ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ - આનંદીબેન પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે સુરતમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરીને કોંગ્રેસ ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.આનંદીબેને કહ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. ગુજરાતમાં આંદોલન માટે કોંગ્રેસ જવાબદાર હોવાની સીધી વાત કરી હતી અને કહ્યું હતું કે, આંદોલન થયા બાદ હવે તમામને અંદાજ આવી ગયો છે કે, આની પાછળ કોંગ્રેસનો હાથ રહેલો છે. આનંદીબેને સુરત જિલ્લા અને શહેરમાં આક્રમક પ્રચાર હાથ ધર્યો હતો. કડોદરા ખાતે યોજવામાં આવેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પણ આનંદીબેન જોડાયા હતા. આનંદીબેને કહ્યું હતું કે, આંદોલનની વાતમાં ભરમાઈ જવાની જરૂર નથી. ભાઈબીજની બહેનને ભેટ આપવા આનંદીબેને અપીલ કરી હતી. લિંબાયત નિલગીરી ગ્રાઉન્ડ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સોસાયટીમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતા બેનર લગાડવાના મુદ્દે પણ કોંગ્રેસ આડે હાથ લેતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિદ્રોહ વંટોળ કરે કે બોર્ડ મુકે પરંતુ એ લોકો આવું જ કરવાના છે. એમની પાસે બીજો મુદ્દો નથી. રાજયનો વિકાસ સ્થાયી સરકારને આભારી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં કેન્દ્રથી માંડીને સ્થાનિક સ્તર સુધી તમામ મોરચે એક જ પક્ષની સરકાર છે અને તેના વિકાસના કામો લોકો સીધી રીતે જોઈ શકે છે. બે વર્ષ જીત્યા અને પછી ધર ભેગા થયા એવો માહોલ નહીં હોવાને કારણે વર્ષ ૨૦૦૧થી અત્યાર સુધી રાજયમાં અવિરતપણે વિકાસના કામો ચાલી રહ્યા છે અને લોકો ભાજપને તેમાં જોતરી રહ્યા છે. આનંદીબેન કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓને તો સપનામાં પણ તેમના ખાડાઓ યાદ કરતા હશે. ક્યાં કોંગ્રેસીએ કદી ઝાડુ પકડયુ છે એ પુછજો, લોકોને ખબર છે કે, કોંગ્રેસે કેવું ઝાડુ પકડયુ આખા રાજયની તિજોરી સફાઈ કરી દીધી એમ તેમણે કોંગ્રેસીઓ ઉપર કટાક્ષ કરતા જણાવ્યું હતું. કોંગ્રેસને આજે ઉમેદવારો નહીં મળતા અપક્ષોને મેદાનમાં ઉતારવાની અને મેન્ડેટ પણ આપી શકવાની સ્થિતિમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.