બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. નવલી નવરાત્રી
Written By પારૂલ ચૌધરી|

નવરાત્રિમાં ઘુમવા તૈયાર કેવી રીતે થશો...

NDN.D

તહેવાર હોય કે સારો પ્રસંગ આવે ત્યારે શુ પહેરૂ ? કેવો મેક અપ કરૂ ? આ સવાલ મોટા ભાગની યુવતીઓને સતાવતો હોય છે. એમાંય વળી નવલી નવરાત્રીને વાત હોય તો પુછવું જ છું. એક નહી સળંગ નવ દિવસ સુધી ચાલતી ગરબાની રમઝટ દરમિયાન કેવા આભૂષણો, ચણીયા ચોળી પહેરવી એની તૈયારીઓમાં યુવતીઓ રાત દિવસ એક કરી નાંખે છે. તો આ વખતે નવરાત્રીમાં કેવો લુક અપનાવશો...આવો જાણીએ કેટલીક ટીપ્સ.

રંગીલી ચણીયાચોળી !
નવરાત્રિમાં ગરબે ઘુમવા માટે અમે આ વખતે તમારા માટે કંઈક નવું લઈ આવ્યા છીએ. નવરાત્રિમાં ચણિયાચોળી પાછળ માનુનીઓ 300 રૂપિયાથી લઈને 2000 સુધીનો ખર્ચ કરી નાંખે છે પરંતુ નવરાત્રિ માટે ફક્ત એટલુ જ પુરતુ નથી તેની સાથે અન્ય ખર્ચા પણ છે. તેથી તમે એક જ ચણિયાચોળી પર અલગ અલગ પ્રકારના દુપટ્ટા અને અલગ અલગ બ્લાઉઝની સાથે મેચ કરીને પહેરી શકો છો, ઓછા ખર્ચે વધુ વિવિધતા દેખાશે. ચણિયાચોળીની અંદર ખાસ કરીને ચટક રંગો વધારે સારા લાગે છે.

પગમાં રાખો હલકી મોજડી !
હવે વાત કરીએ પગની, ચણિયાચોળીની સાથે મોજડીની જોડી ખુબ જ સુંદર લાગે છે. તમે ચણિયાચોળી પર રજવાડી મોજડી પણ પહેરી શકો છો. તેની અંદર પણ આજકાલ અવનવી ડિઝાઈન આવેલી છે જેમકે જરદોષી, ટીલડી વર્ક, રંગીન દોરા વડે ભરેલુ વર્ક વગેરે. ખાસ કરીને રાત્રિના સમયે ટીલડી વર્કવાળી મોજડી વધારે સારી છે. આ મોજડી રૂ. 200થી લઇને લઈને 1000 સુધીની તમને પરવડે એવી તમે ખરીદી શકો છો.

ભારે જ્વેલરી ટાળો !
નવરાત્રિમાં આ બધાની સાથે સાથે જ્વેલરીનો ખર્ચો તો અલગ જ હોય છે. તેથી જ્વેલરી એવી પસંદ કરો કે જેને તમે દરેક ચણિયાચોળીની સાથે પહેરી શકો અને તમને વધારે ખર્ચો પણ ન આવે. હા જો આખી રાત ગરબા રમવાના હોય ત્યારે એ વાતનું ધ્યાન રાખજો કે જ્વેલરી વધારે પડતી ભારે ભરખમ ન હોય, નહિ તો ગરબે રમવાની મજા ઓછી થઈ જશે.

મેક-અપ તો વોટરપ્રુફ!
મેક-અપ કરતી વખતે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખજો કે નવરાત્રિમાં ગરબે ઘુમવાને લીધે પરસેવો વધારે થાય છે તેથી મેક-અપ બને ત્યાં સુધી વોટરપ્રુફ જ કરવો. જેથી કરીને પરસેવો થવા તો તેને હળવા હાથે ટીસ્યુ વડે સાફ કરી શકાય. રાત્રિના સમયે વધારે ડાર્ક આઈશેડો સારા લાગે છે તેથી પોતાના પરિધાનને અનુસાર ડાર્ક આઈશેડો લગાવો. તમે ડાર્ક લીપસ્ટિક પણ લગાવી શકો છો. મસ્કરા ખાસ કરીને વોટરપ્રુફ હોવી જોઈએ. ત્યાર બાદ તમે તમારી પીઠના ખુલ્લા ભાગ પર, હાથ પર તેમજ પગ પર ટેટુ લગાવી શકો છો.

વાળને ખુલ્લાના રાખો !
હેરસ્ટાઈલ વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે નવરાત્રિના સમયે ધૂળ-માટીનું પ્રમાણ વધારે હોય છે તેથી બને તેટલા વાળને ખુલ્લા રાખવાનું ટાળો. વળી ગરબે ઘુમતી વખતે ખુલ્લા વાળને લીધે ગરબાની મજા ઓછી થઈ જાય છે. અને ચણયાચોળી પર તો અંબોડો વધારે શોભે છે તેથી તમે અંબોડામાં ઈચ્છો તો અવનવી ડિઝાઈન બનાવી શકો છો અને તેમાં બ્રોચ, કે આર્ટિફિશિયલ ફૂલ પણ લગાવી શકો છો.

ખોટા ખર્ચા ટાળો, મસ્તીથી ઝુમો !
આ વાતો સિવાય એક વતાનું ખાસ ધ્યાન રાખો કે કોઈની પણ દેખા દેખી વધારાનો ખર્ચો કરશો નહિ. જેટલુ તમારૂ બજેટ હોય તેટલામાં જ પુર્ણ કરો અને સૌથી મહત્વની બાબત કે ગરબે ઘુમતી વેળાએ બધુ જ ભુલી જઈને મસ્તીથી ઝુમો.