શુક્રવાર, 2 ડિસેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

કોંગ્રેસના મુખ્યમંત્રીપદના દાવેદારો

PTI
અમદાવાદ(વેબદુનિયા) ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આગામી વિધાનસભાની ચૂંટણી અર્જુનની માફક મહાભારત યુદ્ધ સમાન પુરવાર થશે. એક તરફ ભાજપમાંથી બહાર ફેંકાયેલા અસંતુષ્ટોનો સામનો અને બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો, અપક્ષોનો સામનો. છતાં મોદી એકલે હાથે આગામી ચૂંટણીમાં ભાજપના પ્રચારનો ભાર લઈને ફરવા માંગે છે અને મોદીના નામથી જ ભાજપમાં નવા ચહેરાઓને તક આપી વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મેળવવા માગે છે.

ભાજપની હંમેશાં નીતિ રહી છે કે મુખ્યમંત્રી તરીકે નામ જાહેર કરીને ચૂટંણી લડે છે. કોંગ્રેસ પાસે સેનાપતિ જ નથી સેનાપતિ વગરની સેના કેવી રીતે લડી શકે? એવા આક્ષેપો થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીને દૂર કરવા ભાજપના જ સિનિયર નેતાઓ, ધારાસભ્યોને વારંવાર બળવો કર્યા છતાં મોવડીમંડળે અડવાણીના દબાણવશ થઈને મોદીના નેતૃત્વ હેઠળ જ આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડાશે એવું જાહેર કર્યું. પરિણામે નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણી મહત્વની પુરવાર થશે. એકલે હાથે પક્ષને સત્તા આપવવાનો પ્રયોગ કોર્પોરેશનની ચૂંટણીમાં મોદીએ કર્યો છે. હવે એ જ પ્રયોગ વિધાનસભાની ચૂંટણીમાં પ્રયોજશે. માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી, તેમની આગવી પ્રચાર શૈલી, પ્રજાની નાડ પારખી મુદ્દાઓ વહેતા કરવામાં માહિર છે.

કોંગ્રેસ અને તેના નેતાઓ આગામી ચૂંટણીમાં મોદીની પ્રચાર - પ્રસાર શૈલીનો કેવો સામનો કરશે એ તો માત્ર સમય જ નક્કી કરશે? જો કે મોદીએ સરકારના કરોડો રૂપિયા ખર્ચીને ચૂંટણી પ્રચારમાં પહેલો રાઉન્ડ તો પૂરો કરી દીધો જ છે.

કોંગ્રેસમાંથી મોદીની સામે મુખ્યમંત્રી પદના દાવેદાર

P.R
અહમદ પટેલઃ એસાઈસીસીના જનરલ સેક્રેટરી, ટ્રબલ શૂટર, ગુડ મેનેજર, ઈફેક્ટીવ લીડર, લૉ-પ્રોફાઈલ ગુજરાતી લીડર, પબ્લિક રિલેશનમાં હોંશિયાર, કોંગ્રેસ અને યુપીએ સરકારના ચેરપર્સન, સુપ્રીમો સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા અહમદ પટેલે અંકલેશ્વર પાસેના પિરામણ નામના નાના ગામડામાંથી દિલ્હી સુધીની રાજકીય સફર કરી. ભરૂચથી દિલ્હી મેડમના અંતરંગ વર્તુળોમાં મહત્ત્વનું સ્થાન મેળવનાર તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનવા ઈચ્છુક છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર આગવી છાપ ધરાવનાર અહમદ પટેલનું રાજકીય વજન ગુજરાતના અને દેશના અન્ય કોંગ્રેસી નેતાઓ કરતા વધારે છે. 1977-79માં છઠ્ઠી લોકસભાના સભ્ય, 1980-84માં આઠમી લોકસભાના સભ્ય અને 1985-89માં આઠમી લોકસભાના સભ્ય રહેલા અહમદ પટેલ સતત ચાર વાર ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને ગયો છે. એ જ એમની રાજકીય તાકાત બતાવે છે. લૉ-પ્રોફાઈલ છતાં અહમદ પટેલની તાકાતને કોઈ નજરઅંદાજ કરી શકે એમ નથી. કોંગ્રેસમાં વિવિધ સ્થાન શોભાવનાર અહમદ પટેલ ગુજરાત અને કેન્દ્રની રાજનીતિમાં બહું મોટું નામ ધરાવે છે. જો કોંગ્રેસ સત્તાની નજીક પહોંચે તો આગામી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી તેમની આગવી ભૂમિકા મહત્ત્વની સાબિત થશે.

