કોગ્રેસીઓ ગાંઘીનું અપમાન કરે છે - મોદી

ગુજરાતમાં હિન્દુઓને આતંકવાદી કહેનારા કોંગ્રેસીઓ પર મોદીના આકરાં પ્રહારો

W.D
અમદાવાદ (વેબદુનિયા)ગુજરાતમાં હિન્દુઓને આતંકવાદી કહેનારા કોંગ્રેસીઓ પોતે જ આતંકવાદીઓની રખેવાળી કરે છે. ગુજરાતીઓને આતંકવાદી કહેનાર કોંગ્રેસીઓ ગાંધી અને સરદારનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસને કોઈ કામ કરવું નથી કે તેમને કોઈ કામ સૂઝતું નથી, મારે તો ગુજરાતને વિકાસના પંથે લઈ જવો છે, પરંતુ ગુજરાતની આ વિકાસયાત્રા વિરોધપક્ષોને ગમતી નથી અને તેથી જ જુઠ્ઠાણા ચલાવી રહ્યાં છે અને ગુજરાતના વિકાસના આડે રોડા નાંખી રહ્યાં છે એમ કહી ગોધરા ખાતેની ચૂંટણી સભાને સંબોધતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે પોતાને તેમજ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના વિકાસના સારથી લેખાવ્યા હતાં.

સમગ્ર વિશ્વની નજર જેના ઉપર છે તેવી ગોધરા વિધાનસભાની પ્રતિષ્ઠાભરી બેઠકના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણના પ્રચારઅર્થે આવેલા ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોઈ ગમે તે કહે પરંતું તેમની ભાજપ સરકારનાં શાસનમાં પ્રજા સલામત છે, તે હું નથી કહેતો પણ પુરાવા બોલે છે. માધવસિંહ સોલંકીના સમયમાં ગોધરામાં 110 દિવસ સુધી તોફાનોના કારણે સતત કરફ્યુ રહ્યો હતો. જ્યારે ભાજપ સરકારનાં પાછલા પાંચ વર્ષના શાસન દરમ્યાન 1 કલાકનો પણ કરફ્યુ લગાવાયો નથી એ જ બતાવે છે કે, ગુજરાતમાં અમને શાંતિ અને સલામતી છે, પરંતુ કોંગ્રેસને ગુજરાતનો ભાઈચારો અને શાંતિ આંખમાં કણાની માફક ખૂંચી રહી છે, તેમનાથી ગુજરાતનો વિકાસ પણ જોઈ શકાતો નથી અને ગુજરાતને બદનામ કરી રહ્યાં છે.

સોનિયા ગાંધી ઉપર વાકબાણો છોડતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી ગુજરાતમાં આવીને મને મોતનો સોદાગર ગણાવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સોનિયા ગાંધી અને તેમની દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર જ મોતના સોદાગરોની રખેવાળી કરી રહી છે. ભાજપ સરકારે મોતના સોદાગરને નાથવા માટે ટાડા અને પોટાનો કાયદો બનાવ્યો તો યુપીએ સરકારે તેને નાબૂદ કરવાનું કામ કર્યું પરિણામે મોતના સોદાગરો આતંકવાદીઓને છૂટો દૌર મળ્યો. સસંદ પરના હુમલાખોર અફઝલ ગુરુને સુપ્રિમ કોર્ટે મોતની સજા ફટકારી તેના એક વર્ષ બાદ પણ તેનો અમલ થતો નથી. અને કોંગ્રેસ સહિત યુપીએ સરકાર મતોનું રાજકારણ ખેલી રહી છે અને મતો માટે જ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આતંકવાદીઓને માથે ચઢાવી રહ્યા છે ત્યારે સોનિયા ગાંધી અને યુપીએ સરકાર ઉપર ખુલ્લો આક્ષેપ કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મને મોતના સોદાગર કહેનારા પોતે જ મોતના સોદાગરોના વાસ્વતવમાં રખેવાળા છે.

કોંગ્રેસના નિશાન પંજા ઉપર નિશાન તાકતા મોદીએ પોતાની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પંજો એ ટ્રાફિક પોલીસના પંજા જેવો છે, ટ્રાફિક પોલીસનો પંજો જેમ પૂરપાટ ઝડપે આવતા વાહોનોને રોકે તે જ પ્રમાણે કોગ્રેસનો આ પંજો ગુજરાતના વિકાસને રોકવાનું કામ કરે છે, એટલે જ આ પંજાને મરોડી નાંખવાની જરૂર છે,

વધુમાં તેમને જણાવ્યુ કે હવે સમય આવ્યો છે કે ગુજરાતમાં હિત વિરુદ્ધ કામ કરતાં તત્વો સાથે હિસાબ સરભર કરવાનો પાછલાં પાંચ વર્ષ દરમ્યાન ભાજપના શાસનમાં ગુજરાતે પાછલા 50 વર્ષમાં ના થયો હોય તેવો વિકાસ કર્યો છે. નવા ઉદ્યોગો આવ્યા છે તે સાથે રોજગારીની તકો વધી છે, વેપાર વિકાસ થયો છે તે સાથે રાજ્યમાં આર્થિક સમૃદ્ધિ આવી છે રાજ્યમાં રસ્તા, પાણી અને વીજળીની સમસ્યાઓ હલ થઈ છે, શિક્ષણની સુવિધા અને સ્તર સુધર્યા છે અને આ બધું જ પાછલાં પાંચ વર્ષના તેમના શાસન દરમ્યાન જ સિદ્ધ થયું છે ત્યારે આ વિકાસની કૂચને વધુ વેગવંતી બનાવવા માટે તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા માટે અપીલ કરી હતી.

અંદાજિત આઠથી દસ હજારની જનમેદનીને ઉદ્દબોધન કરતાં મોદીને પોતાના પ્રવચન દરમ્યાન વારંવાર જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. આજની સભાની નોંધનીય બાબત એ હતી કે, તેમની સભામાં નોંધનીય બાબત એ હતી કે, તેમની સભામાં લઘુમતી કોમના નાગરિકોની ઉપસ્થિતિ ઊડીને આંખે વળગે તેવી હતી. સામાન્ય રીતે નરેન્દ્ર મોદીની સભામાં ભૂતકાળમાં ક્યારેય લઘુમતી કોમના લોકોની ઉપસ્થિતિ, લઘુમતિ કોમનાં લોકો ગળામાં ખેસ, અને હાથમાં ભાજપનો ઝંડો લઈ જોવા નથી મળ્યા. મોદીની સભામાં લધુમતિ કોમની હાજરી એ ચિંતા અને ચેતવણી સમાન માનવામાં આવે છે.

ધર્મેન્દ્ર વ્યાસ|
નરેન્દ્ર મોદીની પ્રચાર સભા ટાણે ગોધરાનાં ભાજપના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ, સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી સહિત જિલ્લાનાં અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.


આ પણ વાંચો :