રવિવાર, 22 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2017 (14:34 IST)

ગુજરાત કોંગ્રેસની ચૂંટણી પ્રચારની બાગડોર પ્રશાંત કિશોર સંભાળશે

યુપીના ઇલેક્શન બાદ ઇલેક્શન સ્ટ્રેટેજી માસ્ટર ગણાતાં પ્રશાંત કિશોર પર ઘણાં માછલાં ધોવાયા છે . આમ છતાંયે પ્રશાંત કિશોરની ચૂંટણી ચાણક્ય ચાલનો રાજકીય લાભ ઉઠાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બેતાબ છે. કોંગ્રેસ માટે પણ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી ખૂબ મહત્વરૃપ છે ત્યારે આરપારની લડાઇ લડવા કોંગ્રેસે ચૂંટણી તૈયારીઓ શરૃ કરી દીધી છે. ખુદ વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસની ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે તે વાતને સમર્થન આપ્યુ છે.

ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી લડવા અત્યારથી કમર કસી છે. ૨૭મીથી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાનો પ્રારંભ થઇ રહ્યો છે. ભાજપ યુપીના પરિણામોનો રાજકીય લાભ લેવા આતુર બન્યું છે પણ છેલ્લા ૨૨ વર્ષના ભાજપના એકધારા શાસનને લીધે એન્ટી ઇન્ક્મબન્સી થવાની ભિતી છે. આ સંજોગોમાં ભાજપ પાસે કોઇ ચહેરો નથી ત્યારે ખુદ નરેન્દ્ર મોદી મેદાને ઉતરી ભાજપની નૈયા પાર લગાવી શકે તેમ છે ત્યારે કોંગ્રેસે પ્રશાંત કિશોરનો સહારો લેવા તૈયારી કરી છે. દિલ્હીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પ્રશાંત કિશોર સાથે ચૂંટણીલક્ષી બેઠકો પણ કરી લીધી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પણ હવે ગુજરાત તરફ ધ્યાન આપી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ આ અંગે કહ્યું કે, અમે હાઇકમાન્ડને વાત કરી છે. એકાદ રાજ્યમાં હાર થાય તેનો મતલબ એ નથીકે, નિષ્ણાત બરોબર નથી. અમે પ્રશાંત કિશોરની મદદ લઇશું . આમ, હવે પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચારપ્લાનને આખરી ઓપ આપશે.