હેપી બર્થડે અજય દેવગણ
P.R |
1991માં 'ફૂલ ઔર કાંટે' દ્વારા બોલિવૂડમાં પર્દાપણ કરનાર અજય દેવગણ આજે 43 વર્ષનો થશે. 'સિંઘમ' અજય આજે 'સન ઓફ સરદાર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે, તેણે ગઈકાલે ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢીને પંજાબના કિલા મુબારકમાં આવેલા કાલી માતાના મંદિરમાં પૂજા કરી હતી.
એક અખબાર સાથે વાત કરતા સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, "સામાન્ય રીતે અજય પોતાનો જન્મદિવસ ઉજવતો નથી પણ પટિયાલાના 250 વર્ષ જૂના કિલા મુબારકની મુલાકાત તેના માટે ખાસ રહી હતી. મૂળ પંજાબી હોવાને કારણે અજય ગુરૂ ગોવિંદ સિંહના આશીર્વાદ હેઠળ બનેલા આ પવિત્ર સ્થાનની મુલાકાત લઈને રોમાંચિત થઈ ગયો હતો. આ મંદિરના અંદરના ભાગે 250 વર્ષથી એક અખંડ જ્યોત રાખવામાં આવી છે."
સૂત્રએ ઉમેર્યું હતું કે, "અજયે પોતાના પરિવાર સાથે કાલી મંદિરની મુલાકાત લીધી હતી હતી અને શૂટિંગ શરૂ કર્યાં પહેલા કાળી માતાની પૂજા કરી હતી. પંજાબીઓ દ્વારા પૂજાતા આટલા પવિત્ર સ્થળની મુલાકાત લઈને તે પોતાને બહુ જ ભાગ્યશાળી માને છે અને આ તેના માટે યાદગાર અનુભવ હતો."
અજય સામાન્ય રીતે બોલિવૂડ પાર્ટીઓમાં જોવા નથી મળતો. તેનો જન્મદિવસ પણ તે સામાન્ય રીતે ઉજવે છે અને શૂટિંગ પછી પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે.
અજયે કહ્યુ હતું કે, "હા, દિવસની શરૂઆતમાં તો શૂટિંગ કરવાનો છું પણ શૂટિંગ પૂરુ થતાં જ હું મારા પરિવાર સાથે સમય ગાળવાનું વિચારી રહ્યો છું."
તેણે ટ્વિટર પર પોતાના ચાહકોનો આભાર માનવા માટે લખ્યુ હતું કે, "જન્મદિવસની શુભકામનાઓ માટે આભાર. અને સન ઓફ સરદાર ના સેટ પર મારા માટે મોટી કેક મોકલાવીને સરપ્રાઈઝ આપનારા ચાહકોનો પણ આભાર. આખા યુનિટે તેની મજા માણી હતી."
