વણજોયું મુહૂર્ત એટલે અખાત્રીજઃ ધાર્મિક પ્રસંગો માટે થઇ ગયા છ મહિના અગાઉ બુકીંગ
અક્ષય તૃતીયા તા.૨ મેનાં રોજ છે. જેને લગ્ન માટે વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. એક અંદાજ અનુસાર ગુજરાતભરમાં આ દિવસે ૩૫૦૦૦થી વધુ લગ્નો થશે. જેમાં સામૂહિક લગ્નો પણ મોટી સંખ્યામાં થશે. સાથે જ આ દિવસે સોના-ચાંદી, વાહન-જમીન-મકાનની ખરીદી માટે પણ સર્વોત્તમ માનવામાં આવે છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકો ખરીદી પણ મોટી સંખ્યામાં કરશે. સાથે જ ધાર્મિક રીતે આ દિવસ કુંભદાન પણ થશે.
આ દિવસ માટે છ મહિના અગાઉ બુકીંગ થઇ ગયું છે, એમ કહી ગોર મહારાજએ જણાવ્યું કે આ તિથિનું ખાસ મહત્ત્વ હોય છે ત્યારે આ દિવસ માટેનું એડવાન્સ બુકિંગ છ મહિના અગાઉ જ થઇ ગયું છે. જોકે, છેલ્લી ઘડીએ લગ્ન માટે આવતા લોકો માટે ભૂદેવો મળવા પણ અઘરા થઇ જતાં હોય છે. આ દિવસ સોના-ચાંદીની ખરીદી માટે પણ ઉત્તમ છે.
આ દિવસને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. અક્ષયનો અર્થ થાય છે કે જેનો કદી ક્ષય થતો નથી. તેમજ તૃતિયા એટલે ત્રીજની તિથિ, એક એવી તિથિ કે જેનો કદી ક્ષય થતો નથી. તેથી જ તો આ દિવસે કરવામાં આવેલા ધાર્મિક કાર્યો, માંગલિક કાર્યો, દાન-પુણ્યનો પણ ક્યારેય ક્ષય થતો નથી. આ દિવસે કુંભદાનનું પણ ખાસ મહત્વ છે.
ગાયત્રી પરિવાર-ગુજરાત ઝોન ઇન્ચાર્જએ જણાવ્યું કે આ દિવસે ગુજરાતમાં આવેલી ૩૫૦ ગાયત્રી શક્તિપીઠમાંથી પણ ગાયત્રી પરિવારનાં પરિજનો પણ લગ્ન કરાવવા જશે. જેમાં સામુહિક લગ્નો પણ સામેલ છે. ઓઢવ ખાતે સમૂહ લગ્નોત્સવમાં ૨૫ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.
આર્યસમાજ-કાંકરિયાના મેનેજરએ જણાવ્યું કે અમદાવાદ-ગાંધીનગર ખાતે જ ૨૦થી વધુ બુકીંગ મહિના અગાઉ થઇ ગયું હતું અને છેલ્લી ઘડીએ પણ મોટી સંખ્યામાં બુકિંગ આવશે.
આજે ૧૨.૪૧થી સોમવતી અમાસ જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે સોમવતી અમાસના પવિત્ર દિવસે શિવ પૂજન, પિતૃ તર્પણ, પીપળાનું પૂજન, ગાયોને ચારો નાખી પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકાય છે. આ અમાસ સંતતિ, સંપત્તિ અપાવનારી છે. સોમવતી અમાસ ભગવાન શિવજીની કૃપાળુ છે, તેઓ ભક્તો પર અનહદ કૃપા વરસાવે છે. વિક્રમ સંવત-૨૦૭૦માં ત્રણ સોમવતી અમાસ આવી છે, અગાઉ કારતક મહિનામાં ૧લી ડિસેમ્બરનાં રોજ હતી. ચૈત્રમાં તા.૨૮મી એપ્રિલે, બપોરે ૧૨.૪૧ પછી યોજાશે. આ વર્ષે શ્રાવણ મહિનામાં સોમવતી અમાસ, તા. ૨૫મી ઓગસ્ટે છે, જેથી આ અમાસનું મહત્ત્વ વધી જાય છે.