ફ્રેંડશીપ ડે : મૈત્રી કરવી સહેલી સાચવવી મુશ્કેલ !!

friendship day
કહેવાય છે કે જીવનમાં જો સંબંધો ન હોય તો જીવન બોરિંગ લાગે છે. માનવીના જીવનના સંબંધોને લીધે જ આ દુનિયા કાયમ છે. આમ તો મોટાભાગના સંબંધો આપણા જન્મ સાથે જ બંધાઈને આવે છે. પરંતુ દોસ્તી, યારી એક એવો સંબંધ છે જે આપણે બનાવીએ છીએ, આપણે જાળવીએ છીએ અને આપણે એ સંબંધોને જીવનમાં ક્યા સુધી આગળ લઈ જવા એ આપણે જ નક્કી કરીએ છીએ. મિત્રતા એવી હોવી જોઈએ જેમા એકબીજાનો અહમ, પૈસા કે કોઈ ઈર્ષા વચ્ચે ન આવી જોઈએ. ઘણીવાર નાની-નાની ગેરસમજ લાંબા સમયની મૈત્રીમાં કડવાશ લાવી દે છે અથવા તો એ મૈત્રી જ તૂટી જાય છે.

રીના અને વીણાની બાળપણથી જ મૈત્રી હતી. બંને કાયમ સાથે રહેતી, સાથે ભણતી, સાથે ફરવા જતી, સાથે શોપિંગ કરતી. પોતાના મનની વાત બંને એકબીજા સાથે શેર કરતી. એવો કોઈ દિવસ નહોતો કે બંને એકબીજાને ન મળ્યા હોય, વાત ન કરી હોય. બંને એક જ કોલેજમાં ભણ્યા, બંન્નેની મિત્રતા પણ એટલે પ્રખ્યાત થઈ ગઈ કે લોકો કહેવા લાગ્યા કે મૈત્રી હોય તો રીના અને વીણા જેવી.

એક દિવસ અચાનક તેમની વર્ષોની મૈત્રીમાં ફૂટ પડી, એ પણ માત્ર એક નાનકડી વાત પર. થયુ એમ કે વીણાની ઘરે કોઈ કાર્યક્રમ હોવાથી એ વ્યસ્ત એટલી હતી કે તેને યાદ જ ન રહ્યુ કે આજે રીનાનો જન્મદિવસ છે અને બંન્નેનો બહાર જઈને જન્મદિવસ ઉજવવાનો પ્લાન હતો. જન્મદિવસ સેલીબ્રેટ કરવાનુ તો બાજુએ રહ્યુ પરંતુ વીણાએ રીનાને વિશ કરવાનુ પણ યાદ ન રહ્યુ. બીજી બાજુ રીના આખો દિવસ વીણાના ફોનની રાહ જોતી રહી અને ગુસ્સામાં તેણે નિર્ણય કરી લીધો કે હવે એ આજ પછી ક્યારેય વીણા જોડે વાત નહી કરે. પાછળથી વીણાએ તેને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ રીના ન માની અને એક દિવસમાં જ વર્ષોની મૈત્રી તૂટી ગઈ.

આવી જ એક મૈત્રી હતી આકાશ અને વિકાસની. તેઓ બંને સારા મિત્રો હતા. એક દિવસ આકાશને વિકાસ પાસેથી રૂપિયા ઉધાર લેવાની જરૂર પડતા તેણે વિકાસ પાસેથી રૂપિયા તો લઈ લીધા પણ પાછા આપવાનુ કદાચ ભૂલી ગયો વિકાસને લાગ્યુ કે હવે આકાશ રૂપિયા પાછા નહી આપે. મિત્ર હોવાને નાતે તેણે રૂપિયા તો પાછા ન માગ્યા પરંતુ તેણે પોતાના મિત્રને સાથે બોલવાનુ ઓછુ કરી નાખ્યુ. એટલુ ઓછુ કે લાગતુ જ નહોતુ કે બંને મિત્રો છે. આકાશને પણ વિકાસનો આ વ્યવ્હાર સમજાયો નહી. એક દિવસ આકાશે વિકાસના રૂપિયા પાછા આપતા કહ્યુ કે - યાર, માફ કરજે આર્થિક તંગી હોવાને કારણે રૂપિયા આપવામાં મોડુ થઈ ગયુ. ત્યારે વિકાસને ખૂબ જ પછતાવો થયો.

આવુ મોટાભાગે થાય છે કે લોકો નાની નાની વાતોના ઈશ્યુ બનાવી ગેરસમજને કારણે વર્ષોની મહેનતથી ઉછારેલુ મૈત્રીનુ વૃક્ષ એક જ ક્ષણમાં કાપી નાખે છે. તમે જેને પાકો મિત્ર કહો છો તેની તમને દરેક પરિસ્થિતિ વિશે પણ વાકેફ રહેવુ જોઈએ. કોઈને તમે બોલાવ્યો અને એ દિવસે કે એ સમયે ન આવ્યો તો તેના પર ગુસ્સો કરવાને બદલે એ સમયની પરિસ્થિતિ શુ હતી એ જાણવાની કોશિશ કરો. તમારા મિત્રએ તમારી પાસે પોતાના સમજી કંઈક માગ્યુ તો તમારે તેનો અહંકાર ન કરવો જોઈએ પરંતુ પોતાની જાતને નસીબદાર સમજો કે તમે તમારા મિત્રને મદદ કરવા લાયક છો. તમે તમારા મિત્રને સમય રહેતા કામ આવ્યા. તમે મદદ ન કરી હોત તો તમારો મિત્ર બીજા કોઈની પાસે ગયો હોત ત્યારે તમને સારુ લાગત ? મિત્રો ફક્ત ખુશી મનાવવા માટે જ નથી હોતા, મિત્રો એકબીજાને મદદરૂપ થવા માટે પણ હોય છે.

મૈત્રીનો મતલબ સાથે બેસીને ગપ્પા મારવા, બધી જગ્યાએ સાથે જવુ અને પિકનીક મનાવવી જ નથી હોતો. મૈત્રીનો મતલબ છે તમારા સુખના સાથીદાર તમારા મિત્રના દુ:ખના સમયે પણ તમે તેની પડખે રહો. મિત્રને મદદ કરી ભૂલી જાવ, નાની-નાની વાતોને મનમાં લઈ એકબીજા વચ્ચે અંતર ઉભુ ન થવા દેશો. કોઈ ગેરસમજ થતી હોય તો પહેલા ચોખવટ કરી લો, મનમાને મનમા વધુ વિચારી કે બીજા કોઈની વાતોમાં આવી તમારી વર્ષોની મૈત્રી કે મિત્ર પર શંકા ન કરતા. યાદ રાખજો આમ તો દુનિયામાં તમારી આગળ-પાછળ તમને ઘણા લોકો મળી જશે, પરંતુ એક સાચો મિત્ર દરેકને નથી મળતો. આ મિત્ર દિવસ પર સંકલ્પ કરો કે તમે તમારા સાચા મિત્રની મૈત્રીને જીવનભર જાળવી રાખશો.


આ પણ વાંચો :