોમાં સ્થિતી વધુ વણસે તો નવાઈ નહીં.

PRP.R
દરિયાના કિનારા બે પ્રકારના હોય છે. એક જેમાં રેતી એકત્રીત થાય છે અને બીજા પ્રકારે દરિયાના પાણીના લીધે જમીનનુ ધોવાણ થાય છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ધોવાણ વધુ માત્રામાં થઈ રહ્યુ છે. તેના કારણે દરિયો સતત જમીન ઉપર ચડાઈ કરી રહ્યો છે અને તેના કારણે કાંઠાની જમીન દરિયામાં જળસમાધી લઈ રહી છે. કેટલાક કિનારા પર દરવર્ષે દરિયો 10થી 15 મીટર જેટલો અંદર આવી રહ્યો છે.

કેટલાક સ્થળોએ તો, દરિયો 70થી 80 મીટર સુધી અંદર આવી ગયો છે. જેને કારણે કાંઠાના ગામડાઓને ખતરો તોળાઈ રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, વર્ષના અંત સુધી તેમની ટીમ ગુજરાતના દરિયાકાંઠા વિષેનો પોતાનો રિપોર્ટ ઈસરોને સુપરત કરી દેશે.


કળાદરાના કેટલાક મકાનો ઈતિહાસ બની ગયા !!
PRP.R
ભરૂચ જીલ્લાના કળાદરા ગામે દરિયાએ સૌથી વધુ તારાજી સર્જી છે. ગામના કેટલાય મકાનો ઈતિહાસ બની ગયા છે. કિનારા પર વસતાં ગરીબ લોકો પાસે સ્થાળાંતર સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. થોડાવર્ષો પહેલા દરિયાથી ગામને બચાવવા માટે એક દિવાલ બનાવવામાં આવી હતી. પરંતુ ઝડપથી વધી રહેલા દરિયાના પાણીએ તેને પોતાનામાં સમાવી લીધી છે.
કળાદરા ગામે ત્રણ-ચાર વર્ષ પહેલા બનાવવામાં આવેલો રસ્તો સમુદ્રના મોજાની થપાટોથી તુટી ગયો છે અને હવે તેની ઉપર અવરજવર કરવી ખતરાથી ખાલી નથી. એક સમયે ગામમાં રાઠોડ ફિંશીગ કોલોની અસ્તિત્વમાં હતી. જેમાં લોકો પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. પરંતુ સમયાંતરે તે ખાલી કરી દેવી પડી અને તેના તમામ મકાનો અન્ય સ્થળે બનાવવામાં આવ્યા, જે ન્યૂ કલાદરા તરીકે ઓળખાય છે.

દાંતિ ગામને ત્રણ કિલોમીટર દુર સ્થાપિત કરવુ પડ્યું
PRP.R
વલસાડ જિલ્લાના દાંતિ ગામની પરિસ્થીતી પણ કફોડી બની છે. દરિયાના વધતાં જતાં પાણીના કારણે સમગ્ર ગામને સ્થળાંતર કરવુ પડ્યુ છે. આ ગામને દરિયા કિનારાથી લગભગ ત્રણ કિલોમીટર દુર લઈ સ્થળાંતરિત કરવામાં આવ્યુ છે. ભૂલકાઓ માટે બનાવવામાં આવેલી શાળાનુ સ્થળ પણ બદલવામાં આવ્યુ છે.
દાંતિ ગામે દરિયાના પાણીથી બચવા માટે બનાવવામાં આવેલી સુરક્ષા દિવાલો પણ હવે દરિયામાં સમાઈ ચુકી છે. ત્રણ-ત્રણ દિવાલો સમુદ્રમાં સમાઈ જતાં હવે ગ્રામજનો પાસે સ્થળાંતર સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. અલબત્ત, સમયસર તેનો ઉપાય કરવામાં નહીં આવે તો દરિયાની નજર હવે બિલીમોરા સુધી હોય તેમ જણાય છે.

સમુદ્રના પેટાળમાં થતાં ફેરફારો કારણભૂત ??
પ્રાધ્યાપક નિખીલ દેસાઈએ દરિયાની સપાટીમાં થઈ રહેલા વધારાના કારણો અંગે માહિતી આપતાં જણાવ્યુ હતુ કે, સમુદ્રના પેટાળમાં થતાં ફેરફારો તેના માટે જવાબદાર હોઈ શકે છે. અલબત્ત, અનેક કારણો પૈકીનુ આ એક કારણ હોવાનુ તેમનુ માનવુ છે. કારણ કોઈપણ હોય આ સમસ્યાના સમાધાન માટે સરકારે ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ નક્કર ઉકેલ શોધવો જોઈએ.