ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 23 મે 2023 (17:21 IST)

Ahmedabad Crime news - અમદાવાદમાં ભૂમાફિયાઓ બેફામ, ખોટા દસ્તાવેજ ઉભા કરીને શેલામાં રહેતા ખેડૂતની કરોડોની જમીન પચાવી

land scame
શેલામાં ખેતી કરતા ખેડૂતની 1.39 કરોડની જમીન ખોટા દસ્તાવેજ બનાવીને પચાવી પાડનાર ચાર લોકો સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી ચારેય ભૂ માફિયાઓએ ખેડૂતની બનાવટી સહીઓ કરી, ખોટા પુરાવા રજૂ કરીને બનાવટી કુલમુખત્યારનામું ઉભુ કર્યું હતુ. આરોપીઓએ જમીનના પૈસા 10 ચેકમાં આપ્યા હોવાનું પણ લખાણમાં જણાવ્યું હતું પણ ખેડૂતના ખાતામાં એકપણ રૂપિયો આવ્યો નહોતો. જેથી ખેડૂતને બનાવટી પુરાવા ઉભા કરીને જમીન વિહોણો કરવાનું કારસ્તાન કરનારા ચાર ભૂમાફિયા સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. 
 
ખોટા પુરાવા ઉભા કરીને જમીન પચાવી પાડી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શેલામાં ઠાકોરવાસમાં રહેતા કાળાજી ઠાકોરે સીઆઈડી ક્રાઈમમાં સુધીર પંજવાણી, રિયાઝ દેસાઈ, ચાંદભાઈ રાઠોડ,મુસ્તાક અલી મલેક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ચારેય જણાએ શેલામાં આવેલી કાળાજી ઠાકોરની વડિલો પાર્જિત જમીન પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ જમીનમાં કાળાજીના કુટુંબી ભાઈઓ ખોડાજી, મેરુજી, રમણજી, રોહિતજીના રહેણાંક મકાનો આવેલા છે. તેમનું કહેવું છે કે તેમણે જમીનને લઈને ક્યારેય કોઈ લખાણ કરી આપ્યું નથી. અમે આ જમીનના રેવન્યૂ કાર્ડની તપાસ કરતાં જાણ થઈ હતી કે, આ જમીન ખોટા પુરાવા અને સહીઓથી અમારી પાસેથી પડાવી લેવાનું કાવતરૂ રચવામાં આવ્યું છે. 
 
પ્રાંત ઓફિસરને પણ વાંધા અરજી આપી હતી
કાળાજીએ ફરિયાદમાં લખાવ્યું હતું કે, ચારેય આરોપીઓએ અમારી ખોટી સહીઓ કરી તથા પુરાવા મુકીને 10 એપ્રિલ 2017ના રોજ એક કહેવાતુ બનાવટી કુલમુખ્ત્યારનામું તેમની તરફેણમાં ઉભું કર્યું હતું અને તે નોટરી ગોપાલસિંહ રાણા દ્વારા નોંધવામાં આવ્યું હતું. આ બાબતનું ડેકલેરેશન એન કે સિસોદિયાના સિરિયલ નંબરથી નોંધવામાં આવ્યું છે. જેમાં અમારી જે સહીઓ દર્શાવી છે તે ખોટી છે અને અમે તે સહીઓ કરી પણ નથી. તે ઉપરાંત જે આધારકાર્ડ રજૂ કરવામાં આવ્યાં છે તેમાં દર્શાવેલી હકિકતોમાં પણ સુધારા વધારા કરેલા હોવાનું જણાયું છે. તેના આધારે પાંચ વર્ષ પહેલાંનું કુલમુખત્યારનામું સુધીરભાઈ પંજવાણીના નામનું બનાવી અને બોગસ અને બનાવટી કુલમુખત્યારનામાના આધારે તેમના જ મળતીયા રિયાજ દેસાઈના નામે 13 ઓક્ટોબર 2022ના રોજ સબરજિસ્ટ્રાર સાણંદની કચેરીએ અમારી જમીનના વેચાણ દસ્તાવેજ બનાવી ચાંદભાઈ રાઠોડ, મુસ્તાકઅલી મલેકે સાક્ષી તરીકે સહી કરી હતી. આ દસ્તાવેજની કાચી નોંધ રેવેન્યૂ રેકોર્ડમાં 13 ડિસેમ્બર 2022ના રોજ પડી હતી. જે બાબતે સાણંદ પ્રાંત ઓફિસરને પણ વાંધા અરજી આપી હતી. 
 
ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધવામાં આવી
આ વેચાણ દસ્તાવેજમાં એક્સિસ બેંક સોખડા શાખાના જુદા જુદા 10 ચેક દ્વારા 1 કરોડ 39 લાખ 96 હજાર અવેજ પેટે ચૂકવ્યાની ખોટી માહિતી દર્શાવી છે. તે રકમ અમારા કે સહભાગીદારોના બેંક ખાતામાં જમા થઈ નથી. તેમની પાસેથી કોઈ અવેજની રકમ પણ મળી નથી. દસ્તાવેજમાં જે જમીનના ફોટા લગાવાયા છે તે જમીન પણ અમારી નથી. આરોપીઓએ એકબીજાની મદદગારીથી અમારી આ કિંમતી જમીનો પડાવી લેવા એક કાવતરૂ રચીને ખોટા દસ્તાવેજો બનાવી અમારી જમીન પચાવી પાડવા છેતરપિંડી કરી છે. આ ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધવામાં આવી છે. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.