જૂનાગઢનો ૬૯મો આઝાદી દિવસ અને હાલની પરિસ્થિતી

junagadh
Last Modified સોમવાર, 7 નવેમ્બર 2016 (14:51 IST)
વચ્ચે તણાવનો માહોલ ઊભો થયો છે ત્યારે પાકિસ્તાનમાં કાશ્મીરની સાથે જૂનાગઢનો વિવાદ પણ ચર્ચામાં આવ્યો છે. કાશ્મીરની સાથે જૂનાગઢનો વિવાદ પણ વર્ષ ૧૯૪૭-૪૮થી સંયુક્ત રાષ્ટ્રમાં પેન્ડિંગ છે. બંને દેશો વચ્ચેના હાલના તણાવભર્યા માહોલમાં નવાબી નગરી જૂનાગઢનો ૬૯મો આઝાદી દિન ૯ નવેમ્બરે ઊજવાઈ રહ્યો છે ત્યારે વાત કરવી છે જૂનાગઢના આઝાદીના ઇતિહાસ અને સરદાર પટેલની કુનેહથી જૂનાગઢને પાકિસ્તાનથી અલગ કરી ભારતનો હિસ્સો બનાવી શકાયો તેના કેટલાક પાસાઓની. કરાચીસ્થિત નવાબના વંશજ હજુ પણ જૂનાગઢને ભૂલ્યા નથી. તેઓ આ મુદ્દો ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા પાકિસ્તાન સરકારને કહી રહ્યા છે. તો ઇતિહાસકારો કહે છે, જો સરદારે જૂનાગઢના ગૂંચવાયેલા પ્રશ્નમાં રસ લીધો ન હોત તો ગુજરાત કે ભારતનો નકશો જુદો જ હોત અને આજે પણ કાશ્મીરની જેમ જૂનાગઢનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ગાજતો રહ્યો હતો.

૯ નવેમ્બર, ર૦૧૬ના રોજ જૂનાગઢનો ૬૯મો આઝાદી દિન ઊજવાશે. આ દિવસે જૂનાગઢમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને ઇતિહાસને પણ યાદ કરાશે. એક તબક્કે પાકિસ્તાનનો હિસ્સો બન્યું હોવાથી ઐતિહાસિક રીતે તે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બાદમાં જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું તેને વર્ષ થઈ ગયાં, પરંતુ રાજ્ય સરકાર તરફથી છેક ૧૯૯૭થી ઉજવણી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢના સ્થાનિક આગેવાન અને યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર યોગી પઢિયાર કહે છે, “દિલીપ પરીખ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા ત્યારે ૯ નવેમ્બર, ૧૯૯૭ના દિને તેઓ જૂનાગઢ આવ્યા હતા ને ઐતિહાસિક બહાઉદ્દીન કૉલેજમાં તકતી મૂકીને કાર્યક્રમ યોજ્યો હતો. આ કૉલેજ ગ્રાઉન્ડમાં હાલ એ તકતી અત્યંત ખરાબ દશામાં જોવા મળે છે.”

૧પ ઓગસ્ટ, ૧૯૪૭નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો છે. આ દિવસે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. દેશભરમાં આઝાદીનો જશ્ન મનાવાતો હતો ત્યારે કાઠિયાવાડના જૂનાગઢ રાજ્યનો માહોલ કંઈક જુદો હતો. જૂનાગઢને એ વખતે નવાબ મહોબતખાને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય જાહેર કરતાં જૂનાગઢના બહુમતી લોકોમાં રોષ અને અજંપો હતો. જૂનાગઢને પાકિસ્તાનની જાળમાંથી છોડાવવા સરદાર પટેલના છૂપા આશીર્વાદથી આરઝી હકૂમતની રચના કરવામાં આવી હતી. આરઝી હકૂમત, ભારત સંઘના આક્રમક વલણ અને સરદારની કુનેહથી જૂનાગઢની જનતાએ છેક ૯ નવેમ્બર, ૧૯૪૭ના રોજ આઝાદીનો શ્વાસ લીધો હતો.
ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડી બંને દેશને સ્વતંત્ર બનાવવાનો નિર્ણય લેવાયો ત્યારે ભારતમાં પ૬ર દેશી રજવાડાંના એકીકરણનો જટિલ પ્રશ્ન હતો. ભારતના આ રજવાડાંમાં એકલા કાઠિયાવાડ (હાલના સૌરાષ્ટ્ર)માં જ રરર રજવાડાં હતાં. જેના વિલિનીકરણની કામગીરી કપરી હતી. પાંચ જુલાઈ, ૧૯૪૭ના રોજ ભારત સરકારે રિયાસતી ખાતું ખોલ્યુ અને વચગાળાની સરકારના ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને દેશી રજવાડાંના વિલિનીકરણ માટે કામ સોંપાયું. વલ્લભભાઈની કુનેહથી માત્ર ૪૦ દિવસમાં જ એટલે કે ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ સુધીમાં કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ એમ ત્રણ સિવાયનાં રાજ્યો પાસેથી જોડાણખત મેળવવામાં સરદારને સફળતા મળી હતી. કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ સ્ટેટના શાસકોએ ભારત સાથે જોડાવાનો ઈનકાર કર્યો હતો.

જૂનાગઢમાં નવાબનું શાસન જોયું હોય તેવા અનેક લોકો હાલ જીવિત છે. જેમાં ૮૧ વર્ષે પણ તબીબ તરીકેની ફરજ બજાવી રહેલા ડૉ. પૂર્ણેન્દુ બુચ નવાબી શાસન વખતે શાળામાં અભ્યાસ કરતા હતા. તેઓ કહે છે, “મેં એકાદ દસકા સુધી નવાબનું શાસન જોયંુ છે. મહોબતખાનજી ત્રીજાના શાસનને રપ વર્ષ થયાં ત્યારે જૂનાગઢમાં તેની ઉજવણી કરવામાં આવી તે પણ મેં જોઈ હતી. ત્યારે નગરને શણગારાયું હતું અને વિવિધ
સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. નવાબ સેક્યુલર હતા. તેઓ શ્વાન સાથે ગાય પણ રાખતા હતા. કપિલા નામની ગાય તેમની માનીતી હતી. નગરશ્રેષ્ઠીઓ ઈદના દિવસે નવાબને હાર પહેરાવવા જતા. જૂનાગઢને પાકિસ્તાને સાથે ભળવા અંગે મારો મત એવો છે કે દીવાન ભુટ્ટોને કારણે નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો.”આ પણ વાંચો :