ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

મોદી કેબિનેટ-08માં 18 પ્રધાનોનો સમાવેશ

આનંદીબેનને મહસુલ ખાતું, વજુભાઇ અને અમિત શાહને ફરી એજ ખાતા સોપાયા

PTIPTI

ગાંધીનગર (વેબદુનિયા) મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળની રચના બાદ વિવિધ ખાતાઓની કરેલી ફાળવણીમાં ગૃહ, માહિતી, નર્મદા, બંદરો સહિતનો હવાલો પોતાની પાસે રાખીને રાજ્યકક્ષાના પ્રધાનોમાં ગૃહવિભાગનો હવાલો ખાસ વિશ્વાસુ અમીત શાહને અને નાણાખાતુ વજુભાઈ વાળાને ફરી એકવાર આપ્યું છે. જ્યારે આનંદીબેન પટેલને પ્રમોશન આપતા હોય તેમ મહત્ત્વનું મહેસૂલી, માર્ગ અને મકાન ખાતું સોંપવામાંઆવ્યું છે. જૂના પ્રધાનોના ખાતામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.

જ્યારે અગાઉ કેશુભાઈ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફકીરભાઈ વાઘેલાને સામાજિક ન્યાય અને અધિકારિતા, જયનારાયણ વ્યાસને આરોગ્ય-પ્રવાસન અને નીતિન પટેલને પાણી પુરવઠો, શહેરી વિકાસ વિભાગોની જવાબદારી સોંપાઈ છે. નરોત્તમભાઈ પટેલ ગઈ વખતે પાણી પુરવઠો, જળસંપત્તિ (કલ્પસર સિવાય)નો હવાલો સંભાળતા હતા અત્યારે તેમને પણ પ્રમોશન આપતા હોય એમ પંચાયત, નાગરિક પુરવઠો, ગ્રામ ગૃહનિર્માણ વગેરેની જવાબદારી સોંપાઈ છે. ગત-2002ના પ્રધાનમંડળમાં વજુભાઈ વાળા માત્ર નાણાં વિભાગનો હવાલો સંભાળતા હતા આ વખતે એમને નાણાં ઉપરાંત વધારામાં શ્રમ-રોજગાર ખાતુ ફાળવવામાં આવ્યું છે.

આનંદીબેન પટેલ અગાઉ શિક્ષણ, મહિલા- બાળકલ્યાણ, રમતગમત-યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો સંભાળતા હતા. વર્તમાન પ્રધાનમંડળમાં પ્રમોશન આપીને મહિલા બાળકલ્યાણ વિભાગ યથાવત્ રાખીને મહેસૂલ, માર્ગમકાન આપત્તિ વ્યવસ્થાપન અને પાટનગર યોજનાનો હવાલો સોંપાયો છે. અગાઉ મહેસૂલનો હવાલો કૌશિક પટેલ અને માર્ગ-મકાનનો હવાલો આઈ.કે. જાડેજા પાસે હતો અને આ બંને મંત્રીઓ હારી ગયા છે.

નીતિન પટેલને પાણી પુરવઠો જળસંપત્તિ (કલ્પસર સિવાય) ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણનો હવાલો સોંપાયો છે. અગાઉ શહેરી વિકાસનો હવાલો આઈ.કે. જાડેજા પાસે અને પાણી પુરવઠાનો હવાલો નરોતમભાઈ પટેલ પાસે હતો.

દિલીપ સંઘાણીને કૃષિ, સહકાર પશુપાલન મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધનનો હવાલો સોંપાયો છે. અગાઉ ભુપેન્દ્રસિંહ ચુડાસણા આ વિભાગનો હવાલો સંભાળતા હતા પરંતુ ચૂંટણીમાં તેઓ હારી ગયા છે.

ફકીરભાઈ વાઘેલાને સામાજિક ન્યાય અને અધિકારીતા, દલિતો તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણનો હવાલો સોંપાયો છે. કેશુભાઈ સરકારમાં તેઓ આ જ વિભાગો ઉપરાંત નશાબંધીનો હવાલો પણ સંભાળતા હતા. આ વખતે એમને નશાબંધીને બદલે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો સોંપાયો છે.

જયનારાયણ વ્યાસ કેશુભાઈ સરકારમાં નર્મદાવિકાસનો હવાલો સંભાળતા હતા. આ વખતે તેમને આરોગ્ય-પરિવાર કલ્યાણ, પ્રવાસન, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, એનઆરજી સંસ્થાઓનું સંકલન અને એનઆરજી ફાઉન્ડેશનની જવાબદારી સોંપાઈ છે. અગાઉ મોદી સરકારમાં અશોક ભટ્ટ કાયદો-ન્યાયતંત્ર ઉપરાંત ઉપરોક્ત વિભાગોનો હવાલો સંભાળતા હતા. આ વખતે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો નથી પરંતુ તેમને સ્પીકર બનાવે એવી શક્યતા છે.

રમણલાલ વોરા ગત સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા, દલિતો તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા તેમને આ વખતે પ્રમોશન આપીને આનંદીબેન પાસેથી શિક્ષણ વિભાગનો હવાલો લઈને શિક્ષણ અને ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણની જવાબદારી સોંપાઈ છે.

