1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026 (12:19 IST)

શિક્ષિત સમાજની વિકૃત માનસિકતા: ડોક્ટર પુત્રવધૂ પર દિયરના સ્પર્મથી ગર્ભધારણનું દબાણ; PSI સસરા સહિત સાસરિયાં સામે ફરિયાદ

Gujarat News
ડોક્ટર પુત્રવધૂ પર દિયરના સ્પર્મથી પ્રેગ્નન્સી રાખવા સાસરિયાંનું દબાણ, PSI સસરા સહિતનાઓ સામે ફરિયાદ અમદાવાદમાં એક શિક્ષિત અને ડોક્ટર તરીકે ફરજ બજાવતી યુવતી સાથે સાસરિયાં દ્વારા કરવામાં આવેલા અમાનવીય વ્યવહારની ઘટના સામે આવી છે. પતિ પિતા બનવા અક્ષમ હોવાનું બહાર આવતા, સાસરિયાઓએ વંશવેલો આગળ વધારવા માટે પુત્રવધૂને તેના જ દિયરના વીર્ય (Sperm) થી IVF કરાવવા મજબૂર કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
 
 
 29 વર્ષીય યુવતી જે અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર છે, તેના લગ્ન વર્ષ 2023માં સરકારી વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવક સાથે થયા હતા. લગ્નના થોડા જ સમયમાં પતિના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોની જાણ થતા વિવાદ શરૂ થયો હતો.
 
લગ્નના એક વર્ષ બાદ સંતાન ન થતા મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમાં પતિ પિતા બનવા અક્ષમ હોવાનું ખુલ્યું હતું. ત્રણ વખત IVF નિષ્ફળ ગયા બાદ, સાસરિયાઓએ યુવતીને તેના દિયરના સ્પર્મથી ગર્ભધારણ કરવા દબાણ કર્યું હતું.
 
 યુવતીએ આ અનૈતિક માંગણીનો ઈન્કાર કરતા પતિએ તેની સાથે અકુદરતી સંબંધો બાંધવા કોશિશ કરી હતી અને સાસરિયાઓએ માનસિક-શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
 
પતિની વિદેશ યાત્રાનો પર્દાફાશ
 
પતિએ ઓફિસના કામે સૌરાષ્ટ્ર જવાનું કહીને પત્નીને છેતરી હતી, પરંતુ વાસ્તવમાં તે થાઈલેન્ડ ફરવા ગયો હતો. જ્યારે યુવતીને આ બાબતની શંકા ગઈ અને  ઓફિસમાં તપાસ કરી તો પંદર દિવસની રજા પર ગયો હોવાની માહિતી મળી, ત્યારે પતિનુ જુઠ્ઠાણુ પકડાયુ હતુ.   આ બાબતે PSI સસરાએ પુત્રવધૂને ધમકાવીને મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો.
 
ઘરમાં પૂરીને ઢોર માર માર્યો
 
યુવતી જ્યારે ઘરે પહોંચી ત્યારે સાસુ, સસરા અને દિયરે તેને રૂમમાં પૂરી દીધી હતી. ત્યારબાદ તેના વાળ પકડી, દંડા અને લાતો વડે ઘાતકી રીતે માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીએ કોઈ રીતે પડોશીના ઘરે આશરો લઈને પોતાનો જીવ બચાવ્યો હતો.
 
પોલીસ કાર્યવાહી:
અંતે યુવતીએ 'અભયમ' હેલ્પલાઈનની મદદ લીધી હતી. કાઉન્સેલિંગ બાદ મામલો ગંભીર જણાતા, વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, દિયર અને PSI સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.