P.R
શંકરસિહ વાઘેલાઃ મૂળ ગોત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘ સમયથી સક્રિય, ગુજરાતમાં ભાજપના મૂળિયા મજબૂત કરનાર મોભી, વર્ષો સુધી કોંગ્રેસની સામે આંદોલન કરી વિપક્ષમાં રહીને ગુજરાતમાં ભારતીય જનતા પક્ષને સત્તાના સિંહાસન સુધી પહોંચાડવામાં અગ્ર ભૂમિકા ભજવનાર શંકરસિંહ વાઘેલા માનનીય અટલ બિહારી વાજયેપીને આજે પણ આદર્શ માને છે. 1995માં ભાજપને ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળતા મુખ્મંત્રીપદના પોતે દાવેદાર છતાં પક્ષના વડીલ મોભી કેશુભાઈ પટેલ માટે થઈને મુખ્યમંત્રી પદ જતું કર્યું.

ગાંધીનગર સંસદીય જતું કર્યું. ગાંધીનગર સંસદીય મતક્ષેત્ર લાલકૃષ્ણ અડવાણી માટે ખાલી કર્યુ. ભાજપને સત્તા પ્રાપ્ત થતાંની સાથે જ રાજકીય કાવાદાવાની શરૂઆત થઈ. નોબત ત્યાં સુધી આવી કે શંકરસિંહ વાઘેલાને ભાજપ સાથે છેડો ફાડવા મજબૂર થવું પડ્યું અને અલગ "રાષ્ટ્રીય જનતા પાર્ટી' બનાવી. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના ટેકાથી ટનાટન સરકાર ચલાવી. ત્યારબાદ સાગમેટે રાજપાનું કોંગ્રેસમાં વિલીનીકરણ કર્યું. "બાપુ'ના હુલામણા નામે જાણીતા શંકરસિંહ વાઘેલા એક માત્ર એવા વ્યક્તિ રહ્યા છે કે જેઓએ ભાજપ, રાજપા અને કોંગ્રેસ એમ ત્રણેય પક્ષોના પ્રદેશ પ્રમુખનું સ્થાન ભોગવ્યું છે. ગુજરાતના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા કેન્દ્રીય કપડાં મંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં પણ પોતાનું મજબૂત સ્થાન જાળવી રાહ્યું છે.

આગામી વિભાનસભાની ચૂંટણીમાં ભાજપ અને મુખ્યમત્રી નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે એવું એકમાત્ર વ્યક્તિત્વ શંકરસિંહ વાઘેલા છે. ભાજપ અને નરેન્દ્ર મોદીની સ્ટ્રેટજીને નખશિખ જાણનાર શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસબાની આઘામૂ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી ગુજરાત લોકપ્રિય નામ હોય તો તે એકમાત્ર શંકરસિંહ વાઘેલાનું છે. જે મુખ્યમંત્રીના મજબૂત દાવેદાર પણ બની શકે છે તેમ છતાં કોંગ્રેસની નીતિ રહી છે કે ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીના દાવેદારનું નામ રજૂ કરતો નથી. પાર્ટી પક્ષના સિમ્બોલ પર જ ચૂંટણી લડે છે. જો કે શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા મૂળ કોંગ્રેસીઓ તૈયાર ન થાય કારણ કે "બાપુ'ને તેમનું ગોત્ર નડી શકે છે. કોંગ્રેસમાં હંમેશા ગ્રૂપીઝમ જોવા મળે છે. સત્તાની નજીક પહોંચી રહ્યા છે તેવું લાગે કે તરત જ ગ્રૂપીઝમ જોવા મળે છે. સત્તાની નજીક પહોંચી રહ્યા છે તેવું લાગે કે તરત જ ગ્રૂપીઝમની ગતિવિધિ તેજ બની જાય છે. જો કે આખરી નિર્ણય રાજમાતા સોનિયા ગાંધી અને તેમના સલાહકારો જ કરે છે. બાપુ અને તેમના ટેકેદારો પર લાગેલો રાજપાનો સિક્કો કોંગ્રેસમાં હજુ પણ અસિતત્વ ધરાવે છે.