જ્યારે મંગુભાઈ પટેલના અગાઉના ખાતામાં કોઈ ફેરફારો કરાયા નથી. તેમને આ વખતે પણ આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણનો હવાલો સોંપાયો છે.

ગત મંત્રીમંડળમાં ગૃહ વિભાગનો હવાલો રાજ્યકક્ષાના મંત્રી અમીત શાહ પાસે હતો. તેમને પુનઃ ગૃહ, જેલ, વાહનવ્યવહાર, નશાબંધી, પોલીસ આવાસ, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ ઉપરાંત વધારામાં કાયદો- ન્યાયતંત્ર અને વૈદ્યાનિક તથા સંસદીય બાબતોનો સ્વતંત્ર હવાલોસોંપાયેલા વધારાના વિભાગો અગાઉ અશોક ભટ્ટ સંભાળતા હતા.

સૌરભ પટેલ પાસે ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, નાણાં અને આયોજન વિભાગનો હવાલો યથાવત્ રાખીને વધારામાં નાગરિક ઉડ્ડયન, કુટિર ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો સોંપીને ઉદ્યોગ, ખાણ-ખનિજની જવાબદારી પણ સોંપાઈ છે. ઉદ્યોગ,ખાણ ખનિજ વગેરેની જવાબદારી ગત સરકારમાં અનિલ પટેલ સંભાળતા હતા જેમનો આ વખતે પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો નથી.

જશવંતસિંહ ભાંભોર ગત સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે વન-પર્યાવરણનો હવાલો સંભાળતા હતા. આ વખતે તેમને આદિજાતિ વિકાસ, ગ્રામવિકાસ અને શ્રમ-રોજગારની જવાબદારી સોંપાઈ છે.

રાજ્યકક્ષાના પ્રધાનોઓમાં કિરીટસિંહ રાણાને વન-પર્યાવરણ, પરસોત્તમ સોલંકીને ગઈ વખતના જ પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધન વિભાગો અપાયા છે. પરબતભાઈ પટેલને પાણીપુરવઠો સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ડો. માયાબેન કોડનાનીને મહિલા- બાળકલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ, જયસિંહ ચૌહાણને શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ) તથા પ્રોટો કોલની જવાબદારી આપીને વાસણભાઈ આહિરને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગની જવાબદારી સોંપાઈ છે. ખાતાઓના સ્વતંત્ર હવાલામાં માત્ર બે જ પ્રધાનોમાં અમીત શાહ અને સૌરભ પટેલને સ્વતંત્ર હવાલા સોંપાયા છે.

શ્રનરેન્દ્ર મોદી - ગુજરાતનમુખ્યપ્રધાન - 2007
સામાન્ય વહીવટ, આયોજન, વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, ગૃહ, ઉદ્યોગ, ખાણ, ખનીજ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ, બંદરો માહિતી અને પ્રસારણ, નર્મદા, કલ્પસર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીને ફાળવેલ ન હોય તે તમામ વિષયો અને બાબતો.

કેબિનેટ પ્રધાનોમાં - ખાતાંઓની ફાળવણ
1. વજુભાઈ વાળા - નાણાં, શ્રમ અને રોજગાર
2. નરોત્તમભાઈ પટેલ - પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો.
3. આનંદીબેન પટેલ- મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, પાટનગર યોજના, મહિલા અને બાળ કલ્યાણ.
4. નીતિનભાઈ પટેલ - શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ. પાણી પુરવઠા, જળસંપત્તિ (કલ્પસર પ્રભાગ સિવાય),
5. દિલીપ સંઘાણી - કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌ-સંવર્ધન
6. ફકીરભાઈ વાઘેલા - સામાજિક ન્યાય અને અધિકારીતા (અનુસૂચિત જાતિઓનું કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત), રમત ગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.
7. જયનારાયણ વ્યાસ - આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન, દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ.
8. રમણલાલ વોરા - શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ.
9. મંગુભાઈ પટેલ - આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ

રાજ્યકક્ષાના પ્રધાનો -
1. અમિતભાઈ શાહ - ગૃહ, પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી,વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો (સ્વતંત્ર હવાલો)
2. સૌરભભાઈ પટેલ - ઉદ્યોગ, ખાણ, ખનીજ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ. નાગરિક ઉડ્ડયન, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી (સ્વતંત્ર હવાલો), આયોજન, નાણાં,
3. જશવંતસિંહ ભાભોર - આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર
4. કિરીટસિંહ રાણા - વન અને પર્યાવરણ
5. પરષોત્તમભાઈ સોલંકી - પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન
6. પરબતભાઈ પટેલ - પાણી પુરવઠો, સહકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ
7, માયાબેન કોડનાની - મહિલા અને બાળ કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ
8. જયસિંહ ચૌહાણ - શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક પ્રૌઢ), પ્રોટોકોલ
9. વાસણભાઈ આહિર - સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ

મંત્રીમંડળમાં સામાન્ય રીતે એવું બનતું આવ્યું હતું કે સૌરાષ્ટ્ર કરછને પ્રાધાન્ય મળતું હતું. પરંતુ આ વખતે ભાજપને કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી પૂરતી બેઠકો મળી હોવા છતાં તેમણે ઉત્તર ગુજરાતને વધારે મહત્ત્વ આપ્યું છે.