શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2017 (14:16 IST)

શું જુલાઈમાં કોંગ્રેસ શંકરસિંહ વાઘેલાનો નિર્ણય લઈ લેશે? વાઘેલાના શક્તિપ્રદર્શનની સીડી દિલ્હી પહોંચી?

શંકરસિંહ વાઘેલાની માગણીનાં સંદર્ભમાં શું કરવું તેનો ફેંસલો જુલાઇનાં પ્રથમ અઠવાડીયામાં આવી જાય તેવી શક્યતાઓ છે. શંકરસિંહ સાથે બેઠક કર્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કોઇ આખરી નિર્ણય કરશે. બીજી બાજુ તાજેતરમાં જ ગાંધીનગરમાં વાઘેલાએ યોજેલા શક્તિ પ્રદર્શનમાં પોતાના સમર્થકો સાથે જાહેરમાં કોંગ્રેસ હાઇકમાન્ડ અને નેતાઓ વિરુધ્ધ જે ભાષણ કર્યું છે તેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કે ગેરશિસ્ત ગણી શકાય કે કેમ તેની વિચારણા પણ થઇ રહી છે. શંકરસિંહે પ્રથમ વખત જ સીધી જ કોંગ્રેસ પક્ષ સામે આંગળી ચીંધી હતી.  ગુજરાતનાં કોંગ્રેસનાં જ કેટલાક સિનિયર નેતાઓ- આગેવાનોએ દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ આ વાત કરી છે. એટલું જ નહીં બાપુ જે કંઇ બોલ્યા છે તેનું ઓડીયો-વીડિયો રેકોર્ડીંગ પણ પુરાવા રૃપે મોકલાયું છે.  ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા 'બાપુ'ને ક્યારેય અન્યાય થવા દીધો નથી. જયારે સોનિયા ગાંધીએ વાઘેલાને તેમની લાયકાત કરતા પણ વધુ મહત્વ આપ્યું હોવાની વાત કહેવાઇ છે. શંકરસિંહ વાઘેલાએ ભૂતકાળમાં હાઇકમાન્ડ સમક્ષ જે કોઇ વાત કરી હતી એ મુજબ તેઓ કયારેય ચાલ્યા નથી. માટે આ વખતે બાપુનાં આડકતરા 'બ્લેકમેઇલીંગ' ને તાબે થવું જોઈએ નહીં. તેમને જવું હોય તો જવા દો અથવા કાઢી મૂકો એવી રજૂઆતો પણ કરવામાં આવી છે. બીજી બાજુ વાઘેલાએ પણ શક્તિ પ્રદર્શન કર્યા પછી ડાહ્યા બની ગયા હોય તેમ કોંગ્રેસ સાથે હળીમળીને કામ કરવાનું શરૃ થયું છે. જુલાઇના પ્રથમ સપ્તાહમાં જ તેઓ ફરીથી  રાહુલ ગાંધીને મળવા દિલ્હી જશે. એ બેઠકમાં તેઓ પોતાની રજૂઆતો-માંગણીઓ પુનઃ દોહરાવશે. રાહુલ ગાંધી પણ હવે આ તબક્કે કોઇ ઠોસ નિર્ણય લઇ લેશે તેવું સૂત્રો જણાવે છે.