બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટરોની પ્રોફાઈલ
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:06 IST)

અજીત વાડેકર

1 એપ્રિલ 1941ના રોજ મુંબઈ ખાતે જન્મેલા અજીત લક્ષ્મણ વાડેકરે તેમના નેતૃત્વ હેઠળ 1971માં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ જેવી તે સમયની ધરખમ ટીમોને તેમની જ ધરતી પર પરાસ્ત કરવાનું કારનામું કરી બતાવ્યું હતું. એક જ સિઝનમાં બે પ્રવાસમાં ટેસ્ટ સિરીઝ વિજયની સિદ્ધિ સાથે સતત ત્રણ સિરીઝ જીતાનાર અજીત વાડેકર અત્યાર સુધીના એકમાત્ર ભારતીય કેપ્ટન છે.

1971ના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ રવાના થાય તેની આગલી સાંજ સુધી ટીમનું નેતૃત્વ કોણ સંભાળશે તે નક્કી થયું નહોતું. આખરે પસંદગી સમિતિના ચેરમેન વિજય મર્ચન્ટના કાસ્ટિંગ વોટથી કેપ્ટનશીપનો કાંટાળો તાજ અજીત વાડેકરને પહેરાવવામાં આવ્યો. તે વખતે કદાચ કોઈએ સપનેય નહીં વિચાર્ય હોય કે અનાયાસે કેપ્ટન બનેલો અજીત અપ્રતિમ એવી સિદ્ધી મેળવવા જઈ રહ્યો છે.

પોતાની જાતને કેપ્ટન તરીકે સફળ પૂરવાર કરનાર આ ડાબોડી ફટકાબાજ શોર્ટલેગના ચુનંદા ફિલ્ડર પણ હતા. તેમની આઠ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન અજીત વાડેકરે 37 ટેસ્ટમાં 31.07ની સરેરાશે 2113 રન બનાવ્યા હતા. તેમાં 1967-68ના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ફટકારેલી એકમાત્ર સદી (143 રન)નો પણ સમાવેશ થતો હતો. ચાર વખત તેઓ 90 થી 99ના સ્કોર વચ્ચે આઉટ થયા હતા.

કોલેજકાળ દરમિયાન 1957-58થી 1961-62ની સિઝનમાં બોમ્બે યુનિવર્સિટીનું ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટોમાં પ્રતિનિધિત્વ કરનાર વાડેકરે 1961-62માં બોમ્બે યુનિવર્સિટીનું નેતૃત્વ સંભાળ્યું. તે જ સિઝનમાં તેમણે એમ.સી.સી. વિરૂદ્ધ સંયુક્ત યુનિવર્સિટીનું કેપ્ટનપદ પણ સંભાળ્યું.

ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટો દરમિયાન તેમણે 1958-59ની સિઝનમાં ત્રેવડી સદી ફટકારતા નવી દિલ્હી વિરૂદ્ધ 324 રન નોંધાવ્યા. આ પ્રદર્શન દ્વારા તેઓ મુંબઈની રણજી ટીમમાં સ્થાન પામ્યા. જે તેમણે છેક 1974-75 સુધી જાળવી રાખ્યું.
17 વર્ષ લાંબી રણજી ટ્રોફી કારકિર્દીમાં તેમણે 73 મેચમાં 57.94ની સરેરાશથી 4288 રન નોંધાવ્યા. તેમના આ પ્રદર્શને મુંબઈને સતત 15 વર્ષ સુધી રણજી ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. રણજી ટ્રોફીમાં તેમણે 1966-67માં મૈસુર વિરૂદ્ધની ત્રેવડી સદી (323 રન) સહીત કુલ 12 સદી ફટકારી.

તેમણે 30 મેચમાં મુંબઈનું નેતૃત્વ સંભાળ્યું. દુલીપ ટ્રોફીની તેમણે રમેલી 18 મેચમાંથી 6માં તેમણે વેસ્ટ ઝોનની કેપ્ટનશીપ કરી. જ્યારે શેષ ભારતની ટીમ વિરૂદ્ધ છ વખત મુંબઈ ટીમનું કેપ્ટનપદ સંભાળ્યું.

સ્થાનિક ટુર્નામેન્ટોમાં સતત સારા દેખાવ છતાય પસંદગીકારો તેમની અવગણના કરતા રહ્યા. આખરે 1966-67માં પ્રવાસી કેરેબીયન ટીમ વિરૂદ્ધ તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. જેમાં તેઓ મુંબઈ ખાતેની પ્રથમ ટેસ્ટમાં સરીઆમ નિષ્ફળ નીવડ્યા. જો કે છેલ્લી ટેસ્ટમાં તેમણે હોલ, ગ્રીફીથ, સોબર્સ અને ગીબ્સ જેવા ધૂરંધરોની ઝીંક ઝીલીને 67 રન બનાવ્યા. જેના આધારે તેઓ પટોડીના નેતૃત્વ હેઠળ 1967માં ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ટીમમાં સ્થાન પામ્યા.
વ્યક્તિગત પ્રદર્શનના આધારે ઈંગ્લેન્ડ પ્રવાસ તેમના માટે સફળ પૂરવાર થયો. તેમણે ટેસ્ટમેચોમાં 91ના શ્રેષ્ઠ સ્કોર સાથે 835 રન બનાવ્યા. જ્યારે કાઉન્ટી મેચોમાં તેમણે કુલ 835 રન કર્યા. તેઓ આ પ્રદર્શનને લીધે ઈંગ્લેન્ડ પ્રવાસની શોધ તરીકે ઓળખાયા. જો કે ત્યારબાદના ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં તેમના ભાગે નીષ્ફળતા જ આવી.

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ફોર્મ પરત મેળવતા તેમણે 47.14ની સરેરાશે 330 રન કર્યા. તેમાં તેમની એકમાત્ર સદીનો પણ સમાવેશ થતો હતો.