P.R
દિનશા પટેલઃ સિનિયર કોંગ્રેસી લીડર દિનશા પટેલ પાંચ વખત વિધાનસબાની ચૂંટણી જીત્યા છે. કોંગ્રેસના દિગ્ગજ અને વર્તમાન કેન્દ્રની યુપીએ સરકારમાં રાજ્યકક્ષાના પેટ્રોલિયમ મંત્રી દિનશા પટેલ ભૂતકાળમાં ગુજરાત સરકારમાં પણ મંત્રી પદે રહી ચૂક્યા છે. નડીયાદમાં 10 વર્ષ સુધી નગરસેવક રહી ચૂકેલા દિનશા પટેલની રાજનીતિ ગ્રાસરૂટ પરથી શરૂ થાય છે. સામાન્ય નગરસેવકથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર દિનશા ધારાસભ્ય, કેબિનેટમંત્રી, સંસદ સભય અને કેન્દ્ર સરકારમાં પણ હાલમાં રાજ્યકક્ષાના મંત્રી કપીરે ફરજ નિભાવી રહ્યા છે.

દિનશા પટેલનું કાર્યક્ષેત્ર ખેડા જિલ્લા પૂરતું સીમિત રહેતા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ કે ઉત્તર ગુજરાતમાં તેમના નામનો પ્રભાવ જોવા મળતો નથી. તેઓ પટેલ હોવાને લીધે ગુજરાતના પટેલોમાં લોકપ્રિય રહ્યા છે. ચીમનભાઈ પટેલ પછી કોંગ્રેસમાં વરિષ્ઠ પટેલ નેતા તરીકે દિનશા પટેલનું નામ લઈ શકાય છે. સરદાર પટેલ નામ સાથે હકથી જોડાયેલા દિનશા પટેલ મુખ્યમંત્રીની હરોળના ઉમેદવાર ખરા પરંતુ અંતિમ નિર્ણય મેડમ નક્કી કરે એ જ થઈ શકે.


P.R
અર્જુન મોઢવાડિયાઃ વિધાનસભામાં વિરોધક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં ભાજપ અને મુખ્યમંત્રી મોદી સામે આંકડાકીય માહિતી સાથે કોઈપણ પ્રશ્નની ધારદાર રજૂઆત કરી વિધાનસભા ગજવી શકે છે. કાબેલ, હોશિયાર અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અસરકારક ભૂમિકા અદા કરવામાં સફળ રહ્યા છે. ભારતના બંધારણ અનુસાર જાગૃત વિપક્ષી નેતા, પ્રજાના પ્રહરી તરીકે ગુજરાત વિધાનસભામાં જ્યારે ગૃહની બેઠક મળવાની હોય એવા સમયે જરૂરી અભ્યાસ કરીને એકલે હાથે સરકારને મૂંઝવણમાં મૂકી દેવાની ક્ષમતા ધરાવે છે. અર્જૂન મોઢવાડિયા 1998માં યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર બેઠકમાં 16.18% મત મેળવી શક્યા હતા.

ત્રિપાંખિયા જંગમાં રાજપાના ઉમેદવાર હીરાલાલ શિયાળ 21.71% મત, ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખરિયા 53.48% મત મેળવી વિજયી બન્યા હતા. જ્યારે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વાવાઝોડા સામે પણ અર્જુન મોઢવાડિયા ભાજપના બાબુભાઈ બોખરિયાને હરાવવામાં સફળ થયા હતા. મોદી સામે જાહેરમાં ચર્ચા કરવાનો વારંવાર પડકાર ફેંકનાર મોઢવાડિયા વિધાનસભાની પહેલી ટર્મથી જ કોંગ્રેસમાં મહત્ત્વના સ્થાને પહોંચી ચૂક્યા છે.


W.D
નરહરિ અમીનઃ સામાન્ય કોર્પોરેટમાંથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પદે પહોંચનાર નરિહરિ અમીન નવનિર્માણના આંદોલન સમયે ભૂતપૂર્વ સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની નનામીને કાંધ આપનાર એક યુવા નેતા રહ્યા છે. સમય વહી જતાં એ જ નરહરિ અમીન 1990માં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બનતાં તેમના ડાબા હાથ સમાન ગણાતા. ચીમનભાઈ પટેલનો પડછાયો બની રહેલા નરહરિ અમીનનું નામ પણ ગુજરાતના રાજકારણમાં આગળ પડતું રહ્યું. 67, સાબરમતી વિધાનસભા મતવિસ્તારમાંથી 2001માં યતીન ઓઝાએ રાજીનામું આપતાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલને પરાજિત કરી પુનઃ વિધાનસભામાં પ્રવેશ્યા હતા. જેમાં તેમને 56.81% અને 59203 મત મળ્યા હતા. જ્યારે ભાજપના બાબુભાઈ જમનાદાસને 40733, 39.08% મત મળ્યા હતા. ત્યારબાદ 2002ની વિધાનસભાની યોજાયેલી અમીનનો ટેકેદાર યતીન ઓઝા મણિનગરથી નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડી રહ્યા હતા.

