શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By પારૂલ ચૌધરી|

દુર્ગામાતાના સાક્ષાત નવ રૂપો

નવરાત્રીની નવ શક્તિવાહીનીઓ

W.DW.D

નવરાત્રી આખા ભારતમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમારી, પાર્વતી અને મહાકાલી) આગળના ત્રણ દિવસોમાં લક્ષ્મી માતાના સ્વરૂપોની અને પાછળના ત્રણ દિવસોમાં સરસ્વતીના ત્રણ રૂપોની પૂજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ શક્તિના નવ રૂપો વિશે થોડીક માહિતી લઇએ.

પ્રથમ નવરાત્રમાં દુર્ગા શૈલીપુત્રી -
આદિશક્તિ શ્રી દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે આની આરાધના અને પૂજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

બીજા નવરાત્રમાં દુર્ગા શ્રી બ્રહ્મચારિણી -
આદિશક્તિ શ્રી દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રીના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પૂજા કરવાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.
W.DW.D

ત્રીજા નવરાત્રમાં દુર્ગા શ્રી ચંદ્રઘંટા -
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે આ દેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

ચોથા નવરાત્રમાં દુર્ગા શ્રી કૂષ્માંડા -
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.
W.DW.D

પાંચમા નવરાત્રમાં દુર્ગા શ્રી સ્કંદમાતા -
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રીના પાંચમા દિવસે આમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કરવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.

છઠ્ઠા નવરાત્રમાં દુર્ગા શ્રી કાત્યાયની -
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે આનમી પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતોષ, શોક વગેરે તમામ મુશ્કેલીઓનો નાશ થઈ જાય છે.

સાતમા નવરાત્રમાં દુર્ગા શ્રી કાલરાત્રી -
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રી છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રી કહેવાય છે. નવરાત્રીના સાતામા દિવસે આમની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રીની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.
W.DW.D

આઠમા નવરાત્રમાં દુર્ગા શ્રી મહાગૌરી -
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રીના આઠમા દિવસે આમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભવ કાર્ય પણ સંભવ બની જાય છે.

છેલ્લા નવમા નવરાત્રમાં દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી -
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રીના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.