રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુજરાત સ્થાપના દિવસ
Written By વેબ દુનિયા|

49 મો ગુજરાતનો ગૌરવંતો દિવસ

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાને નામ સંદેશ

P.R
સૌ પથમ તો ગુજરાતના 49માં સ્થાપના દિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ . આજે ગુજરાતની સ્વર્ણીમ જયંતીનો પ્રસંગ ગુજરાતના દરવજા ખટખટાવી રહ્યો છે. સાડાપાંચ કરોડ ગુજરાતીઓ મળીને ગુજરાતને ખૂબ આગળ લઈ જશે. જેમણે ગુજરાતના વિકાસમાં પોતાનુ મહત્વશીલ યોગદાન આપ્યુ છે તેમને આદરપૂર્વક વંદન કરીએ..."

મુખ્યમંત્રીના આ સંદેશમાં તેમનો ગુજરાત પ્રેમ ઝલકે છે. તેમણે આપેલો સંદેશ આ પ્રમાણે છે.

ગરવી ગુજરાતના મારા વ્હાલા પાંચ કરોડ ગુજરાતીઓ અને વિશ્વભરમાં પથરાયેલ મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો.

આજે ગુજરાત માટે ગૌરવ કરવાનો દિવસ છે. આપણી 48 વર્ષની યાત્રા પૂરી થઈ છે અને સ્વર્ણિમ અવસરગુજરાતના બારણે ટકોરા કરી રહી છે. જેમણે ગુજરાત માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે તેમને આજે વંદન કરીએ. મહાત્મા ગાંઘી, સરદાર પટેલ જેવી મહાન વિભૂતિઓનુ આ ગુજરાત સ્વામી દયાનંદ સરસ્વતીની મહાન આધ્યાત્મિક વિચારધારા, દ્વારકા સોમનાથ, પાલીતાણાના જૈન તીર્થસ્થાનો, તારંતાના દેવાલયો, સંગીત મઢેલુ તાનરીરીનુ વડનગર, ગીરના સિંહ, ધોલાવીરાની સંસ્કૃતિ, લોથલ ક્યા ક્યાં સુધી બધુ વિસ્તરેલુ છે અને આ જ તો આપણુ ગુજરાત છે. આપણા ગુજરાતનો ભવ્ય વારસો છે.

1લી મેની તારીખ ઈતિહાસના ચોપડે બનેલી એક ઘટનાને આપણે યાદ કરીએ. પ્રત્યેક 1લી મે આપણે એ રીતે જીવી લઈએ કે એ આપણને 365 દિવસ પ્રેરણા આપતી રહે. નવી સરકાર બન્યા પછી આ રીતે હું પહેલીવાર તમારી સામે આવ્યો છુ. તમારો વિશ્વાસ, તમારો પ્રેમ અને એના જ કારણે તમે મને નવી જવાબદારી સોંપી. તમે રાખેલો વિશ્વાસ એ ગુજરાતની પ્રગતિના માટે વપરાય એવા અવિરત પ્રયત્નો આદર્યા છે.

મારું તો હંમેશાથી એક જ માનવુ છે કે ભાગીદારી વગર પુરૂષાર્થ શક્ય નથી. જ્યાં સુધી પ્રજાની શક્તિ જોડાય નહી ત્યાં સુધી કોઈ સારા પરિણામો આવે નહી. ચેક ડેમોનુ નિર્માણ કરવાનુ હોય, ખેત તલાવડી બનાવવાની હોય, કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની હોય, પશુપાલન કરવાનુ હોય, બહેનોને વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવાની હોય વગેરે અનેક વાતો છે જેમાં ગુજરાતીઓ હોંશે હોંશે ભાગ લે છે આ ભાગીદારી જ આપણી તાકત છે.
  કોઈ ગુજરાત માટે લડ્યુ તો કોઈ ગુજરાત માટે શહીદ થઈ ગયુ, કોઈ ગુજરાત માટે જ જીવ્યુ - આપણે આ બધાનુ ઋણ ચૂકવવાનુ છે. હું સપના લઈને આવ્યુ છુ - આપ સૌનો સેવક બનીને આવ્યો છુ : આપણા પ્રાણપ્રિય ગુજરાતનુ સામર્થ્ય દુનિયાની સામે લાવવા આવો આપને ખભાથી ખભો મેળવીએ      

મારા ખેડૂતભાઈઓ મલામાલ થાય, મારા ખેડૂતના જીવનમાં સુખ અને શાંતિ આવે એને કાંઈ નવુ કરવાની ઈચ્છા થાય એ આપણી દિશાનો સાચો માર્ગ બની રહી છે. દેશ આજે મોંધવારીથી પરેશાન છે. દેશમાં અન્નના ભંડારો સામે સંકટ ઉભુ થયુ છે. ભારત સરકારે આપણને ઘઉંનુ ઉત્પાદન કરવાનો આગ્રહ કર્યો છે. ભારત સરકારની ઈચ્છા છે કે આપણે ઘઉંમાં કાંઈક કરી બતાવીએ અને મારા ખેડૂત ભાઈઓએ પાછુ વળીને જોયુ નહી. ભૂતકાળમાં ક્યારેય ન પાક્યા હોય એટલા ઘઉં ગુજરાતે પકવી બતાવ્યા. 20 ટકા વુધ્ધિ કરી બતાવી. દેશ ભૂખ્યો ન રહે તેની ચિંતા કરવામાં પણ ગુજરાતના ખેડૂતે પોતાનો કર્તબ બતાવ્યો. કૃષિ મહોત્સવ દ્વારા કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા છીએ. આપણે યુવા પેઢીને કેવુ ગુજરાત આપવુ છે ? મારો યુવાન સાથી રોજગાર માટે ભટકતો ન રહે. રોજગારી આપનારાઓ યુવાનોને શોધતા હોય તેવુ કુશળ શક્તિશાળી યુવાનોનુ નિર્માણ કરવાનુ છે. અંગ્રેજીનો અભાવ અને અંગ્રેજીનો પ્રભાવ બેય આપણને ન પાલવે. આજે સૌ યુવાન મિત્રોને મારી વિનંતી છે કે સ્કોપના આંદોલનમાં ભાગ લો. અંગ્રેજીના જાણકાર બનો. દુનિયા જે ભાષા સમજતી હોય એ ભાષામાં મારો ગુજરાતનો યુવાન સમાજાવતો થાય એ દ્રશ્ય મારે જોવુ છે. આ મારા અંતર મનની ઈચ્છા છે, આપણે ખૂબ પ્રગતિ કરવાની છે.

