જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બોલિવૂડ, ટીવી અને ભોજપુરી ઉદ્યોગમાં પોતાના યોગદાન માટે પ્રખ્યાત પીઢ અભિનેતા રાકેશ પાંડેનું નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. આ વરિષ્ઠ અભિનેતાએ સવારે 8:50 વાગ્યે મુંબઈના જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ ICUમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધનના દુઃખદ સમાચાર સાંભળીને દરેક વ્યક્તિ આઘાતમાં છે અને તેઓ સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાકેશ પાંડેએ પોતાના મજબૂત પાત્રોને કારણે લોકોના દિલ પર રાજ કર્યું. તે ટીવી પર ઘણી લોકપ્રિય સિરિયલોમાં પણ જોવા મળ્યો હતો.
રાકેશ પાંડેનું મોતનું કારણ
રાકેશ પાંડેના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. આઈસીયુમાં સારવાર દરમિયાન તેમણે દુનિયાને અલવિદા કહ્યું. તેમના અંતિમ સંસ્કાર શાસ્ત્રીનગર સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા જેમાં તેમના પરિવાર અને નજીકના સંબંધીઓ હાજર હતા. તેમના પરિવારમાં તેમની પત્ની, પુત્રી જસમીત અને એક પૌત્રી છે. રાકેશ પાંડેની મનોરંજન ઉદ્યોગમાં કારકિર્દી બાસુ ચેટર્જીની 'સારા આકાશ' (૧૯૬૯) થી શરૂ થઈ હતી. આ ફિલ્મે તેમને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ જીતાવ્યો હતો.
બોલિવૂડની હિટ ફિલ્મોથી ધમાલ મચાવી
ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવતા પહેલા, તેઓ થિયેટરમાં તેમના ઉત્તમ નાટકો માટે જાણીતા હતા. તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) પુણે અને બાદમાં ભારતેન્દુ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સમાં અભ્યાસ કર્યો. શરૂઆતના વર્ષોમાં, રાકેશ પાંડે IPTA (ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન) સાથે પણ સંકળાયેલા હતા, જ્યાં તેમને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી. આ અભિનેતા છેલ્લે 2023 માં રિલીઝ થયેલી 'ધ રાઇઝ ઓફ સુદર્શન ચક્ર' માં જોવા મળ્યો હતો. તે 'ઈન્ડિયન', 'દિલ ચાહતા હૈ', 'બેટા હો તો ઐસા', 'ચેમ્પિયન', 'અમર પ્રેમ', 'હિમાલય સે ઉંચા' જેવી ઘણી ફિલ્મોનો પણ ભાગ રહી ચૂક્યો છે.
ટીવી-ભોજપુરી સ્ટાર રાકેશ પાંડે હવે આપણી વચ્ચે નથી
તેમના કેટલાક લોકપ્રિય ટેલિવિઝન શોમાં 'છોટી બહુ', 'પિયા બીના', 'દેવી', 'પ્યાર કે દો નામ: એક રાધા-એક શ્યામ'નો સમાવેશ થાય છે. રાકેશ પાંડેએ 'બાલમ પરદેસિયા' (૧૯૭૯) જેવી ફિલ્મોથી ભોજપુરી સિનેમામાં ધૂમ મચાવી હતી. રાકેશ પાંડે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ હંમેશા તેમના ફેંસનાં દિલમાં જીવંત રહેશે.