કોંગ્રેસે 50 ઉમે.ની બીજી યાદી બહાર પાડી  
                                          બીજા તબક્કાની ચૂંટણી માટે 95 બેઠકો પૈકીની 50 બેઠકો જાહેર
                                       
                  
				  				   
				   
                  અમદાવાદ (એજંસી) ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે કોંગ્રેસે 95 બેઠકો પૈકીની 50 બેઠકો માટેના ઉમેદવારોની ગઇકાલ રાત્રીના સમયે જાહેરાત કરી હતી. આ બેઠકોમાં કોંગ્રેસના 20 વર્તમાન ધારાસભ્યમાંથી 19ને રીપીટ કર્યા અને માત્ર વાવ બેઠકના હેમાજી રાજપૂતને ટિકિટ નથી આપવામાં આવી. તેમાં પણ હેમાજી રાજપૂતને પડતા નથી મૂકાયા, તેમના  સ્થાને તેમના પુત્ર વિક્રમ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે મહિલાઓની સદ્દતર અવગણના કરી છે માત્ર બે જ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યમાંથી એક માત્ર દિયોદરના ભેમાભાઈ પટેલ અંગે  નિર્ણય નથી લેવાયો. કોંગ્રેસની 50 ઉમેદવારોની યાદી આજે જાહેર થતાં હવે  45 બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવાની બાકી રહેશે. રવિવારના રોજ જાહેર કરાયેલી યાદીમાં કોંગ્રેસે મહિલાઓની સદ્દતર  અવગણના કરી છે. કોંગ્રેસે માંડલમાંથી ડૉ. તેજસ્વીની પટેલ અને  લીમખેડા(એસટી) મત બેઠક પરથી ચંદ્રિકાબેન બારીયા એમ માત્ર બે જ  મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.નરેશ રાવલને મહેસાણા, નરહરિ અમીનને માતર, ભરત મકવાણાને સોજીત્રા,  સિદ્ધાર્થ પટેલને ડભોઈ, ઉદેસિંહ બારીયાને હાલોલ બેઠક પરથી ટિકિટ  આપવામાં આવી છે. અમદાવાદની એલિસબ્રિજ, કાલુપુર, ખાડિયા, જમાલપુર  અને નરોડા એમ પાંચ બેઠકો પરના ઉમેદવારો જાહેર કરાયા છે. કાલુપુરમાંથી  વર્તમાન ધારાસભ્ય ફારુખ શેખ અને જમાલપુરમાંથી વર્તમાન ધારાસભ્ય  સાબિર ખેડાવાલાને રીપીટ કરાયા છે. જ્યારે ખાડિયામાં ચેતન રાવલ,  એલિસબ્રિજમાં કલ્પેશ પટેલ અને નરોડામાં ડૉ. પુરુષોત્તમ હરવાણીને રીપીટ  કરાયા છે. ભીલોડામાંથી ડૉ. અનિલ જોશીયારાને ફરી ટિકિટ અપાઈ છે.ડૉ.  જોશીયારાને ટિકિટ નહીં અપાય તેવી અટકળો હતી.જયારે ગાંધીનગરના બે ધારાસભ્યો ડો. સી. જે. ચાવડા અને દહેગામના  ધારાસભ્ય જગદીશ ઠાકોરને રિપીટ કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના  મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. યાદીમાં 14 નવા ચહેરામાં બે લઘુમતી, છ પટેલ અને એક સિંધી ઉમેદવારનો  સમાવેશ કરાયો છે. આજે સોમવારે બીજા 45 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ  કરવામાં આવશે. સોમવારની યાદીમાં એનસીપી અને ભાજપના બળવાખોર  જૂથ સાથેની સમજૂતી સહિતની યાદી પ્રસિઘ્ધ કરવામાં આવશે.