ખેલકૂદમાં ગુજરાત નામ રોશન કરી રહ્યુ છે, પણ કદી એવો વિચાર કર્યો છે કે બાળક ઉણપો લઈને જન્મે તો ? શુ આપણી ઘરતી પર સ્વસ્થ બાળક ન જન્મે. સ્વસ્થ બાળક તો જ જન્મે જ્યારે સગર્ભા માતા સ્વસ્થ હોય અને સગર્ભા માતાને પૂરતો આહાર મળતો હોય. શુ ગામ આખુ ગામની ગરીબ માતા સગર્ભા હોય તેની ચિંતા ન કરે. ગામ જ જવાબદારી લે. કોઈ મુશ્કેલ કામ નથી. દરેક ઘરમાંથી 200 ગ્રામ સુખડી અઠવાડિયામાં એક વાર આપીએ અને પંચાયત ઘરમાં ભેગી કરીને વિતરણ કરીએ તો સુવાવડમાં જનરી મા, આપણી બહેન ગરીબ હશે છતાં શારીરિક રીતે સ્વસ્થ બાળકને જન્મ આપશે. આપણો દેશ પરોપકારનો દેશ છે. આપણી સંસ્કૃતિ ભૂખ્યાને અન્ન આપવા માટે ટેવાયેલી છે, યોગ્ય અન્ન મળે, પૂરતુ અન્ન મળે, પોષણ મળે આપણે બધા સાથે મળીને કરીએ કેટલું સારુ પરિણામ આવે.

P.R
મારી તમને વિનંતી છે કે કોઈ સંકલ્પ કરો અને નક્કી કરો કે 2010 પહેલા હું આ સંકલ્પને સિધ્ધ કરી બતાવીશ. એક તપશ્ચર્યા જ કરીશ, જીવનમાં કુટેવ હશે તો છોડીશ. હું તમાકું ખાતો હોઉ, સિગરેટ પીતો હોઉ એ છોડી દઉને તો પણ લોકહિત છે. હું જમતો હોઉં અને એઠું મૂકવાની ટેવ હોય, છોડવાની ટેવ હોય એ બંધ કરીશ તો પણ કરોડો ગરીબ લોકોને અન્ન મળશે. હું વિદ્યાર્થી હોઉ અને માંદલો રહેતો હોઉ અને મંદો ન પડુ તો પણ રાજ્યની સેવા થાય. હું વૃક્ષ વાવવાનો નિર્ણય કરુ, કચરો બહાન ન ફેંકુ એવો નિર્ણય કરુ. સાડાપાંચ કરોડ ગુજરાતીઓ આવા સંકલ્પ લે તો ગુજરાત એક સાથે સાડા પાંચ કરોડ પગલા આગળ વધે. કેટલો મોટો હિસાબ અને કામ કેટલુ સરળ. આવો સુવર્ણ જયંતિ ઉજવવા માટે અત્યારથી જ સંકલ્પનુ વાતાવરણ બનાવીએ.

આપણે આપણી જવાબદારી પૂરી કરવા પ્રતિબધ્ધ થઈએ. આપણે પ્રગતિ કરવાની છે, ખૂબ વિકાસ કરવો છે, ગુજરાતમાં નવી નવી ઉંચાઈઓ પાર કરવી છે. ખૂબ સપના લઈને આવ્યો છુ, સેવક બનીને આવ્યુ છુ. આવો, આપણે બધા ખભાથી ખભો મિલાવીએ, આપણા પ્રાણપ્રિય ગુજરાતને આગળ ધપાવીએ. મારા ગુજરાતીભાઈઓ કોઈ પરીક્ષા આપવા જાય, કે ખેલાડીઓ રમવા જાય, ગુજરાતી વેપારીઓ વેપાર કરવા જાય ખેડૂતો ખેતરમાં અન્ન પકવતા હોય ત્યારે મારા મનમાં એક જ સંકલ્પ જીતેગા ગુજરાત.

આ સંકલ્પ સાથે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકસનો મંત્ર લઈને આપણે ચાલીએ. આવો 2010ના સુવર્ણ જયંતિ માટે સંકલ્પ કરીએ. આવો નિરોગી બાળક માટે કોઈ યોગદાન આપીએ. આવો સગર્ભા માતાઓની ચિંતા કરીએ, આવો ગરીબમાં ગરીબ માનવી માટે કશુ કરી બતાવીએ. આપણે કંઈક આપણી પાસે છે તેને વહેંચીએ, જ્ઞાન હોય તો જ્ઞાન વહેંચીએ, શક્તિ હોય તો શક્તિ વહેંચીએ, આવો સાથે મળીને સમૃધ્ધ ગુજરાતના નિર્માણ માટે કટીબધ્ધ બનીએ. જય જય ગરવી ગુજરાત.