જંગલી ગધેડાઓ એટલે કે ‘ઘુડખર’ સમગ્ર જગતમાં ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે

વેબ દુનિયા|
P.R

સામાન્ય ગુજરાતી તરીકે તો આપણને દરેકને ખબર જ હશે કે દુનિયામાં ગુજરાત ફક્ત અહીં જ વસેલા એશિયાટિક લાયન એટલે કે સિંહને કારણે પ્રખ્યાત છે. ગુજરાતના ગીર અભયારણ્યમાં જંગલના રાજાનો વસવાટ છે. પણ કેટલા ગુજરાતીઓને એ ખબર છે કે સિવાય પણ અન્ય એક પ્રાણીને કારણે જગતના વન્યપ્રેમીઓમાં ગુજરાત પ્રખ્યાત છે? આ પ્રાણી છે ‘ઘુડખર’. વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડાઓની ત્રણ પ્રજાતિમાંની એક એટલે ‘ઘુડખર’. સમગ્ર જગતમાં ફક્ત ગુજરાતમાં જ એ જોવા મળે છે. ગુજરાતમાં આવેલા ભારતના સૌથી મોટા અભયારણ્ય એટલે કે ‘લિટલ રણ ઓફ કચ્છ’માં લગભગ ૪૦૦૦ સલામત રીતે વસવાટ કરે છે.

કચ્છ પ્રદેશ આમ પણ તેની વિશિષ્ટ ભૌગોલિક રચનાને કારણે પ્રખ્યાત છે. અરબી સમુદ્ર અને કચ્છના અખાતને કારણે લગભગ સમગ્ર કચ્છ જિલ્લો ખારોપાટ પ્રદેશ છે. નહીંવત્ વનસ્પતિ અહીંયાં ખારાપાટમાં ઊગી શકે છે. નજર પહોંચે ત્યાં સુધી ફકત સપાટ અને કોરીધાકોર જમીન જ જોવા મળે, આ એક વિશિષ્ટ પ્રકારનું રણ છે જ્યાં ન તો રેતીના ટીલા છે કે ન તો હવામાં ઊડતી ધૂળની ડમરી. અહીંયાં તો છે અનંત સુધી ફેલાયેલો સપાટ પ્રદેશ... કુદરતે માટીનાં ચોસલાં પાડ્યાં હોય એવા સેંકડો કિલોમીટરનો નિર્જન પ્રદેશ. ક્યાંક ક્યાંક વળી થોડી ઊંચાણવાળી જમીન પર વનસ્પતિ ઊગેલી જોવા મળે એ જ તમારી હરિયાળી. પણ આ જિલ્લાનું આ જ લક્ષણ એને એટલી ખૂબસૂરતી બક્ષે છે કે ન પૂછો વાત. કુદરતની એક એક છટાના કમાલના એવા એવા નજારા અહીંયાં છે કે કોઇ પણ દંગ થઇ જાય. આ કમાલમાં પહેલું આવે ‘મૃગજળ’. વાર્તાઓમાં વાંચેલું અને કોઇકના મોઢે સાંભળેલું ‘મૃગજળ’ અહીંયાં સાક્ષાત્ જોવા મળે. દરિયામાં ભરતીને કારણે જમીનની તિરાડોમાં ભરાઇ રહેલું પાણી જ્યારે ભરબપોરે બાષ્પીભવન થઇ વરાળનું સ્વરૂપ લે ત્યારે તમારી આંખો સામે આ અજાયબી તાદશ થઇ ઊઠે છે. દૂરથી પાણી જ લાગે, પણ જેમ ચાલીને સામે જાઓ તેમ પાણી દૂર થતું જાય અને આમ ‘મૂરખ’ બનવાનો આનંદ પણ ગુમાવવા જેવો નથી. મૃગજળ પછી વારો આવે છે સૂર્યાસ્તનો. આખા દિવસમાં તપેલો તાંબાવરણો સૂરજ જોવો હોય તો પહોંચી જાઓ કચ્છના નાના રણમાં. લાંબામાં લાંબો અને સંપૂર્ણ સૂર્યાસ્ત અહીંથી જોવાનો એક અનેરો લહાવો છે. અનંત ક્ષિતિજ સુધી ફેલાયેલું સપાટ, નિર્બંધ રણ અને ક્ષિતિજ પર સાવ સાફ વાદળ વગરના આકાશમાં પૂરેપૂરો આથમતો સૂર્ય! ચમકતો સૂર્ય પછી કેસરી રંગનો સૂર્ય, પછી તાંબાવરણો સૂર્ય અને છેલ્લેે લાલ રંગની ટોચથી વિદાય લેતો સૂર્ય... શું લખાય, કેટલું લખાય, કેવું લખાય? બધું જ ઓછું લાગે. ત્યાં જ બેઠા રહો આ બધું વાગોળતા. ફક્ત દિશા ફેરવી લો. મોઢું પશ્ચિમમાંથી પૂર્વ તરફ ફેરવી લો, ટોર્ચના અજવાળે પંચાંગનાં પાનાં ફેરવી સમય કાઢો ચંદ્રોદયનો. કાળા ડિબાંગ અંધારામાં ક્ષિતિજ ઉપર થઇ રહેલો ચંદ્રોદય ક્યારેય જોય છે? અવાક થઇ જશો, મોઢું ખુલ્લું જ રહી જશે આ કુદરતનો નજારો જોઇને. તાંબાવરણો સૂર્ય તો ઠીક, ચંદ્ર જોયો છે? થાળી જેવડો નહીં પૂરી ત્રાંસ જેવડો પૂર્ણ ચંદ્ર જોયો છે? કચ્છના રણમાં આ બધું છે, સાહેબ! તામ્ર વર્ણમાંથી થોડા જ સમયમાં સંપૂર્ણ સફેદ થઇ જાય છે ચંદ્રમા અને પછી સમગ્ર રણ, સમગ્ર અસ્તિત્વ દૂધિયા રંગમાં રંગાઇ જાય છે. આ કહેવાતો ખારોપાટ જાણે કે સજીવ થઇ ઊઠે છે ચાંદનીમાં. સંપૂર્ણ પટમાં પથરાયેલા મીઠાના કણ ચાંદનીમાં એવા ચમકે છે કે ન પૂછો વાત! અંધારામાં જાણે પથરાયેલી બરફની ચાદર જોઇ લો. આમ આ પ્રદેશ અભિભૂત થઇ જવાય એટલી હદે વિશિષ્ટ છે.


આ પણ વાંચો :