1990માં જનતાદળના ઉમેદવાર રહેલા નરહરિ અમીન 44.90% મત મેળવીને ભાજપના નટુમામાને પરાજિત કર્યા હતા. 1995માં ભાજપના યતીન ઓઝા સામે હારી ગયા હતા. આમ, નરહરિ અમીન ભાજપના યતીન ઓઝા સામે હારી ગયા હતા. આમ, નરહરિ અમીન ગુજરાત કોંગ્રેસમાં મજબૂત સ્થાન ધરાવે છે. પણ હાલમાં સાબરમતી વિધાનસભાની બેઠક પરથી વિજયી બનવામાં મુશ્કેલીઓના સામનો કરવો પડે. કારણકે સાબરમતી ભાજપના ગઢ રહી છે અને હજી પણ હિંદુત્વના સજ્જડ ટેકેદાર સાબરમતી વિસ્તારમાં છે. આ વખતે નરહરિ અમીનને પોતાનો મતવિસ્તાર બદલાવની પણ ફરજ પડે. નરહરિ અમીન પર લાગેલો મૂળ ગોત્ર જનતાદળનો સિક્કો કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનતાં નડી શકે છે. રાજકીય કાવાદાવામાં માહિર નરહરિ અમીન કોંગ્રેસને સંગઠનમાં વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે.

P.R
ભરતસિંહ સોલંકીઃ કોંગ્રેસ પક્ષને ફિનિક્સ (દેવહૂમા) પંખીની જેમ રાખમાંથી બેઠો કરનાર આણંદના યુવા કોંગ્રેસી સાંસદ ભરતસિંહ સોલંકી ગુજરાતમાં કોંગ્રેસને સંગઠિત કરવામાં તમામ તાકાત લગાવીને કામગીરી કરી રહ્યા છે. કોંગ્રેસમાં સૌને સાથે લઈને ચાલવાનો અભિગમ ધરાવનાર ભરત સોલંકી પ્રદેશ પ્રમુખ બન્યા પછી કોંગ્રેસમાં નવું જોમ ફૂંકવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અવનવાં કાર્યક્રમો યોજીને આગામી વિધાનસભામાં સત્તાની નજીક પહોંચવા પ્રયત્નો કરી રહ્યા છે. 1995થી સત્તાવિહીન કોંગ્રેસના નેતાઓ, કાર્યકરોને આગામી ચૂંટણીમાં સત્તા હાથવેંત દેખાય છે ત્યારે પ્રમુખ તરીકે ભરત સોલંકીની કામગીરી મહત્ત્વની પૂરવાર થશે. પિતા માધવસિંહ સોલંકી અને દાદા ઈશ્વરસિંહ ચાવડાનું નામ પણ ભરત સોલંકી માટે મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે.

શક્તિસિંહ ગોહિલઃ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા બાપુ મીડિયામાં લોકપ્રિય છે. પરંતુ 2002ની વિધાનસબાની ચૂંટણીમાં 58, ભાવનગર દક્ષિણની બેઠક પરથી ભાજપના સુનિલ ઓઝા સામે હારી ગયા હતા. જ્યારે શક્તિસિંહ ગોહિલ 1990માં જનતા પક્ષના ઠાકરસી પટેલ સામે 8628 મતોની સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. 1995માં ભજાપના પ્રચંડ વાવાઝોડા સામે પણ શક્તિસિંહ ગોહિલ ભાજપના હરુભાઈ ગોંડલિયા સામે 5217 મતોને સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ 2002માં યોજાયેલી ચૂંટણીમાં ગોધરાકાંડ બાદના તોફાનોમાં ભાવનગર દક્ષિણ વિસ્તાર સળગતો રહ્યો હતો. જેની અસર શક્તિસિંહને પણ દઝાડી ગઈ. હાલ કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ભાજપ અને મુખ્યમંત્રી મોદી સામે પત્રકાર પરિષદો યોજીને મોદીના જુઠ્ઠાણાને ઉજાગર કરી રહ્યા છે અને વાસ્તવિકતા શું છે એ પ્રજા સમક્ષ મીડિયાના માધ્યામથી રજૂ કરે છે.