1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 18 નવેમ્બર 2017 (12:11 IST)

દિલ્હીમાં મીટિંગ માટે બેસાડી રાખીને પાટીદાર સમાજનું અપમાન કરનાર કોંગ્રેસને પાટીદારોનું 24 કલાકનું અલ્ટિમેટમ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર બાંભણિયાએ શુક્રવારે કોંગ્રેસને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા અલ્ટિમેટમ આપ્યું છે. અનામત અંગે કોંગ્રેસે આપેલી 3 ફોર્મ્યુલા અંગે અંતિમ ચર્ચા માટે આમંત્રિત કરાયેલા ‘પાસ’ના આગેવાનોની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની મુલાકાત થઈ શકી નહોતી, જેના કારણે દિનેશ બાંભણિયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે કે, આ પાટીદારોનું અપમાન છે.

કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ 24 કલાકમાં સ્પષ્ટ કરે, નહીં તો ચૂંટણીમાં કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવશે. બાંભણિયાએ ટીવી પર નિવેદન આપતાં જણાવ્યું કે, શુક્રવારે અમને આખો દિવસ ગુજરાત ભવનમાં બેસાડી રખાયા હતા, જે દરમિયાન ફક્ત ભરતસિંહ સોલંકીએ મુલાકાત કરી હતી. અમારી સાથે સિદ્ધાર્થ પટેલ હતા. તેમણે વારંવાર અશોક ગેહલોતને ફોન કરીને અમારી મુલાકાત માટે વાત કરી હોવા છતાં અમને કોઈ સમય અપાયો નહોતો. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે નિવેદન આપતા જણાવ્યું છે કે પાસના કોઈપણ નેતાઓ સાથે કોઈ પણ પ્રકારની નારાજગી નથી. કોઈપણ પ્રકારની ગેરસમજ થઈ હશે તો તેને દૂર કરવામાં આવશે. પાટીદારો સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે.