શનિવાર, 17 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Updated : મંગળવાર, 17 નવેમ્બર 2015 (13:24 IST)

સ્થાનિક ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓ પાસે નાગરિકોની વોટના બદલામાં અનોખી માંગણીઓ

સ્થાનિક ચૂંટણીના પ્રચાર
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર માટે જતાં ઉમેદવારોને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો નહીં પણ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો મુંઝવી રહ્યાં છે. શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં નાગરિકો પ્રચાર માટે આવતાં ઉમેદવારો પાસેદારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટેની ખાતરી માગે છે જોકે, કેટલાંક શાણા ઉમેદવારો અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નોની વાત કરીને વાત ટાળી દે છે તો કેટલાંક ઉમેદવારો તો દારૂના અડ્ડા બંધ કરાવવાની ખાતરી આપીને વિશ્વાસ જીતવાનો પ્રયત્ન પણ કરી રહ્યાં છે જોકે, શહેરના અમરાઇવાડી, અસારવા, સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં તો કેટલાંક મતદારોએ દારૂના અડ્ડા બંધ કરાવવાની ખાતરી આપનાર ઉમેદવારને જ જીતાડવાના કેમ્પેઇન શરૂ કરી દીધા છે જેથી કેટલાંક વિસ્તારોમાં મતદાનમથકોને સંવેદનશીલ જાહેર કરી દેવાયા છે.
 
ગુજરાતમાં દારૂબંધી છે પણ અમદાવાદમાં બેરોકટોક વેચાતો દારૂ સામાન્ય વાત છે. શહેરમાં દારૂના અડ્ડાઓની સામે સજાગ નાગરિકો ફરિયાદો કરે છે પણ તેનો ઉકેલ આવતો નથી. અસારવામાં તો એક ઉમેદવારે દારૂના અડ્ડા બંધ કરાવવાનું વચન આપીને મતદારો પાસે મત માગી રહ્યાં છે. બીજી તરફ અમરાઇવાડી વિસ્તારમાં તો કેટલાંક યુવાનોએ ઉમેદવારો પાસે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગણી સાથે દેખાવો પણ કર્યા છે જ્યારે ઉમેદવારો પ્રચાર કરવા આવે તો દારૂના અડ્ડાનો પ્રશ્ન ઉઠાવવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ સિવાય શહેરના ગોમતીપુર, સરસપુર, રખિયાલ, સૈજપુર-બોઘા, કુબેરનગર, અસારવા, અમરાઇવાડી વિસ્તારોમાં તો દારૂના અડ્ડાઓ બંધ કરાવવાનો પ્રશ્ન જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે જેથી પ્રચારમાં જતા ઉમેદવારોએ આ અંગે ખાતરી આપવી પડે છે.જોકે, કેટલાંક વોર્ડમાં પ્રચાર માટે આવતા ઉમેદવારોને ખાનગીમાં રજુઆત કરીને દારૂના અડ્ડા બંધ કરાવવા માટેની દરખાસ્ત કરવામાં આવે છે. પશ્ચિમના વિસ્તારોમાં જુનાવાડજ, નવાવાડજ, સ્ટેડિયમ, સાબરમતી, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં શ્રમજીવી વિસ્તારો અને ચાલીઓમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે રજુઆત કરવામાં આવી રહી છે.