મંગળની યાત્રામાં ભારત ચીનથી આગળ નીકળી જશે

P.R

ચાર તબક્કાનું પોલર સૅટેલાઇટ લૉન્ચ વ્હીકલ (PSLV- C25) ૧,૩૫૦ કિલોગ્રામનું ‘માર્સ ઓર્બિટર’ (મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરનાર યાન)ને લઈને જશે તે સાથે યાનની મંગળયાત્રા શરૂ થશે. યાન પર પાંચ પ્રયોગો માટેનાં ઉપકરણો છે. મંગલયાન પર દક્ષિણ પ્રશાંત સમુદ્રમાં ગોઠવાયેલાં બે જહાજોમાંથી વૈજ્ઞાનિકો નજર રાખશે. આ પહેલાં PSLV- C25 દ્વારા જ ચંદ્રની ભ્રમણકક્ષામાં પણ ચંદ્રયાન મોકલાયું હતું. PSLV દ્વારા પહેલાં પણ ભારતે ઉપગ્રહો મોકલ્યા છે, પણ એમને ભ્રમણકક્ષામાં મૂકવામાં ૧૮ મિનિટ લાગી હતી, જ્યારે મંગલયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવા માટે ૪૩ મિનિટ લાગશે. વૈજ્ઞાનિકો આ સમયગાળાને બહુ અગત્યનો માને છે, કારણ કે આખા મિશનની સફળતાનો આધાર એના પર છે. પહેલા ૨૫ દિવસ એટલે કે ૩૦મી નવેમ્બર સુધી એ પૃથ્વીની ભ્રમણકક્ષામાં જ રહેશે, તે પછી પૃથ્વીની ભ્રમણક્ક્ષા છોડીને એ મંગળ તરફ આગળ વધશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી મુક્ત થવા માટે યાનની એસ્કેપ વૅલોસિટી એક સેકંડના ૧૧.૨ કિ.મિ.થી વધારે હોવી જોઈએ (પૃથ્વીની એસ્કેપ વૅલોસિટી સેકંડના ૧૧.૨ કિ.મિ. છે એટલે એના ગુરુત્વાકર્ષણમાંથી છટકી શકે એ ગતિએ પદાર્થે ભાગવું પડે). ૩૦૦ દિવસમાં ૪૦ કરોડ માઇલની મજલ કાપીને ૨૪મી સપ્ટેમ્બર ૨૦૧૪ના એ મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને છ મહિના સુધી પરિક્રમા કરશે અને મંગળના વાતાવરણનો અભ્યાસ કરશે.

Marsમંગળ તરફ જવા માટેનો અવસર ૨૬ મહિનામાં એક વાર આવે છે એટલે આજ પછી બીજી તક ૨૦૧૬માં જ મળી શકે તેમ હોવાથી ઇસરોએ પહેલી તક ઝડપી લેવાનું નક્કી કર્યું. આ મિશન ક્યારે મોકલવું તેનો નિર્ણય કરવા માટે પૃથ્વી અને મંગળની સ્થિતિનો વિચાર કરવામાં આવે છે. બન્ને એકબીજાની સૌથી વધારે નજીક હોય ત્યારે જ ‘લૉન્ચ વિન્ડો’ ખૂલે છે. ૨૮મી ઑક્ટોબરથી ૧૯મી નવેમ્બર સુધી ‘લૉન્ચ વિન્ડો’ ખુલ્લી રહેશે. આ જ કારણે આ જ મહિનાની ૧૮મીએ અમેરિકાનું MAVEN (Mars Atmosphere and Volatile Evolution) યાન પણ મંગળ તરફ જશે અને ભારતના યાનથી બે દિવસ પહેલાં ૨૨મી સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ મંગળની ભ્રમણકક્ષામાં પહોંચશે.

અમેરિકાના ક્યૂરિયસ યાને વાતાવરણમાં મિથેન હોવાની શક્યતા પહેલાં જ નકારી કાઢી છે. મિથેનની હાજરી જીવન માટે જરૂરી છે એટલે ભારતનો મુખ્ય ઉદ્દેશ મિથેન વિશેની અમેરિકી ધારણાની ચકાસણી કરવા પૂરતું રહી જશે. આમ બીજો કોઈ વૈજ્ઞાનિક હેતુ બર ન આવે તો પણ યાનને મંગળની ભ્રમણકક્ષામાં મૂકવું એ પોતે જ એક મહત્ત્વની સિદ્ધિ હશે.

ભારતે વ્યવહારમાં ઉપયોગી ઉપગ્રહો બનાવવામાં વિશ્વમાં પ્રથમ પંક્તિમાં સ્થાન લીધું છે. દૂરસંવેદી, સંદેશાવ્યવહાર, હવામાન અને ચોકીપહેરા માટેના ઉપગ્રહો બનાવવામાં ભારતે નિપુણતા પ્રાપ્ત કરી લીધી છે. તે પછી વૈજ્ઞાનિક હેતુઓ માટેના અવકાશી ખોજની દિશામાં આગળ વધવાનું લક્ષ્ય જ સામે હતું. આથી ચંદ્રયાન-૧ પછી મંગલયાન, ૨૦૧૬માં ચંદ્રયાન-૨, બ્રહ્માંડીય સ્રોતોના અભ્યાસ માટે ઍસ્ટ્રોસૅટ અને સૂર્યના પરિઘ (corona)ના અભ્યાસ માટે આદિત્ય-૧ વગેરે વૈજ્ઞાનિક ખોજનો ભારતનો કાર્યક્રમ છે.

વેબ દુનિયા|
આજ સુધી માત્ર અમેરિકા, યુરોપીય સંઘ અને રશિયાને જ મંગળની યાત્રામાં સફળતા મળી છે. ૧૯૬૦થી ૫૧ મિશન યોજાયાં છે અને તેમાંથી લગભગ ૧૫ તો ‘ક્રૅશ’ થયાં છે. આ દેશોએ પણ અનેક નિષ્ફળતાઓ પછી સફળતા મેળવી છે, એટલે સફળતાનો દર, શરૂઆતની નિષ્ફળતાઓને કારણે માત્ર ૪૦ ટકા રહ્યો છે. ૨૦૧૧ના નવેમ્બરમાં રશિયા અને ચીનનું સંયુક્ત મંગળ મિશન નિષ્ફળ નીવડ્યું હતું. લૉન્ચ વ્હીકલ મોટા ભાગે દેશમાં બનાવેલા ભાગોમાંથી જોડવામાં આવ્યું છે અને મૂળ મંગલયાનના ૫૦ ટકા ભાગો પણ દેશમાં જ બનાવાયા છે. એ દૃષ્ટિએ પણ ભારતનું મિશન સફળ થાય તો એ ટૅકનિકલ બારીકીઓની નજરે મોટી વાત ગણાશે અને મંગલયાન ભારતીય વૈજ્ઞાનિકો અને ટૅકનૉલોજિસ્ટો માટે બહુ ગૌરવની વાત બની રહેશે. એટલું જ નહીં, મંગળની યાત્રામાં નીકળી જશે.
મંગલયાન અને બેંગલુરુમાં એના માટે રૅડાર સ્ટેશન બનાવવા માટે ૪૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કોઈ કહે છે કે આપણા જેવા ગરીબ દેશને આ ખર્ચ પોસાય નહીં. પરંતુ, આ ગરીબ દેશ, એક અંદાજ પ્રમાણે, દર વર્ષે દિવાળીના દિવસોમાં ૮૦ કરોડ ડૉલર (હા, ડૉલર; રૂપિયા નહીં !) ફટાકડા પાછળ ખર્ચે છે.


આ પણ વાંચો :