રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : સોમવાર, 18 ડિસેમ્બર 2017 (21:25 IST)

હાર્દિકની સભામાં ઉમટી પડેલા લોકોએ વોટ તો છેવટે ભાજપને જ આપ્યો? અમદાવાદ અને વડોદરાની સીટોના પરિણામ પરથી ખબર પડે

ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં અણધાર્યું પરિણામ લાવી શકે તેવું જો કોઈ સૌથી મોટું કોઈ ફેક્ટર હતું તો તે હતું પાટીદાર અનામત આંદોલન. પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાતના રાજકારણમાં રીતસરનું વાવાઝોડું ઉભું કર્યું હતું. તેની સભાઓમાં જે ભીડ આવતી હતી તે જોઈ ભાજપના નેતાઓને પણ પરસેવો આવી જતો. જોકે, ચૂંટણીના જે પરિણામ આવ્યા છે તેને જોતા લાગે છે કે, હાર્દિક ફેક્ટરનો ચૂંટણીમાં ફિયાસ્કો થયો છે.હાર્દિકે અમદાવાદ અને સુરત ઉપરાંત પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા અનેક વિસ્તારોમાં જંગી રેલીઓ કરી હતી. તેમાંય અમદાવાદ અને સુરતની કેટલીક બેઠકો પર તો હાર્દિકે કરેલી રેલીને એટલો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો કે અહીં ભાજપની હાર નિશ્ચિત મનાતી હતી.

જોકે, પરિણામ કંઈક અલગ જ આવ્યું છે.અમદાવાદની ઠક્કરબાપાનગર, બાપુનગર, ઘાટલોડિયા જેવી બેઠક પર પાટીદારોનું જબરજસ્ત પ્રભુત્વ છે. આ વિસ્તારોમાં હાર્દિકે અનેક સભાઓ અને રોડશો કર્યા હતા. પ્રચારના છેલ્લા દિવસે પણ હાર્દિેકે અમદાવાદમાં મંજૂરી ન મળી હોવા છતાં લાંબો રોડશો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જોકે, ઠક્કરનગર, બાપુનગર તેમજ હાર્દિકે અમદાવાદની જે પણ બેઠકો પર પ્રચાર કર્યો તો તે તમામ પર ભાજપની જીત થઈ છે.સુરતમાં પણ વરાછા અને કતારગામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની હાર નિશ્ચિત મનાઈ રહી હતી. જોકે, અહીં પણ ભાજપના ઉમેદવારો ચૂંટણી જીતી ગયા છે. વરાછામાં ભાજપની જીતથી તો ખુદ પક્ષના જ નેતાઓ આશ્ચર્યચકિત છે. કારણકે, અહીં તો છેલ્લી ઘડી સુધી ભાજપ વિરોધી વાતાવરણ હતું. ભાજપના નેતાઓ અહીં પ્રચાર કરવા પણ નહોતા જઈ શકતા. પરંતુ, લોકોએ વોટ તો ભાજપને જ કર્યો છે.પાટીદાર આંદોલનના એપીસેન્ટર ગણાતા અને અનામત આંદોલનની જ્યાં સૌ પહેલી રેલી નીકળી હતી તેવા મહેસાણામાં પણ ભાજપ વિરોધી વાતાવરણ હતું. જોકે, ડે. સીએમ નીતિન પટેલ અહીં પણ ભલે પાતળી સરસાઈ સાથે પરંતુ જીતી તો ચોક્કસ ગયા છે. એ વાત અલગ છે કે, વિસનગરમાં કે જ્યાં પાટીદારોની રેલી દરમિયાન હિંસા ભડકી હતી, ત્યાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલની હાર થઈ છે.હાર્દિકે રાજકોટમાં પણ મંજૂરી વગર જંગી સભા કરીને વિજય રુપાણી તેમજ ભાજપ પર પ્રહારો કરવામાં કશુંય બાકી નહોતું રાખ્યું. રાજકોટ પશ્ચિમ બેઠકમાં વિજય રુપાણી માટે પણ કપરાં ચઢાણ મનાતા હતા. જોકે, તેઓ પણ સાઈઝેબલ માર્જિન સાથે પોતાના હરિફ ઈન્દ્રનીલ રાજ્યગુરુને હરાવવામાં સફળ થયા છે.આ વખતની ચૂંટણીના પરિણામો જોતા એ વાત ચોક્કસ કહી શકાય કે હવે ગુજરાતમાં પાટીદાર આંદોલનનો મૃત્યુઘંટ વાગી ચૂક્યો છે. પાટીદારો ભાજપની વિરુદ્ધ મતદાન કરશે તેવી પૂરી શક્યતા હતી. પરંતુ, સૌરાષ્ટ્ર સિવાય પાટીદાર આંદોલનની અસર ક્યાંય દેખાઈ નથી. સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસને પાટીદાર આંદોલનને કારણે જ ફાયદો થયો છે તેવું ચોક્કસ કહી ન શકાય. કારણકે, અહીં ખેડૂતોના પ્રશ્નો પણ ઘણા ગંભીર હતા, અને ખેડૂતોમાં નોટબંધી અને વેપારીઓમાં જીએસટીને લઈને ભાજપ સામે વ્યાપક રોષ હતો.