શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી લેખકો
Written By દેવાંગ મેવાડા|

ગુજરાતી સાહિત્યજગતનો ચમકતો તારલો 'પન્નાલાલ પટેલ'

માત્ર ચાર ચોપડી ભણેલા ગુજરાતી સાહિત્‍યજગતના આ ગુજરાતી તારલાને કોણ નથી ઓળખતું? જેમણે ઇડરનાં ડુંગરાઓમાં રહીને ગુજરાતની પજાને તળપદી ભાષા દ્વારા ઉત્તમ સાહિત્‍ય પ્રદાન કર્યું.

નવલકથા, નવલિકા, નાટક, ચિંતન, બાળ સાહિત્ય વગેરેમાં પોતાની રચના દ્વારા ગુજરાતી સાહિત્યને બુલંદ કરીને ગુજરાતને દ્વીતીય જ્ઞાનપીઠ પુરસ્‍કાર અપાવ્યો એવા પન્‍નાલાલ પટેલ નો જન્‍મ ૭મી મે ૧૯૧૨ના રોજ રાજસ્‍થાનના ડુંગરપુર જીલ્‍લાના માંડલીમાં થયો હતો.

ગુજરાતી સાહિત્યજગતના કદાચ પ્રથમ એક એવા નવલકથાકાર જેઓ દ્વારા રચિત વાર્તા પર આધારિત ફિલ્મને શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. પન્નાલાલ પટેલ દ્વારા રચિત વાર્તા કંકુના આધારે દિગ્દર્શક કાંતિલાલ રાઠોડની ફિલ્મ કંકુ શિકાગોનાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ચારેય તરફ ચમકી ઉઠી હતી.

લગભગ બધાજ પ્રકારના લેખનમાં તેમણે ગુજરાતની અબાલ વૃદ્ધ પ્રજાને સાહિત્ય આપ્યું છે. ૧૯પ૦માં પન્‍નાલાલ પટેલને તેમના અમૂલ્‍ય પ્રદાન બદલ ગુજરાત સરકારશ્રીએ ગુજરતી સાહિત્‍યનો સર્વોચ્‍ચ પુરસ્‍કાર રણજિતરામ સુવર્ણચંદ્રક આપ્યો. અને ભારત સરકારે ભારતીય સાહિત્‍યનો સર્વોચ્‍ચ પુરસ્‍કાર જ્ઞાનપીઠ પુરસ્‍કાર ૧૯૮પમાં તેમની રચના માનવીની ભવાઇ માટે અર્પણ કરીને તેમનું સન્‍માન કર્યું.

વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ જેવી નવલકથાઓ ઉપરાંત સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ, જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલાં જીવ જેવા નાટકો, દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ જેવા બાળ સાહિત્યો, અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન જેવા પકીર્ણો અલપઝલપની આત્મકથા અને પૂર્ણયોગનું આચમન જેવી રચનાઓની સાહિત્યરસીકોને ભેટ આપનાર આ મહાન વિભૂતીનો તા. પ એપ્રિલ- ૧૯૮૯ના રોજ દેહ વિલય થયો તેમની ખોટ આજે પણ ગુજરાતી સાહિત્યપ્રેમીઓમાં જણાય રહી છે.