22 કોંગ્રેસના કોર્પોરેટરોની ટીકીટ કપાતા ભાજપને ફાયદો
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આગામી તા. ૨૨મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે. શહેર કોંગ્રેસમાં ટિકિટોની ફાળવમી માટે આજે ઉમેદવારો ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કશ્મકશ ચાલુ રહી હતી. શહેરના મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા પાંચ વોર્ડની બેઠકો ઉપર ઉમેદવારી ફોર્મ ભરવા કોંગ્રેસ દ્વારા ફોન ઉપર આદેશ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં ભાજપથી નારાજ પાટીદારોના મત મેળવવા માટે મોટાભાગના વોર્ડમાં પટેલોને સમાવવા પ્રયાસ કર્યો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરાવવાના છેલ્લા દિવસ કોંગ્રેસના ૩૯ કોર્પોરેટરોમાંથી ૨૨ કોર્પોરેટરોને પડતા મૂકયા છે જેમાં કેટલાંક કોર્પોરેટરો નવા સીમાંકનના કારણે ટિકિટ મેળવી શકયા નથી.
જયારે જમાલપુર વોર્ડમાં પૂર્વ ધારાસભ્ય કાબલીવાલાના ત્રણ કોર્પોરેટરોને કોંગ્રેસ આ ચૂંટણીમાં કાપી નાંખ્યા છે.કોંગ્રેસ ચાંદખેડામાંથી અમરીષ એચ. પટેલ, સૈજપુર બોેધામાંથી કીર્તીભાઈ જે. પરમાર, દરિયાપુરમાંથી નાઝનીનબેન વાસ્તાવાલા, વિનોદભાઈ મોદી, નરોડા રોડ વોર્ડમાંથી સુભદ્રાબેન પટણી, રાયખડ વોર્ડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાબલીવાલાના ટેકેદાર અભયાબેન શેખ, વિનોદ કંથારિયાને ટિકિટ ફાળવી નથી. જયારે નવા સીમાંકનના કારણે રાયખડના લિયાકત ઘોરી, જમાલપુરમાંથી પારૃલ મકવાણા, શરીફખાન દૂધવાલા, મુસ્તાક ખાદીવાલા, ગોમતીપુરમાંથી ડાહ્યાભાઈ પરમાર, રખિયાલમાંથી અર્ચના મકવાણા, ઈશાક આઈ. શેખ, રાજપુરમાંથી કમરજાન એમ. શેખ, અમજદખાન પઠાણ, દાણીલીમડામાંથી રઝીયાબાનુ એફ રંગરેજ, ઈનાયતહુસેન કે. સૈયદ, લાંભામાંથી કૈલાશબેન ઠાકોર, કાળીદાસ સોલંકી, રામોલ-હાથીજણમાંથી વિક્રમ ભરવાડને ટિકિટ કાપી નાંખવામાંઆવી છે.