શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (23:48 IST)

હજુ ગુજરાતની કેટલી દિકરીઓ આ રીતે છરીના ઘા ઝીલતી રહેશે ? ગુજરાતમાં વધુ એક મહિલાની પતિ અને ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કરી હત્યા

શુ ગુજરાતના યુવાનો આટલા નિર્દયી થઈ ગયા છે ?

રાજકોટના જેતપુરમાં પૂર્વ પતિએ ભત્રીજા સાથે મળીને પત્નીની અનેક ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. છૂટાછેડા લઈ અલગ રહેતી મહિલાના ઘરમાં ઘૂસી પૂર્વ પતિ અને તેનો ભત્રીજો છરી લઈને મહિલા પર તૂટી પડ્યા હતા, અને મહિલાની ઘાતકી હત્યા કરીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. બાદમાં લોહીલુહાણ હાલતમાં મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પણ ડૉક્ટર્સે તેઓને મૃત જાહેર કર્યાં હતા. હત્યાને પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે
 
 
ભાવિકનગર વિસ્તારમાં રહેતા પ્રસંતબેન શાંતુભાઇ (ઉં.વ.40) પોતાના પુત્ર અને પુત્રી સાથે પોતાને ઘેર હતા, ત્યારે તેનો પતિ શાંતુ કહોર અને ભત્રીજો શિવરાજ કહોર ધસી આવ્યા હતા. અચાનક જ આ બંને પ્રસંતબેનને આડેધડ છરીના ઘા ઝીંકતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બાદમાં શાંતુ અને શિવરાજ નાસી છૂટ્યા હતા. આ અંગેની જાણ પાડોશીઓને થતાં મહિલાઓએ પોલીસને જાણ કરી હતી. આથી સિટી પીઆઇ જે.આર. કરમુર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી 108ને જાણ કરી હતી. બાદમાં સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે પ્રસંતબેનને મૃત જાહેર કર્યા હતા.
 
સંતાનમાં 14 વર્ષની દીકરી અને 12 વર્ષનો પુત્ર
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રસંતબેનના શાંતુ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. તેઓ તેના પુત્ર અને પુત્રી સાથે અલગ રહેતા હતા. માતાની હત્યા બાદ દીકરો અને દીકરી નોધારા થઈ ચૂક્યા છે. માતાની કરપીણ હત્યા થતાં જ તેઓના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. મહિલાની દીકરીએ કહ્યું કે, મારી માતાએ વિનંતી કરી કે હું દીકરો અને દીકરીને સંભાળીને બેઠી છું, પણ તેઓ ન માન્યા. આ ઉપરાંત તેણે કહ્યું કે, પિતાએ પહેલા લગ્નની પત્નીને પણ પેટ્રોલ છાંટી મારી નાખી હતી. આ ઉપરાંત દીકરીએ એવો પણ ખુલાસો કર્યો હતો કે, પિતાએ ત્રણ વખત માતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.