વ્યસની બળદઃ આ બળદ કોલ્ડ્રીંકસની બોટલ ગટગટાવ્યા પછી જ કામે વળગે છે

વેબ દુનિયા| Last Modified સોમવાર, 23 સપ્ટેમ્બર 2013 (15:16 IST)

P.R
બે પગવાળા માનવીઓને અવનવા વ્યસનો હોય છે, પરંતુ જો એમ કહેવામાં આવે કે ચાર પગવાળા પશુને પણ કોઇ વ્યસન લાગ્યું છે તો શું માની શકાય? મોટાભાગના લોકોનો જવાબ નકારમાં જ આવશે, પરંતુ ગાંધીભૂમિ પોરબંદરમાં આ પ્રશ્નનો જવાબ માથુ ઝુકાવી ઝુકાવીને હકારમાં આપવો પડે તેવી પરિસ્થિતિ કડીયા પ્લોટમાં જોવા મળે છે, જયાં એક બળદને એવું વ્યસન છે કે તે કોલ્ડ્રીંકસની બોટલ ગટગટાવ્યા પછી જ કામે ચડે છે!

વાત જાણે એમ છે કે કડીયા પ્લોટના લાડવાડેલા સામેની શેરીમાં રહેતાં કિશન શામળાભાઇ ઓડીચ નામના બ્રાહ્મણ યુવાને એકાદ વર્ષ પહેલાં 'સોનુ' નામના બળદની રૃ. ૧૦,૯૦૦ની કિંમતે ખરીદી કરી અને આ બળદને તે જયુબેલી પુલ પાસે આવેલા ખડપીઠ વિસ્તારમાંથી દરરોજ સવારે ઘાસચારો લાવવા માટે બળદ ગાડામાં બાંધીને લઇ જવા માટે ખરીદી કરી હતી, પરંતુ આ બળદને શરૃઆતમાં જયારે કિશન ઘેર લાવ્યો ત્યારે ગાડામાં બંધાવવા માટે આનાકાની કરતો હોય માથુ હલાવીને નનૈયો ભણવા લાગ્યો હતો, આથી તેને ગળામાં દોરડું બાંધીને ખેંચવામાં આવ્યો હતો અને ત્યારે મહામહેનતે તે ગાડા સાથે જોડાયો હતો.
ત્રણ ત્રણ દિવસ સુધી આ બળદ પોતાના 'હેવાયો' નહીં થતાં માલિક ચિંતામાં ગરકાવ થઇ ગયો હતો. એક દિવસ રસ્તામાં પાનની દુકાન આવતી હોવાથી તેનો માલિક કિશન ત્યાં પાનમાવો ખાવા રોકાયો હતો અને પોતાના મિત્ર ત્યાં મળી જતાં તેને આ 'સોનું' વિશેની વાત કરી હતી. વાતવાતમાં બંને મિત્રોએ પાનની દુકાને ઠંડા પીણાની બોટલ લીધી અને બંને પીવા લાગ્યા ત્યારે મિત્રએ વળી મજાકમાં કિશનને કહ્યું કે આને પણ બે ઘુંટડા પીવડાવ કદાચ તેને ઘાસચારો લેવા માટેની 'સ્ફૂર્તિ' આવે! ને બળદ માલિકે પણ મિત્રની વાતને સ્વીકારીને ઠંડુ પીણું તેને પીવડાવતા સોનુ હોંશે હોંશે તેને પીવા લાગ્યો હતો અને મોજમાં આવી ગયો હતો. ઠંડુ પીણું પીધા પછી પણ બળદ પણ ઘાસ લેવા માટે હોંશે હોંશે ગાડે બંધાઇ ગયો હતો! ત્યારબાદ તો દરરોજ જયારે જયારે આ દુકાન પાસેથી ઘાસચારો લેવા નીકળે ત્યારે અચુકપણે દુકાન પાસે જ જાણે પોતાનું 'સ્ટેશન' આવી ગયુ હોય તેમ ઉભો રહી જતો હતો અને દરરોજ ત્યાં જ ઠંડુ પીણું પીવા હઠ કરતો હતો, જેથી દરરોજ ઠંડુ પીણું પીવડાવવાની ફરજ પડવા લાગી. જે પીધા બાદ તેને હોંશે હોંશે ગાડે બંધાવવા તૈયાર થઇ જતો હતો.
આજ સુધી દરરોજ જયારે તે સવારે જયારે જયારે ઘાસચારો લેવા જાય ત્યારે ત્યારે તેને તેનો માલિક અચુકપણે ઠંડુ પીણું પીવડાવીને પછી જ કામે લઇ જાય છે અને બળદ પણ દરરોજ પીધા પછી જ કામે ચડે છે!

વળી ઘરે જયારે જયારે મહેમાન આવે ત્યારે બળદને પણ મોજ થઇ આવે છે અને મહેમાન આવે ત્યારે 'ચા-પાણી'ને બદલે માલિક 'ઠંડુ પીણું' મંગાવે તેવી 'સોનુ' અપેક્ષા રાખે છે કેમ કે ગમે તે કંપનીનું હોય, પરંતુ પીવા માટે ઠંડુ પીણું હોય તો જ મહેમાનોની સાથોસાથ સોનુને પણ મજા થઇ જાય છે!


આ પણ વાંચો :