પરેશ રાવલને ટિકિટ પહેલેથી જ પાક્કી હતી

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 25 માર્ચ 2014 (18:09 IST)

P.R
ભાજપે અમદાવાદ ( પૂર્વ ) ની બેઠક પરથી વર્તમાન સાંસદ હરિન પાઠકનું પત્તું કાપીને ફિલ્‍મ કલાકાર પરેશ રાવલને ટિકિટ આપી ત્‍યારે કોઈને આશ્ચર્ય થયું ન હતું. પરેશ રાવલને ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીની નજીક માનવામાં આવે છે.

ભાજપના મહારાષ્ટ્ર એકમે પણ પરેશ રાવલને મુંબઈ નોર્થ સેન્‍ટ્રલમાં પ્રિયા દત્ત સામે અથવા મુંબઈ નોર્થમાં કોંગ્રેસના સાંસદ સંજય નિરુપમ સામે લડવાની ઓફર કરી હતી.

ભાજપના નેતાઓના મતે રાવલ બંને જગ્‍યાએ જીતી શકે તેમ હતા. પરંતુ રાવલે બંને ઓફર ફગાવી દીધી કારણ કે મોદીએ તેમને ગુજરાત સિવાય બીજે ક્‍યાંયથી ચૂંટણી ન લડવા કહી દીધું હતું. પરેશ રાવલ વડોદરા અને અમદાવાદ બંને જગ્‍યાએ દ્યર ધરાવે છે.
રાવલનું નામ આ બંને શહેર માટે ચર્ચામાં હતું. અંતે મોદીએ વડોદરા પસંદ કર્યું અને રાવલને અમદાવાદ પૂર્વની ટિકિટ અપાવી. જો મોદીએ અમદાવાદ પર પસંદગી ઉતારી હોત તો રાવલને વડોદરા મળવાનું હતું તેમ ભાજપના એક નેતા કહે છે.

ગુજરાત ભાજપના નેતાના જણાવ્‍યા પ્રમાણે પરેશ રાવલ અને મોદી ૨૦૦૫ થી એકબીજાને ઓળખતા હતા, પરંતુ ૨૦૦૮ માં તેઓ વધુ નિકટ આવ્‍યા. પરેશ રાવલનાં પત્‍ની સ્‍વરૂપ સંપટે બંનેને નજીક લાવવામાં ભૂમિકા ભજવી હતી.
વિકલાંગ બાળકોના શિક્ષણ પર પીએચડી કરતા સ્‍વરૂપ સંપટ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામ કરવા માંગતાં હતાં, પરંતુ કેન્‍દ્ર સરકાર કે કોઈ રાજયે તેમની વિનંતી પર ધ્‍યાન આપ્‍યું ન હતું. ૨૦૦૮ માં તેમણે મોદીને પત્ર લખ્‍યો જેનો મોદીએ તરત જવાબ આપ્‍યો અને તેમણે ગુજરાત કાઉન્‍સિલ ફોર એજયુકેશન રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગ સાથે કામ શરૂ કરી દીધું. સ્‍વરૂપ સંપટ મારફત પરેશ રાવલ મોદીના પરિચયમાં આવ્‍યા અને ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે તેમનો ઘરોબો વધ્‍યો હતો. રાવલ થોડા જ સમયમાં મોદીના પ્રિય થઈ ગયા કારણ કે ભાજપના ચૂંટણીપ્રચાર વખતે તેઓ જનતા તરફ જોઈને માત્ર હાથ હલાવવાના બદલે આક્રમક બનીને સોનિયા ગાંધી અને મનમોહન સિંહની ટીકા કરતા હતા. પરેશ રાવલની વક્‍તૃત્‍વ કળાથી પણ મોદી પ્રભાવિત છે અને કોંગ્રેસની ટીકા કરવાની તેમની શૈલી મોદીને પસંદ પડી હતી તેમ ભાજપના એક નેતા કહે છે. આ ઉપરાંત દરેક ભાષણમાં પરેશ રાવલ મોદીનાં વખાણ કરવાનું પણ ચૂકતા ન હતા અને તેમને ગુજરાતના સિંહ તરીકે ઓળખાવતા હતા.


આ પણ વાંચો :